શ્રદ્ધા અતૂટઃ દાદરથી 15 સાઇકલસવાર આશાપુરા માતાના મઢે જવા રવાના થયા

12 October, 2020 07:52 AM IST  |  Mumbai | Mumbai Correspondent

શ્રદ્ધા અતૂટઃ દાદરથી 15 સાઇકલસવાર આશાપુરા માતાના મઢે જવા રવાના થયા

માતાજીનાં દર્શન માટે પ્રયાણ કરી રહેલા સાઇકલસવારોને લીલી ઝંડી બતાવી રહેલા દિનેશ ત્રિવેદી

શ્રી આશાપુરા મિત્ર મંડળ હિન્દમાતા-દાદર તરફથી કોરાના મહામારીના સમયમાં પણ નવરાત્રૌત્સવમાં કચ્છમાં આવેલા આશાપુરા માતાજીના મઢનાં દર્શનાર્થે ૧૫ સાઇકલસવારને લીલી ઝંડી આપીને આશાપુરા માતાજીના જય જયકાર બોલાવીને ગઈ કાલે મોકલવામાં આવ્યા હતા. આ મંડળ છેલ્લાં ૩૬ વર્ષથી ૧૧૧ સાઇકલસવારને આસો વદ એકમને દિવસે દર્શન માટે મોકલવાનું આયોજન કરે છે.

મંડળના મુખ્ય સંચાલક દિનેશ ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના મહામારીના સમયમાં મુંબઈથી કચ્છ સાઇકલસવારોને મોકલવા કે નહીં એ સંદર્ભમાં અમે દ્વિધા અનુભવી રહ્યા હતા, પરંતુ જે સાઇકલસવારો ૩૬ વર્ષથી આશાપુરા માતાજીનાં દર્શન કરવા જાય છે તેમની શ્રદ્ધા અતૂટ હતી.

તેઓ કચ્છ જવા થનગની રહ્યા હતા. આથી સંજોગોને આધીન અમે આ વખતનું આયોજન ફક્ત ૧૫ જણ પૂરતું જ સીમિત રાખ્યું હતું. ગઈ કાલે હિન્દમાતાની એક દુકાનમાં આરતી અને પ્રસાદનું આયોજન કરીને સાઇકલસવારોને લીલી ઝંડી આપવામાં આવી હતી. તેમની સાથે તેમનું ધ્યાન રાખવા માટે સેવા સમિતિના કાર્યકર રાજુ પટેલ સ્કૂટર પર સાથે ગયા હતા. સૌની એક જ પ્રાર્થના હતી કે માતાજી હવે વહેલી તકે સૌને કોરોના કાળમાથી મુક્તિ અપાવે. સાઇકલસવારોને માતાજીનાં દર્શનમાં કોઈ જ પ્રકારની આપત્તિ ન આવે એ જ માતાજી પાસે પ્રાર્થના.’

mumbai dadar mumbai news