સ્કૂલની હૉસ્ટેલમાં રહેતા 229 વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ

25 February, 2021 09:06 AM IST  |  Mumbai | Mid-day Correspondent

સ્કૂલની હૉસ્ટેલમાં રહેતા 229 વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી વાશિમ જિલ્લાના રિસોડ તાલુતાના દેગાવમાં આવેલી સ્કૂલમાં ભણવા આવેલા અને એની જ હૉસ્ટેલમાં રહેતા ૨૨૯ જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસમાં કોરોનાનો શિકાર બન્યા છે. તેમની સાથે ૪ શિક્ષક અને શિક્ષકેતર કર્મચારીઓને પણ કોરોના થયો છે. આ બાબતની જાણ થતાં જ વાલીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કોરોના થયો હોવાની બાબતને ગંભીરતાથી લેતાં જિલ્લા અધિકારી ષણ્મુગનરાજન એસ. ગઈ કાલે સ્કૂલમાં પહોંચી ગયા હતા અને જાતે પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો હતો.

કોરોના બાધિત ૨૨૯ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હૉસ્ટેલમાં જ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. એમાં અમરાવતી જિલ્લાના ૧૫૧, યવતમાળ જિલ્લાના ૫૫, વાશિમ જિલ્લાના ૧૧, હિંગોલી જિલ્લાના ૮, બુલઢાણાના ૩ અને અકોલાના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમને અન્ય જગ્યાએ રાખવામાં આવ્યા છે.

રિસોડ પોલીસ-સ્ટેશનના સિનિયર પીઆઇ સોમનાથ જાધવે આ સંદર્ભે માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ડૉક્ટરોની ટીમની સાથે અમારો સ્ટાફ પણ ત્યાં ડ્યુટી પર તહેનાત કરાયો છે.’

કોરોનાને લીધે એક્સપ્રેસ ઇન બાદ હવે ફાઉન્ટન હોટેલ સીલ

મુંબઈને અડીને અમદાવાદ અને થાણે હાઈવે જંક્શન પર આવેલી ફાઉન્ટન હોટેલના પાંચ કર્મચારી કોવિડ સંક્રમિત થયા હોવાનું જણાતા આ હોટેલ ૮ માર્ચ સુધી સીલ કરાઈ હતી. સોમવારે નજીકની અેક્સપ્રેસ ઈન હોટેલના ૨૧ સ્ટાફ કોવિડ સંક્રમિત થવાથી તેને ૧૪ દિવસ માટે સીલ કરવામાં આવી છે.

mumbai mumbai news coronavirus covid19