મારી દીકરી ચારેક દિવસથી ટેન્શનમાં હતી, ખાવા-પીવાનું પણ છોડી દીધેલું

25 November, 2014 02:57 AM IST  | 

મારી દીકરી ચારેક દિવસથી ટેન્શનમાં હતી, ખાવા-પીવાનું પણ છોડી દીધેલું






મુલુંડ (વેસ્ટ)માં શનિવારે ૧૨ માળના મહાવીર ટાવર બિલ્ડિંગમાંથી કૂદકો મારીને આત્મહત્યા કરનારી ૧૬ વર્ષની સિમરન કેણીના કેસમાં તેની આત્મહત્યા માટે તેની મમ્મીએ સાહિલ સહિત તેનાં બન્ને ફ્રેન્ડ્સને જ જવાબદાર ગણાવ્યાં હતાં તો આરોપીઓમાં એક કમલેશ વૈષ્ણવના પિતાએ પોતાના દીકરાને નિર્દોષ ગણાવ્યો હતો અને સાહિલે જ તેને ફસાવ્યો હોવાનો દાવો કર્યો હતો.

સિમરનની આત્મહત્યા પાછળનું ખરું કારણ હજી સુધી બહાર નથી આવ્યું અને સાહિલ શેખ, કમલેશ વૈષ્ણવ સહિત તેમની ગુજરાતી ટીનેજર ફ્રેન્ડની ધરપકડ બાદ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. ગઈ કાલે સિમરનનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પણ આવી ગયો હતો જેમાં મલ્ટિપલ ફ્રૅક્ચરને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોલીસ હજી ફૉરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે ત્યારે સિમરનની મમ્મીએ તેના ત્રણે ફ્રેન્ડ્સને જવાબદાર ગણાવ્યાં હતાં.

સિમરનની મમ્મી જ્યોતિએ કહ્યું હતું કે ‘સાહિલ, કમલેશ અને તેની ફ્રેન્ડને કારણે સિમરન છેલ્લા ચારેક દિવસથી બહુ ટેન્શનમાં હતી. તેણે ખાવા-પીવાનું છોડી દીધું હતું અને પૂછ્યા બાદ પણ કંઈ બોલતી નહોતી. એટલે નક્કી એ લોકોએ જ એવું તો કંઈ કહ્યું હતું જેના કારણે સિમરને આ પગલું લીધું હોવું જોઈએ. સિમરન અને સાહિલ વચ્ચે પ્રેમસંબંધ હોવાની અમને જાણ થતાં તેનાથી માંડ-માંડ અમે અમારી દીકરીનો પીછો છોડાવ્યો હતો. નાદાનીમાં તેણે સાહિલ સાથે સંબંધ જોડ્યો હતો. તેને સમજાવ્યા બાદ તેના મગજમાંથી એ નીકળી ગયું હતું, પણ સાહિલ અને તેનાં બન્ને ફ્રેન્ડ્સ સતત આવી-આવીને સિમરનને સાહિલ સાથે સંબંધ ફરી જોડવા માટે તેનું બ્રેઇન વૉશ કરતાં હતાં.’

સિમરનની મમ્મી તેની દીકરી માટે તેનાં ત્રણે ફ્રેન્ડ્સને જવાબદાર ગણાવી રહી છે તો સાહિલની સાથે ધરપકડ કરવામાં આવેલા મૂળ રાજસ્થાનના કમલેશ વૈષ્ણવના પપ્પા ગોવર્ધનભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો દીકરો ખરાબ સંગતની સજા ભોગવી રહ્યો છે. ખોટા માણસ સાથે દોસ્તી રાખવી તેને ભારે પડી રહી છે. મારી જિંદગીમાં હું કોઈ દિવસ પોલીસ-સ્ટેશનનો દાદરો ચડ્યો નથી ત્યારે સાહિલ સાથેની દોસ્તીને કારણે મારા દીકરાને જેલમાં જવું પડ્યું. તેણે જ મારા દીકરાને ફસાવ્યો છે. ભૂલ બીજાની અને સજા મારા દીકરાએ ભોગવવી પડી રહી છે, પણ મને વિશ્વાસ છે કે મારો દીકરો નિર્દોષ છે અને બહુ જલદી તે બહાર આવશે.’

‘મિડ-ડે’એ સિમરનની ધરપકડ કરવામાં આવેલી ટીનેજર ફ્રેન્ડ કે જે અત્યારે બાળસુધારગૃહમાં છે તેના પરિવાર સાથે કૉન્ટૅક્ટ કરવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પણ તેમની સાથે વાતચીત નહોતી થઈ શકી.

સિમરનની મમ્મીના સવાલ

સિમરનની મમ્મી જ્યોતિએ ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે બપોરે બારથી સાડાબાર વાગ્યાની આસપાસ તે ઘરેથી કંઈ પણ કહ્યા વગર નીકળી ગઈ હતી. ત્યાર બાદ સીધી મહાવીર ટાવરમાં ૪.૧૬ વાગ્યે CCTVમાં તે બિલ્ડિંગમાં એન્ટ્રી કરતી દેખાય છે તો બપોરના આટલા કલાક સિમરન ક્યાં હતી? તે શું સાહિલ સાથે હતી કે પછી કમલેશ સાથે હતી? આ સમય દરમ્યાન શું થયું હતું એવા ચોક્કસ સવાલો ઊભા થઈ રહ્યા છે જેનો પોલીસ તરફથી અમને કોઈ જવાબ મળ્યો નથી.’