પાલઘરમાં પ્રદૂષિત રસાયણવાળું પાણી પીવાથી 19 બકરીનાં મોત

08 March, 2021 09:02 AM IST  |  Mumbai | Mid-day Correspondent

પાલઘરમાં પ્રદૂષિત રસાયણવાળું પાણી પીવાથી 19 બકરીનાં મોત

પ્રતીકાત્મક તસવીર

પાલઘર-ઈસ્ટના વેવુરમાં ઔદ્યોગિક વસાહત નજીક આવેલા નાળામાંથી શનિવારે દૂધ આપતી લગભગ ૧૯ બકરીનાં ઝેરી (દૂષિત) પાણી પીધાં પછી મોત થયાં હતાં.

સરકારી પશુચિકિત્સક ડૉક્ટરોને દૂષિત પાણીને કારણે ઝેર ફેલાવાની શંકા છે, જે સીધું નાળામાં નાખી દેવામાં આવ્યું હતું. એમ છતાં મૃત્યુનાં કારણો શોધવા માટે ફૉરેન્સિક વિશ્લેષણ માટે નમૂના લેવામાં આવ્યા છે. વેવુરનો એક સ્થાનિક ભરવાડ નિયમિત બકરીને ચરાવવા માટે ત્યાં લઈ જતો હતો. પ્રાણીઓ નાળામાંથી પાણી પીતાં હતાં, પરંતુ ગઈ કાલે નાળામાંથી પાણી પીતાં જ ૧૯ બકરીઓ થોડી મિનિટની અંદર જ જીવ ગુમાવી બેસી હતી.

પાલઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દશરથ પાટીલે જણાવ્યું હતું કે ‘બકરીઓ મૃત્યુ પામતાં તેમણે અમારો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. અમે અજાણી વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. પાણીના નમૂનાઓ એમપીસીબી દ્વારા લેવામાં આવ્યા છે અને પાણીમાં ઝેરી રસાયણો છે કે કેમ એની ચકાસણી માટે લૅબમાં મોકલવામાં આવ્યા છે. એનો રિપોર્ટ આવ્યા પછી અમે ગુનેગાર સામે વધારાના ચાર્જ લગાવીશું.’

ભરવાડને પ્રાણીઓનાં મૃત્યુને લીધે ૭૫,૦૦૦ રૂપિયાનું નુકસાન થયું છે. ભરવાડની આજીવિકા દૂધ વેચીને થતી હતી એટલે તેણે આ નુકસાન માટે મહેસૂલ વિભાગ પાસે વળતરની માગણી કરી છે. જોકે મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

mumbai mumbai news palghar