પિયરિયાંએ ભણતાં રોકી અને સાસરિયાંએ પ્રોત્સાહિત કરી

29 May, 2023 11:02 AM IST  |  Mumbai | Rohit Parikh

સાંઈ સુતાર વાંઝા દરજી સમાજની સોનલ જેઠવાએ ૩૦ વર્ષ પછી ભણવાની ઇચ્છા વ્યક્ત કરીને પુત્ર સાથે બારમા ધોરણની પરીક્ષા આપી અને ૪૯.૫ ટકા માર્ક મેળવ્યા

સોનલ જેઠવા અને તેમનો દીકરો શશાંક

મારી બધી પારિવારિક જવાબદારીઓ પૂરી થઈ છે અને હવે મને ભણવાનું બહુ મન થાય છે. એમ થાય છે કે મારા પુત્રની સાથે હું પણ બારમા ધોરણની પરીક્ષા આપું.

મુલુંડ (વેસ્ટ)ના ગોવર્ધનનગરમાં રહેતાં સાંઈ સુતાર વાંઝા દરજી સમાજનાં ૪૪ વર્ષનાં સોનલ જેઠવાએ આ પ્રસ્તાવ તેમના ટેલરિંગનો વ્યવસાય કરી રહેલા પતિ ભરત જેઠવા પાસે મૂક્યો અને ભરતભાઈ, સોનલબહેનનાં સાસુ કાંતાબહેન અને મનુભાઈ જેઠવા તેમ જ તેમના પુત્રો સહિત પરિવારના બધા સભ્યોએ સોનલબહેનના આ પ્રસ્તાવને હરખભેર સ્વીકારી લીધો હતો. એને પરિણામે સોનલ જેઠવાએ તેમના મોટા પુત્ર શશાંક સાથે બારમાની પરીક્ષાની તૈયારી કરવાની શરૂઆત કરી દીધી. શશાંક સાયન્સમાં હતો અને સોનલ જેઠવાએ આર્ટ્સ કૅટેગરીમાં ફેબ્રુઆરી ૨૦૨૩માં પરીક્ષા આપી હતી. તેમણે ૧૯૯૩માં દસમા ધોરણની પરીક્ષા આપી હતી. દસમા ધોરણની પરીક્ષા પાસ કર્યાનાં ત્રીસ વર્ષ પછી તેમની ધગશ અને હાર્ડ વર્કથી પહેલી જ ટ્રાયલમાં ૪૯.૫ ટકા માર્ક્સ સાથે બારમા ધોરણની પરીક્ષામાં ઉત્તીણ થયાં હતાં. પરિવારમાં અને સોનલબહેનને કોઈ જ આશા નહોતી કે ફર્સ્ટ ટ્રાયલમાં સારા માર્ક સાથે ઉત્તીણ થશે. બધાને તો હતું કે તેઓ બે વિષયમાં જ પાસ થશે.

મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ૪૪ વર્ષની ઉંમરે મારી ભણવાની અધૂરી ઇચ્છા પૂરી થશે એમ જણાવીને સોનલ જેઠવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં ૩૦ વર્ષ પહેલાં ૧૯૯૩માં ડોમ્બિવલીની કે. બી. વીરા હાઈ સ્કૂલમાંથી દસમા ધોરણની પરીક્ષા આપી હતી. એમાં પાસ થયા પછી મારે આગળ ભણવું હતું, પરંતુ મારાં દાદીએ મારા પિતા દુર્લભભાઈ અને માતા ભાનુબહેને કહ્યું કે સોનલે દસમા ધોરણને પાસ કરી લીધું એટલું બસ છે, હવે તેને ઘરકામ શીખવાડો. એટલે હું આગળ ભણવાની ઇચ્છા હોવા છતાં ભણી શકી નહોતી. ત્યાર પછી સમય જતાં મારાં લગ્ન થયાં અને મારી પારિવારિક જવાબદારીમાં બિઝી થઈ ગઈ. અમારું સંયુક્ત કુટુંબ હતું. મારો મોટો દીકરો શશાંક બારમા ધોરણમાં આવ્યો ત્યારે મેં મારા પતિ પાસે મારી આગળ ભણવાની અને શશાંક સાથે બારમા ધોરણની પરીક્ષા આપવાની ઇચ્છા વ્યક્ત કરી. મારા પતિ સાથે સમગ્ર પરિવારે મારા પ્રસ્તાવને હર્ષથી વધાવી લીધો હતો.’

મારા પરિવારનો તો મને સાથ મળ્યો, પણ પછી અમારી પહેલી પરીક્ષા બારમા ધોરણમાં ઍડ્મિશન લેવા માટેથી શરૂ થઈ એમ જણાવીને સોનલબહેનના પતિ ભરત જેઠવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યાં-જ્યાં અમે ઍડ્મિશન માટે જતા હતા ત્યાં સોનલને પૂછવામાં આવતું કે તમારે કેમ આગળ ભણવું છે? શું તમે જૉબ કરો છો? ભણવાથી તમને પ્રમોશન મળશે? સોનલે બધાને જવાબ આપતી કે ભાઈ, હું કોઈ જૉબ કરતી નથી કે મારે પ્રમોશનની પણ જરૂર નથી. મારો પરિવાર ટેલરિંગ બિઝનેસમાં સેટલ છે, પણ ભણવાની બહુ જ ઇચ્છા થઈ છે અને મારે આર્ટ્સમાં ઍડ્મિશન લેવું છે. અમારી અનેક ભાગદોડ પછી સોનલને થાણેની આનંદ વિશ્વ ગુરુકુળ કૉલેજમાં ઍડ્મિશન મળી ગયું અને તેણે ભણવાની શરૂઆત કરી દીધી હતી. સોનલ ભણવા સાથે તેનું રોજિંદું ઘરનું કામ પણ કરતી હતી. તેને મેં ઘણી વાર કહ્યું કે પહેલાં તું ભણવામાં જ ધ્યાન આપ, પણ સોનલ ઘરની ફરજ પૂરી કરતી અને પછી ભણતી હતી. તેને ટ્યુશન માટે કહ્યું તો પણ ના પાડી દીધી અને શશાંક અને અન્ય સભ્યોના માર્ગદર્શનથી રાત-દિવસ તેનો અભ્યાસ કરતી હતી. તેને કોઈ આશા નહોતી કે તે બે વિષયથી વધારે વિષયમાં પાસ થશે, પરંતુ શશાંક અને તેનું રિઝલ્ટ આવ્યું ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે સોનલ ૪૯.૫ ટકા માર્ક્સ સાથે અને શશાંક ૫૮.૮૩ ટકા માર્ક્સ સાથે પાસ થયાં હતાં.’  

સોનલ જેઠવાએ તેમની સફળતાનું શ્રેય તેમના પરિવારજનો અને બંને પુત્રો શશાંક અને રામને આપતાં કહ્યું હતું કે ‘યા દેવી સર્વ ભૂતેષુ વિદ્યારૂપેણ સંસથિતા, નમઃ તસ્યે નમઃ તસ્યે નમોનમઃ. મા સરસ્વતીદેવીની કૃપા હતી અને મારા સમગ્ર પરિવાર દ્વારા મને ભણવા માટે જે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. મારી છ મહિનાની પરીક્ષાની તૈયારીમાં મારા બંને પુત્રો મને જ્યાં મુશ્કેલી પડે ત્યાં મદદ કરતા હોવાથી હું ૪૯.૫ ટકા  સાથે બારમા ધોરણમાં પાસ થઈ છું. મારા ઘરમાં જબરદસ્ત ખુશીનું વાતાવરણ સર્જાયું છે. મારા માટે આ પ્રસંગ યાદગાર બની રહેશે.’

mumbai mumbai news 12th exam result mulund rohit parikh