ફ્રાઇંગ પૅન અને પ્રેશર-કુકર પૉલિટિક્સના જંગમાં

12 October, 2014 04:33 AM IST  | 

ફ્રાઇંગ પૅન અને પ્રેશર-કુકર પૉલિટિક્સના જંગમાં




વિનય દળવી

લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે એવામાં દાદર પોલીસે અને ઇલેક્શન કમિશને વરલીના કોલીવાડામાં રહેતા એક રિટાયર્ડ પોલીસ-ઇન્સ્પેક્ટરના ઘરે છાપો મારીને ૧૦૦૦ જેટલા ફ્રાઇંગ પૅન જપ્ત કર્યા હતાં. શિવસેનાના વરલીના ઉમેદવાર સુનીલ શિંદેએ NCPના વિધાનસભ્ય સચિન આહિર દ્વારા તેમની પાર્ટીના પક્ષમાં વોટ જાય એ માટે તેમણે મહિલાઓમાં ફ્રાઇંગ પૅન અને પ્રેશર-કુકર વહેંચવામાં આવ્યાં હોવાનો આરોપ કર્યો હતો. જોકે સચિન આહિરે આ વાતને રદિયો આપ્યો હતો.

રિટાયર્ડ પોલીસ-ઇન્સ્પેક્ટર સુધાકર ઘાગરેએ પોલીસને કહ્યું હતું કે તેમના મંડળ દ્વારા કરવા ચોથના કાર્યક્રમ દરમ્યાન આ ફ્રાઇંગ પૅન મહિલાઓને આપવાનાં હતાં એટલે તેમણે આ વસ્તુઓ ખરીદી હતી અને તેમનું મંડળ કોઈ પૉલિટિકલ પાર્ટી સાથે સંબંધ નથી રાખતું.

દાદર પોલીસે જોકે કહ્યું હતું કે ચૂંટણીની આચારસંહિતા ચાલી રહી છે અને એ મંડળે આવા કોઈ પણ કાર્યક્રમ માટે અગાઉથી કોઈ મંજૂરી નહોતી લીધી એટલે એની સામે તપાસ ચાલી રહી છે.

શિવસેનાના વરલીના ભૂતપૂર્વ વિભાગ-પ્રમુખ હરીશ વરલીકરે કહ્યું હતું કે ‘તેઓ મહિલાઓને ફ્રાઇંગ પૅન અને કુકર વહેંચીને સચિન આહિરને વોટ આપવા માટે કહી રહ્યા હતા. અમને એની જાણ થતાં અમે પોલીસને ખબર આપી હતી.’