૨૦ વર્ષ પહેલાં ગુમ થયેલા ગુરમીતને તેનો પરિવાર મળ્યો ખરો, પણ મૃત્યુ બાદ

30 January, 2019 09:42 AM IST  |  મુંબઈ | સુરજ ઓઝા

૨૦ વર્ષ પહેલાં ગુમ થયેલા ગુરમીતને તેનો પરિવાર મળ્યો ખરો, પણ મૃત્યુ બાદ

ગુરમીત સિંહ

મુંબઈ સેન્ટ્રલ GRPએ છેલ્લાં ૨૦ વર્ષથી ગુમ થઈ ગયેલી વ્યક્તિનો તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો, પણ અફસોસ એ સમયે એ વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય લઈ ચૂકી હતી. મરનાર ગુરમીત સિંહ મહેન્દર સિંહ ૪૬ વર્ષની વયનો હતો. પોલીસે ‘મિડ-ડે’ને જણાવ્યા મુજબ ૧૫ જાન્યુઆરીએ લગભગ પોણાચાર વાગ્યે માહિમ રેલવે-સ્ટેશન પર વિરાર ફાસ્ટ ટ્રેનની અડફેટે આવવાથી તેનું મૃત્યુ થયું હતું. તેને તરત જ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. તેની ઓળખ સાબિત કરવા પોલીસ પાસે કોઈ ક્લુ નહોતી. પોલીસે તેના મૃતદેહને નાયર હૉસ્પિટલના મૉર્ગમાં રાખી તેની તપાસ આદરી. મરનાર ગુરમીત પાસે બે સિમકાર્ડવાળો ફોન હતો, જેમાં આઇડિયા અને BSNLનાં કાર્ડ હતાં. પોલીસે બન્ને કાર્ડ ફોન-કંપનીને મોકલી તેના કાર્ડની વિગતો તેમ જ કૉલ ડેટા રેકૉર્ડ મગાવ્યો. આઇડિયાનું સિમકાર્ડ જે ચાલુ હતું એના પરથી રાજસ્થાનના કરનાલનું સરનામું મળ્યું.

સ્થાનિક પોલીસે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી ઍડ્રેસ શોધવા કોશિશ કરી તો જાણવા મYયું કે આ ઍડ્રેસ હરિયાણાના કરનાલનું છે. હરિયાણાની પોલીસે કરનાલ ખાતે ગુરમીતના પરિવારને શોધી કાઢ્યો અને ગુરમીતનો મોટો ભાઈ તેના મૃતદેહનો કબજો લેવા મુંબઈ આવ્યો.

ગુરમીતના ભાઈ સિમરજિત સિંહ મહેન્દ્ર સિંહે પોલીસને જણાવ્યું કે ‘ગુરમીતના લગ્ન થયાં હતાં. તેના અને તેની પત્નીના લગભગ રોજ ઝઘડા થતા હતા. લગભગ ત્રણ મહિનામાં જ તેમણે છૂટા પડવાનો નિર્ણય લીધો. પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તે ઘર છોડીને નીકળી ગયા બાદ ક્યારેય પાછો નહોતો ફર્યો. તેના ગયા બાદ મારા પિતા મહેન્દ્ર સિંહે ગુરમીતને શોધવાની ઘણી કોશિશ કરી, પણ પિતાના મરણ પછી કોઈએ વિશેષ કોશિશ કરી નહીં.’

આ પણ વાંચો : ખેડૂતોના અકાઉન્ટમાં જમા થતો આંકડો ખોટો નહીં સાંખી લેવાય : શિવસેના

ગુરમીતના કૉલ રેકૉર્ડમાં માત્ર ત્રણ જ નંબર હતા, જેમાંથી એક નંબર દિલ્હીનો હતો. તેણે પોલીસને જણાવ્યું કે ગુરમીતને તે ૨૦૧૮ના જુલાઈમાં દિલ્હીના ગુરદ્વારામાં મળ્યો હતો, જ્યાં તે સુંદર ભજન ગાતો હતો. પોલીસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે દસ્તાવેજો અને શરીર પરનાં ઓળખચિહ્નોની ખાતરી કરીને ગુરમીતના ભાઈને તેની ડેડ-બૉડી સોંપવામાં આવી હતી.

mumbai news mumbai central