1 લાખ 20 હજાર રૂપિયાનો પોખરાજ ચોર ગળી જતાં પોલીસ ધંધે લાગી

10 January, 2020 09:31 AM IST  |  Mumbai | Mehul Jethva

1 લાખ 20 હજાર રૂપિયાનો પોખરાજ ચોર ગળી જતાં પોલીસ ધંધે લાગી

ચોર પુખરાજ ગળી ગયો છે.

મુલુંડના એક ચોરે પોલીસના નાકે દમ લાવી દીધો છે. એક ચોર મુલુંડના એક જ્વેલર્સને ત્યાંથી ડાયમન્ડ ચોરીને એ ગળી ગયો હતો. જોકે આ ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજી સુધી આ ડાયમન્ડ પેટમાંથી કાઢી શકી નથી.

મુલુંડ-વેસ્ટમાં એમ. જી. રોડ પર આવેલી સુવર્ણપ્રભા જ્વેલર્સમાં મંગળવારે બપોરે એક યુવક ડાયમન્ડ ખરીદવા આવ્યો હતો. સેલ્સમૅન કિશન શર્માએ દુકાનમાં મોંઘામાં મોંઘા અને સારા હીરા યુવકને બતાવ્યા હતા. જોકે એ દરમ્યાન યુવકે ૭.૩૦ કૅરૅટનો પુખરાજ જોયો હતો અને સેલ્સમૅનની નજર ચૂકવીને પુખરાજ મોઢામાં મૂકી દીધો હતો, પણ સેલ્સમૅન રાકેશે તેને આવું કરતા જોઈ લીધો હતો. એ વખતે યુવકે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ ચોર-ચોરની બૂમાબૂમ કરતાં લોકોએ યુવકને ઝડપી લઈને પોલીસના હવાલે કર્યો હતો.

મુલુંડ પોલીસ-સ્ટેશનના ચેતન બાગુલેએ જણાવ્યું કે ‘આ પુખરાજ સાડાસાત કૅરૅટનો છે અને એની કિંમત અંદાજે ૧,૨૦,૦૦૦ રૂપિયા છે. મંગળવારે બપોરે આ ઘટના સુવર્ણપ્રભા જ્વેલર્સમાં બની હતી. આરોપી યુવક હુસેન ઇનાયત અલી ખાનની અમે ધરપકડ કરી છે અને મુલુંડની એક સાર્વજનિક હૉસ્પિટલમાં તેને અમે લઈ ગયા બાદ ડૉક્ટરે ચેક તપાસ કરતાં એ પુખરાજ તેના પેટમાં જ છે એવું નક્કી થયું હતું. બે દિવસ બાદ પણ એના પર કોઈ અસર ન દેખાતાં આરોપીને ગુરુવારે જેજે હૉસ્પિટલ લઈ જવાયો હતો. આરોપી યુવકના મળમાં પુખરાજ નીકળી તો નથી જતોને એ જોવા માટે પોલીસે ખાસ ૬૭૦૦ રૂપિયા ખર્ચીને લેટ્રિન-ખુરસીની કિટ ખરીદી છે. એ ઉપરાંત દેખરેખ રાખવા માટે એક માણસ પણ રાખવો પડ્યો છે. ચોર હુસેનને ચાર ડઝન કેળાં પણ ખવડાવવામાં આવ્યાં હતાં, હજી સુધી રિઝલ્ટ નથી આવતું.’

આ પણ વાંચો : ટીનેજરની છેડતી કરવાના મામલે ડીઆઇજી સસ્પેન્ડ, ઉદ્ધવ ઠાકરેના કાફલામાંથી ડ્રાઇવરને હટાવાયો

જેજે હૉસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરોપી યુવકનું બ્લડ ટેસ્ટ કર્યું છે અને તેનો એક્સ-રે  પણ કઢાવવામાં આવ્યો હતો, પણ એક્સ-રેમાં આરોપી યુવકના પેટમાં કઈ જગ્યાએ પુખરાજ છે એની ખબર પડી નહોતી એટલે અમે સીટી સ્કૅન કરાવવા બીજી હૉસ્પિટલમાં મોકલ્યો છે. સીટી સ્કૅનનો રિપોર્ટ આવ્યા બાદ જ ઑપરેશન કરવું કે દવા આપીને પુખરાજ કાઢવો એ નક્કી થશે.’

mumbai mumbai news mulund