મુંબઈ: ચૂંટણીને લીધે દસમા-બારમાનાં પરિણામ મોડાં જાહેર થઈ શકે

09 April, 2019 10:46 AM IST  |  મુંબઈ

મુંબઈ: ચૂંટણીને લીધે દસમા-બારમાનાં પરિણામ મોડાં જાહેર થઈ શકે

પ્રતીકાત્મક તસવીર

દસમા અને બારમા ધોરણની પરીક્ષાના એક્ઝામિનર, મૉડરેટરોના માથે પરીક્ષાનું કામ હોવા છતાં ૨૯ માર્ચે મુંબઈમાં થનારી લોકસભા ચૂંટણીના કામનો વધારાનો ભાર પણ આપ્યો હોવાથી તેઓ માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા હોવાનું તેમનું કહેવું છે. તેમ જ ચૂંટણીના કામમાં વ્યસ્ત થવાથી એના પરિણામે દસમા અને બારમા ધોરણનાં પરીક્ષા પરિણામ મોડાં જાહેર થાય એેવી પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે એક્ઝામિનર, મૉડરેટરોને ચૂંટણીના કામથી દૂર રાખવા માટે અનેક વિનંતી કરાઈ હોવા છતાં ચૂંટણી કમિશનર દ્વારા આ મામલે દરમ્યાનગીરી ન કરવામાં આવી હોવાથી ટીચરો નારાજ છે.

સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના કરવામાં આવી રહી છે એ વિશે સંપૂર્ણ માહિતી આપતાં ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના વાઇસ પ્રેસિડન્ટ રાજેશ પંડ્યાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૦૮ના સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક્ઝામિનર, મૉડરેટરોને ચૂંટણીની ડ્યુટીથી દૂર રાખવાનો આદેશ છે. આ આદેશનો ઉલ્લેખ કરીને મંત્રાલયનાં સેક્રેટરી વંદના ક્રિષ્નાએ મહારાષ્ટ્રના ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો એ પછી ચૂંટણી કમિશનર દ્વારા આ વિશે કોઈ પણ નિર્ણય લીધા વગર જ જિલ્લા ક્લેક્ટરોને પત્ર મોકલી આ નિવેદન પર યોગ્ય નિર્ણય લેવા માટે વિનંતી કરી હતી. મંત્રાલય ઉપરાંત સેકન્ડરી-હાયર સેકન્ડરી શિક્ષણ મંડળ-પુણે દ્વારા પણ ચૂંટણી અધિકારીઓને વાકેફ કરાયા, પરંતુ એની કોઈ અસર જોવા મળી રહી નથી. એના પરથી એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશની ખુલ્લેઆમ અવમાનના કરાઈ રહી છે. પરીક્ષાનું પરિણામ સમયસર આપવાનું દબાણ છે એમાં ચૂંટણીના કામનો ભાર હોવાથી શિક્ષકોએ આ વિશે નારાજગી દાખવી છે. આ માટે શિક્ષકોએ પણ પોતાની રીતે વિનંતી કરી છે, પણ એનો કોઈ અર્થ રહ્યો નથી.’

દસમા-બારમા ધોરણની પરીક્ષાનાં પરિણામ સમયસર આવશે કે નહીં એ વિશે પણ પ્રશ્ન ઊભો થશે એમ કહેતાં રાજેશ પંડ્યા કહે છે કે ‘કોર્ટના આદેશ અનુસાર બોર્ડનાં પરિણામોને જૂનના પહેલા કે બીજા અઠવાડિયામાં ડિક્લેર કરવા તાકીદ કરી છે. બોર્ડનાં પેપર તપાસ કરવા શાંતિમય વાતાવરણ અને સમય જોઈતાં હોય છે, પરંતુ હાલમાં શિક્ષકો કામમાં ગૂંચવાયેલા હોવાથી પેપરનું કામ કરે કે ચૂંટણીનું એ સમજાતું નથી. ચૂંટણી અધિકારીઓને રજૂઆત કરતાં કોઈ ધ્યાન આપી રહ્યું નથી અને સ્ટાફની જરૂર છે એમ કહેવાય છે. કોઈ રાહત મળી રહી ન હોવાથી શિક્ષકોને ભાષાનાં બસોથી ૨૫૦ પેપર અને ગણિતનાં, વિજ્ઞાન અને સોશ્યલ સ્ટડી જેવા વિષયોનાં ૩૦૦થી ૩૫૦ પેપરો પણ તપાસ કરવાનું કામ માથે આવી પડ્યું છે. ફક્ત બોર્ડનું કામ ન કરતાં સ્કૂલનો અભ્યાસ પૂરો કરી વાર્ષિક પરીક્ષા લેવી અને સમયસર પરિણામ આપવાનું છે. આ પરિણામ પણ ૩૦ એપ્રિલ પહેલાં આપવાનું હોવાથી શિક્ષકો વધુ મૂંઝવણમાં પડ્યા છે.’

આ પણ વાંચો: મુંબઈ: વસઈનો ગુજરાતી બાળક સ્વિમિંગ-પૂલમાં ડૂબી ગયો

ચૂંટણીનું કામ શિક્ષકોને માનસિક અસ્વસ્થ કરી રહ્યું છે એમ જણાવતાં રાજેશ પંડ્યાએ કહ્યું હતું કે ‘શિક્ષકોને ૩ અલગ દિવસ ચૂંટણીનું પ્રશિક્ષણ અપાય છે. ૨૮ એપ્રિલના ચૂંટણીના મુખ્ય કેન્દ્ર પર જઈને ચૂંટણીને લગતી સાધનસામþગી લેવાની અને પોતાના કેન્દ્રમાં એની ગોઠવણ કરવાની હોય છે, જેમાં સવારે ૧૦થી લઈને રાતે ૮ વાગ્યા સુધી ટીચરોના હાલ થાય છે. પ્રિસાઇડિંગ ઑફિસરની જવાબદારી મળી તો મતદાર કેન્દ્ર પર રાત રોકવાનું હોય છે. ચૂંટણીના દિવસે એટલે કે ૨૯ એપ્રિલના સવારે પાંચથી સાડાપાંચ વાગ્યા સુધી ટીચરોએ મતદાન કેન્દ્ર પહોંચવાનું અને મતદાન થયા પછી સામગ્રીઓ જમા કરાવતાં રાતે ૧૦ વાગતા હોય છે. આ બધાને કારણે શિક્ષકોએ માનસિક રીતે ત્રાસ વેઠવો પડી રહ્યો છે.’

mumbai news