મુલુંડમાં ફટાકડાના અનેક ગેરકાયદે સ્ટૉલ્સથી રહેવાસીઓના જીવ તાળવે

12 November, 2012 05:14 AM IST  | 

મુલુંડમાં ફટાકડાના અનેક ગેરકાયદે સ્ટૉલ્સથી રહેવાસીઓના જીવ તાળવે


અંકિતા સરીપડિયા


મુલુંડ, તા. ૧૨

દિવાળી આવી ગઈ છે એવા સમયે મુલુંડ (વેસ્ટ)ના ભીડભાડવાળા જે. એન. રોડ, એમ. જી. રોડ, એસ. એલ. રોડ, પાંચ રસ્તા જંક્શન જેવા અનેક રસ્તાઓ પર ગેરકાયદે અને સુધરાઈની પરવાનગી વગર ફટાકડા વેચનારા ફેરિયાઓનું પ્રમાણ વધી ગયું છે. એમાંથી અડધાથી વધારે લોકો પાસે ફાયર એક્ક્સ્ટિન્ગ્વિશર પણ નથી. આ સમયે રસ્તા પર ચાલતા લોકો પોતાને અસુરક્ષિત માને છે. આ બાબતે સુધરાઈ, ફાયર ડિપાર્ટમેન્ટ તેમ જ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે પાંચ ટકા જેટલી જ ઍપ્લિકેશન આવી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પચીસ જણને જ ફટાકડા વેચવાનાં લાઇસન્સ આપવામાં આવ્યાં છે.

દરેક રોડ પર ફટાકડા વેચવા બેસી ગયેલા ફેરિયાઓને પરવાનગી આપવામાં આવી છે કે નહીં તેમ જ ગેરકાયદે બેસતા ફેરિયાઓ સામે પગલાં લેવામાં આવ્યાં છે કે નહીં એ પૂછતાં વ્ વૉર્ડનાં અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ચંદા જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું આ વૉર્ડમાં હજી નવી જ આવી હોવાથી મને એના વિશે વધુ જાણકારી નથી, પરંતુ વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરીશ જેથી મુલુંડવાસીઓને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાનો ભોગ બનવું ન પડે.’

પોલીસ શું કહે છે?

ફટાકડા વેચનારાઓને લાઇસન્સ આપવા વિશે પૂછતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ નારાયણ મદનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજ સુધીમાં પાંચ જણને ફટાકડા વેચવાનાં લાઇસન્સ આપવામાં આવ્યાં છે અને જે લોકોએ ફટાકડાના ગેરકાયદે સ્ટૉલ ઊભા કર્યા છે તેમની સામે અમે કડક પગલાં લઈ રહ્યા છીએ. એમ. જી. રોડ પર ગેરકાયદે ફટાકડા વેચતા ચાર ફેરિયાઓની શુક્રવારે અને ત્રણ જણની ગુરુવારે એમ ફક્ત બે જ દિવસમાં સાત જણની ધરપકડ કરવામાં આવી હતી. આમ અમે વધુ કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. મુલુંડમાં શાંતિપૂર્વક દિવાળી ઊજવાઈ શકે એ માટે અમે ગેરકાયદે ફટાકડા વેચતા ફેરિયાઓને જરૂર હટાવીશું.’

ફાયર ડિપાર્ટમેન્ટનું શું કહેવું છે?

મુલુંડ (વેસ્ટ)ના ફાયર-ઑફિસર ડી. એમ. પાટીલે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં ત્રણથી ચાર ફેરિયાવાળાઓએ ફટાકડા વેચવા માટેની ઍપ્લિકેશન આપી છે. એ સિવાય પણ મુલુંડના બધા રસ્તાઓ પર ગેરકાયદે ફટાકડા વેચનારાઓનું પ્રમાણ વધી ગયું હોવાથી અમે સાવધાન છીએ.’

નગરસેવક અજાણ

જે. એન. રોડ પર ફટાકડા વેચનારાઓની સંખ્યામાં થતા વધારા અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા એ બાબતે કરવામાં આવતી ફરિયાદો વિશે નગરસેવક પ્રકાશ ગંગાધરે સાથે વાત કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે. એન. રોડ અને બીજા રસ્તાઓ માટે સુધરાઈએ ફેરિયાઓ બાબતે હજી સુધી કોઈ પૉલિસી નક્કી કરી નથી એટલે મેં સુધરાઈને ફેરિયાઓ માટે જલદી જ પૉલિસી બનાવવામાં આવે એવી રિક્વેસ્ટ કરી છે. પ્રશાસનને ફેરિયાઓ માટે નિર્ણય લેવા પણ કહ્યું છે. લોકો માર્કેટમાં સામાન લેવા જવા તૈયાર નથી અને તેઓ ફૂટપાથ પરથી વસ્તુઓ ખરીદતા હોય છે. ઉપરાંત તેઓ બીજી વસ્તુઓની જેમ ફટાકડા પણ ફૂટપાથ પરથી જ ખરીદે છે ત્યારે દિવાળીના સમયમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના થશે તો પ્રશાસન જ જવાબદાર રહેશે.’

રહેવાસીઓની ફરિયાદ

જે. એન. રોડ વિસ્તારમાં રહેતા યોગેશ ઠક્કરે પોતાનો અનુભવ જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચારે બાજુ ફટાકડા હોય એવા વિસ્તારમાં અમે જરાય સુરક્ષિત નથી. અહીંના બધા જ રહેવાસીઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. અહીં સ્ટૉલ પર ઊભા રહેતા લોકોથી ચેઇન-સ્નૅચિંગના બનાવો પણ વધી રહ્યા છે એને લીધે લોકોનો ડર વધતો જાય છે. ફાયર-સેફ્ટીનાં કોઈ સાધનો તેમની પાસે ન હોવાથી રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ અસુરક્ષિત છે એટલે લોકો વધુ ઉશ્કેરાઈ ગયા છે અને પોતાની સુરક્ષિતતા માટે ફેરિયાઓને હટાવવાની માગણી કરી રહ્યા છે.’

ઘાટકોપરમાં દુકાનદારોના આડેધડ સ્ટૉલ્સ માથાનો દુખાવો


મુંબઈમાં તહેવારો આવતાં જ બૃહદ્ મુંબઈ અને ઉપનગરોના રસ્તાઓ પરના દુકાનદારો તેમની દુકાનોને રસ્તા સુધી ખેંચી લેતા હોવાને કારણે ટ્રાફિક જૅમ થવાથી લઈને રાહદારીઓને ચાલવા સુધીની સમસ્યાઓ થતી હોવા છતાં સુધરાઈ રેવન્યુ રળવા માટે દુકાનદારોને આડેધડ રસ્તા પર સ્ટૉલ બાંધવાની અને દુકાનોની બહાર મંડપ બાંધવાની પરવાનગી આપે છે.

દુકાનદારો દાવો કરે છે કે અમે સુધરાઈની પરવાનગી લઈને જ મંડપ બાંધ્યા છે. ઘાટકોપરના દુકાનદારો પાસે ફૅક્સ કે ઈ-મેઇલ દ્વારા સુધરાઈના જાળવણી વિભાગની પરવાનગીની કૉપી મગાવવામાં આવી ત્યારે ચારમાંથી એક જ દુકાનદારે તેની પાસેની પરવાનગીની કૉપી ઈ-મેઇલ કરી હતી.

સામાન્ય રીતે તહેવારોમાં દુકાનો રાહદારીઓને કે અન્ય કોઈને નડતરરૂપ ન થાય એવી રીતે વધારવા માટે સુધરાઈ સ્ક્વેરમીટર પ્રમાણે ભાડું લઈને પરવાનગી આપે છે. આમ છતાં તેઓ સુધરાઈના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરીને એક પણ રૂપિયો ભાડું આપ્યા વગર જ તેમની દુકાનને તહેવારોને દિવસોમાં વધારી દેતા હોય છે. સુધરાઈ કહે છે કે આ ખોટું થઈ રહ્યું છે, આમ છતાં એણે ક્યાંય પગલાં લીધાં હોય એવું જોવા મળ્યું નથી.

ફ્ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર વિજય કાંબળેએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરમાં ૧૦૦ ટકા દુકાનદારોએ સુધરાઈની પરવાનગી વગર જ દુકાનોની બહાર પોતાની મરજીથી મંડપ બાંધીને દુકાનોને વધારી દીધી છે જે સુધરાઈના કાયદાની વિરુદ્ધ છે. આ દુકાનદારો સામે અમે ચોક્કસ કાયદાકીય કાર્યવાહી કરીશું.’

જે. એન. રોડ = જવાહરલાલ નેહરુ રોડ, એમ. જી. રોડ = મહાત્મા ગાંધી રોડ, એસ. એલ. રોડ = સેવારામ લાલવાણી રોડ