મુલુંડના આત્મહત્યાના કેસમાં નવો વળાંક

26 November, 2014 05:46 AM IST  | 

મુલુંડના આત્મહત્યાના કેસમાં નવો વળાંક


શનિવારે મુલુંડ (વેસ્ટ)માં ૧૨ માળના બિલ્ડિંગમાંથી આત્મહત્યા કરી લેનારી ૧૬ વર્ષની સિમરન કેણીના કેસમાં ગઈ કાલે આરોપીઓની પોલીસ-કસ્ટડી પૂરી થતાં તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતાં જ્યાં તેમના વકીલે તેઓ સગીર વયના હોવાનો દાવો કરતાં કોર્ટે તેમને બાળસુધારગૃહમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો.

મુલુંડ પોલીસના જણાવ્યા મુજબ સિમરનની આત્મહત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા સાહિલ શેખ, કમલેશ વૈષ્ણવને પોલીસ-કસ્ટડી મળી હતી તો તેમની ગુજરાતી ટીનેજર ફ્રેન્ડ સગીર વયની હોવાને કારણે તેને ડોંગરીના બાળસુધારગૃહમાં મોકલી દેવામાં આવી હતી જ્યાં તેને સોમવારે મોડી રાતે જામીન પર મુક્ત કરવામાં આવી હતી તો ગઈ કાલે બીજા બે આરોપી સાહિલ અને કમલેશના વકીલોએ તેઓ બન્ને સગીર વયના હોવાના દાવો કર્યો હતો એટલે કોર્ટે તેમને બન્નેને બાળસુધારગૃહમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો.

પોલીસના કહેવા મુજબ બન્ને આરોપી સગીર વયના હોવાનો તેમના પરિવારે દાવો કર્યો છે અને તેમણે કોર્ટમાં એ પુરાવા રજૂ કરવાના રહેશે. આ દરમ્યાન તપાસમાં એવું બહાર આવ્યું હોવાનું કહેવાય છે કે શનિવારે આત્મહત્યા કરતાં પહેલાં સિમરન કમલેશ પાસે ગઈ હતી અને બન્ને વચ્ચે કોઈ વાતે ઝઘડો થયા બાદ કમલેશે તેને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. એને પગલે સિમરને તેના હાથમાં આય હેટ યુ કમલેશ એવું લખ્યું હોવાનું કહેવાય છે.