કોરોનાથી ડરીને મુલુંડના 20 વર્ષના યુવકે કરી આત્મહત્યા

25 February, 2021 07:30 AM IST  |  Mumbai | Mid-day Correspondent

કોરોનાથી ડરીને મુલુંડના 20 વર્ષના યુવકે કરી આત્મહત્યા

પ્રતીકાત્મક તસવીર

મુલુંડ-વેસ્ટમાં કૉલોની વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષના યુવાને કોરોનાથી ડરીને આત્મહત્યા કરી હતી. મુલુંડ પોલીસે આ સંબંધી આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘મૃત્યુ પામેલો યુવક મુલુંડની એક કૉલેજનો વિદ્યાર્થી હતો. તેને છેલ્લા ૩-૪ દિવસથી તાવ આવી રહ્યો હતો જેમાં તે બહુ ડરી ગયો હતો એટલે તેણે આત્મહત્યા કરી લીધી હતી.’

પોલીસે જણાવ્યું હતું કે ‘મુલુંડના ખીડીપાડા વિસ્તારમાં રાહુલનગરમાં રહેતા ૨૦ વર્ષના સિદ્ધાર્થ દાડેએ મંગળવારે સાંજે પોતાના ઘરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. સિદ્ધાર્થ મુલુંડની એક કૉલેજમાં કૉમર્સનો ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ હતો. મંગળવારે સાંજે ૪ વાગે જ્યારે તેના ઘરે કોઈ નહોતું ત્યારે તેણે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો લઈને આત્મહત્યા કરી હતી. તેની માતા માર્કેટમાં પોતાનું કામ પતાવીને ઘરે આવી ત્યારે જાણ થતાં તેણે મુલુંડ પોલીસનો સંપર્ક કર્યો હતો.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન અધિકારી વાલ્મીક શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિદ્ધાર્થ મધ્યમ વર્ગનો છે. તેનાં માતા-પિતા અને એક ભાઈ સાથે તે રહેતો હતો. કોરોના થઈ જવાના ડરથી તેણે આવું પગલું ભર્યું હોવાનું તેના પરિવારના સભ્યોએ અમને સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું. તેની પાસેથી અમને કોઈ સુસાઇડ-નોટ મળી નથી.’

mumbai mumbai news mulund suicide coronavirus covid19