ગુજરાતીમાં બોર્ડ લગાવ્યું એમાં તે શું ખાટુંમોળું થયું?

25 May, 2023 07:54 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડના કાલિદાસ નાટ્યગૃહમાં પાલિકા દ્વારા સ્વિમિંગ-પૂલની જાહેરાતનું બોર્ડ ગુજરાતીમાં હોવાથી એનો વિરોધ કરીને પૉલિટિકલ પાર્ટીના સ્થાનિક નેતાઓએ ફાડી નાખ્યું

કાલિદાસ સંકુલમાંનું (ડાબે)ગુજરાતીમાં બોર્ડ અને શિવસૈનિકોએ ફાડી નાખ્યા પછીનું બોર્ડ.


મુંબઈ ઃ મુલુંડ-વેસ્ટમાં પી. કે. રોડ પર આવેલા મહાકવિ કાલિદાસ નાટ્યગૃહમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતીમાં લગાવવામાં આવેલા બોર્ડને લઈને મંગળવારે રાજકીય વાતાવરણ ગરમાયું હતું. મ્યુનિસિપલ કૉર્પોરેશને કાલિદાસ સંકુલના પ્રવેશદ્વાર પર સ્વિમિંગ-પૂલમાં ઉનાળાનાં તાલીમ સત્રો વિશે માહિતી આપવા માટે ગુજરાતી ભાષામાં બોર્ડ લગાવ્યું હતું. એની માહિતી સ્થાનિક ઠાકરે જૂથના શિવસૈનિકોને થતાં તેમણે બોર્ડ હટાવી દીધું હતું. 
મુલુંડ-વેસ્ટમાં કાલિદાસ સંકુલમાં મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ-પૂલ માટે બીજી મેથી ૨૨ મે દરમિયાન તાલીમ શિબિર યોજવામાં આવી હતી. ત્યાર બાદ ૨૩ મેથી ૧૨ જૂન દરમિયાન સ્વિમિંગ ટ્રેઇનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ સત્રની તમામ માહિતી આપવા માટે મહાકવિ કાલિદાસ સંકુલના ગેટ પર ગુજરાતી ભાષામાં બોર્ડ લગાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ બોર્ડ પરનું લખાણ ગુજરાતી ભાષામાં હોવાથી એ વાંધાજનક લાગતાં સ્થાનિક ઠાકરે જૂથના શિવસૈનિકોએ બોર્ડને મંગળવારે બપોરે હટાવી દીધું હતું.
મુલુંડના કાલિદાસ સ્વિમિંગ-પૂલનું મૅનેજમેન્ટ સંભા‍ળતા સમીર ખેડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સંકુલમાં સ્વિમિંગ માટે આવતા મોટા ભાગના લોકો ગુજરાતી છે. તેમને માહિતી આપવા માટે અમે ગુજરાતીમાં બોર્ડ લગાડ્યું હતું. એનો વિરોધ કરીને સ્થાનિક પૉલિટિકલ પાર્ટીના નેતાઓએ બોર્ડ ફાડી દીધું હતું.’

mulund mehul jethva mumbai news