1993 મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટના ગુનેગાર યુસુફ મેમણનું હાર્ટ-અટૅક આવતા મૃત્યુ

27 June, 2020 11:03 AM IST  |  Nashik | Mumbai Correspondent

1993 મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટના ગુનેગાર યુસુફ મેમણનું હાર્ટ-અટૅક આવતા મૃત્યુ

પ્રતીકાત્મક તસવીર

૨૫૦ કરતાં વધુ લોકોનો ભોગ લેનાર અને ૭૭૦ને ઈજાગ્રસ્ત કરનાર ૧૨ માર્ચ, ૧૯૯૩ના મુંબઈમાં થયેલા સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટ કેસના ગુનેગાર અને સૂત્રધાર ટાઇગર મેમણના ૫૩ વર્ષના ભાઈ યુસુફ રઝાક મેમણનું નાશિક જેલમાં શુક્રવારે સવારે હૃદયરોગનો હુમલો આવતાં મોત થયું હતું. તેના મૃતદેહને જેલ ઑથોરિટીએ ધુળે પોસ્ટમૉર્ટમ માટે મોકલાવ્યો હતો. બૉમ્બ-બ્લાસ્ટ કેસમાં ટાડા કોર્ટે તેને આજીવન કારવાસની સજા આપી હતી. યુસુફને પહેલાં મુંબઈની આર્થર રોડ જેલમાં રખાયો હતો. ત્યાર બાદ ઔરંગાબાદ જેલમાં શિફ્ટ કરાયો હતો અને છેલ્લાં બે વર્ષથી તે નાશિક જેલમાં હતો.

શુક્રવારે સવારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડતાં તેને તરત જ પોલીસ સંરક્ષણ હેઠળ જિલ્લા સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો ત્યાં સારવાર કરતી વખતે તેનું મૃત્યુ થયું હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું એમ જેલ સુપરિન્ટેન્ડન્ટ પ્રમોદ વાઘે કહ્યું હતું. અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે ટાઇગર મેમણે સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટનું કાવતરું ઘડી કાઢ્યું હતું. યુસુફ મેમણે તેના અલ હુસેની બિલ્ડિંગમાંનો ફ્લૅટ અને ગૅરેજ બન્ને એ આતંકી કૃત્યને અંજામ આપવા વાપરવા આપ્યાં હતાં. ટાઇગર અને યુસુફના ભાઈ યાકુબ મેમણને આ પહેલાં આ કેસમાં ફાંસીની સજા અપાઈ હતી. ૨૦૧૫માં તેને નાગપુર જેલમાં ફાંસી અપાઈ હતી. નાશિકમાં તેને જે કોટડીમાં રાખવામાં આવ્યો હતો એની બાજુની જ કોટડીમાં તેના ભાઈ ઇસાકને રાખવામાં આવ્યો છે. નાશિક જેલમાં સુપરિન્ટેન્ડન્ટ પ્રમોદ વાઘે કહ્યું હતું કે યુસુફ સ્વસ્થ હતો. આ પહેલાં તેણે કોઈ બીમારીની ફરિયાદ કરી નહોતી. આજે સવારે અચાનક જ તેને તકલીફ થવા માંડતાં અમે તેને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

mumbai mumbai news tiger memon mumbai terror attacks 1993 blasts