15 ઑક્ટોબરે બધા માટે લોકલ ટ્રેન શરૂ થઈ શકે : જયંત પાટીલ

06 October, 2020 07:17 AM IST  |  Mumbai | Mumbai Correspondent

15 ઑક્ટોબરે બધા માટે લોકલ ટ્રેન શરૂ થઈ શકે : જયંત પાટીલ

લોકલ ટ્રેન

લૉકડાઉનના નિયમમાં છૂટછાટ અપાયા બાદ ગઈ કાલથી હોટેલ અને રેસ્ટોરાં ખૂલી ગયાં છે ત્યારે મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેન ક્યારે શરૂ થશે એવો સવાલ કરાઈ રહ્યો છે. રાજ્યના જળ સંસાધન પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા જયંત પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે ૧૫ ઑક્ટોબરની આસપાસ સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન ચાલુ કરવાની દિશામાં સરકાર વિચારી રહી છે.

હોટેલ અને રેસ્ટોરાં બાદ ૧૫ ઑક્ટોબરથી સિનેમા હોલ શરૂ કરવાની હિલચાલ પણ કરાઈ રહી છે, પરંતુ લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે બંધ છે. જયંત પાટીલે કહ્યું હતું કે રાજ્ય સરકાર ૧૫ ઑક્ટોબરની આસપાસ તમામ મુંબઈગરા લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકે એ માટેના પ્રયાસ કરી રહી છે. પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ થોડા સમય પહેલાં આ બાબતે શક્યતા વ્યક્ત કરી હતી. ટૂંકમાં બધા માની રહ્યા છે કે હવે સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન શરૂ કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે રવિવારે રેલવે પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે રાજ્ય સરકારે લોકલ ટ્રેનો શરૂ કરવાની હજી સુધી માગણી નથી કરી. સરકાર માગણી કરશે તો એનો નિર્ણય લેવાશે.

લૉકડાઉનમાં છૂટછાટ અપાયા બાદ દેશભરમાં બસ, લાંબા અંતરની ટ્રેનો અને ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે, પણ હજી સુધી મુંબઈની લોકલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવાયો નથી. મુંબઈનું જીવન લોકલ ટ્રેન આધારિત જ હોવાથી એ વહેલી તકે શરૂ થાય તો જ મુંબઈ પહેલાની જેમ પાટે ચડી શકશે.

mumbai mumbai news mumbai local train western railway mumbai railways central railway indian railways