મુલુંડના રેલવે ફૂટઓવર બ્રિજનું સમારકામ શરૂ

27 December, 2011 07:32 AM IST  | 

મુલુંડના રેલવે ફૂટઓવર બ્રિજનું સમારકામ શરૂ



કેટલાક પ્રવાસીઓના માથા પર સિમેન્ટ શીટના બનેલા ફૂટઓવર બ્રિજના પોપડા પડતાં જખમી થવાની ઘટના બનતાં મુલુંડ રેલવે-સ્ટેશને રેલવે-પ્રવાસીઓ માટે અત્યાધુનિક અને પીપલ-ફ્રેન્ડ્લી ફૂટઓવર બ્રિજ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ નવા બની રહેલા ફૂટઓવર બ્રિજ વિશે મિડ-ડે LOCALને રેલવે-અધિકારી એસ. કે. ખોસલાએ જણાવ્યું હતું કે ‘રેલવે તેમના પ્રવાસીઓને શક્ય એટલી સુવિધાઓ પૂરી પાડવા હંમેશાં તત્પર હોય છે. તેથી જ જેવી અમને ફરિયાદ આવી કે ફૂટઓવર બ્રિજના પોપડા પડતાં બે પ્રવાસીઓ જખમી થઈ ગયા છે એટલે અમે આયર્ન શીટના નવા અત્યાધુનિક ફૂટઓવર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દીધું જેના પોપડા નહીં પડે. એ ઉપરાંત અમને સિનિયર સિટિઝનો દ્વારા રેલિંગ બદલી કરવાનાં સૂચનો મળ્યાં હતાં એને પણ અમે અમારા આ કામમાં આવરી લેતાં લોખંડની જૂની રેલિંગની જગ્યાએ સ્ટીલની રેલિંગ બેસાડવાના છીએ જેથી ઉંમરવાળી વ્યક્તિઓને હાથમાં ઈજાઓ થવાની કે રેલિંગ પકડીને ઊતરવાની સમસ્યા હતી એ દૂર થઈ જશે.’

રેલવે પ્રવાસીઓને સુવિધા આપવાના ધ્યેય સાથે આ ફૂટઓવર બ્રિજનું કામ કરી રહી છે એને લીધે પણ કેટલીક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ખાસ કરીને પીક-અવર્સમાં આ એક નંબરનો બ્રિજ જેના પર કામ ચાલી રહ્યું છે, એના પર ખૂબ ગિરદી જમા થાય  છે. એના વિશે એસ. કે. ખોસલાએ કહ્યું હતું કે ‘અમે જે કંઈ કરી રહ્યા છીએ એ પ્રવાસીઓ માટે જ કરી રહ્યા છીએ તો અમારી એટલી જ વિનંતી છે કે તેઓ જ્યાં સુધી અમારું કામ ચાલે છે ત્યાં સુધી થોડું ઍડ્જસ્ટ કરી લે. અમે પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ કે વહેલાસર અમારું નવો ફૂટઓવર બ્રિજ બનાવવાનું કામ પૂરું કરી દઈએ.’