મુલુંડના મોટા ભાગના ફાયર-હાઇડ્રન્ટ્સ નકામા

26 September, 2012 08:31 AM IST  | 

મુલુંડના મોટા ભાગના ફાયર-હાઇડ્રન્ટ્સ નકામા



ફાયર કન્ટ્રોલરૂમના ડેટા મુજબ આખા મુંબઈમાં લગભગ ૧૦,૮૪૦ ફાયર-હાઇડ્રન્ટ્સ છે, પણ એમાંથી કેટલા નકામા છે એ શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મિડ-ડે LOCALએ મુલુંડ વિસ્તારમાં કરેલા સર્વે મુજબ ૭૦થી ૮૦ ટકા ફાયર-હાઇડ્રન્ટ્સ નકામા હોવાનું જણાયું છે અને ઘણા તો રસ્તાના સમારકામમાં જમીનમાં દબાઈ ગયા છે. આ વિશે વધુ જાણકારી આપતાં મુલુંડ-વેસ્ટના ફાયર-સ્ટેશનના એક ઑફિસરે પોતાનું નામ ન જણાવવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મુલુંડ-વેસ્ટમાં ટોટલ ૩૬૨ ફાયર-હાઇડ્રન્ટ્સ છે. એમાંથી ૪૬ કામ કરે છે અને બાકીના ૩૧૬ ડૅમેજ્ડ છે. દર ત્રણ મહિને આ હાઇડ્રન્ટ્સ ચેક કરવામાં આવે છે અને ફાઇનલ રિપોર્ટ T વૉર્ડમાં, વૉટર-ડિપાર્ટમેન્ટમાં અને ભાયખલાના ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે. મુલુંડ ઈસ્ટના વિસ્તારમાં ૧૮૫ ફાયર-હાઇડ્રન્ટ્સ છે જેમાંથી ૧૬ કામ કરે છે અને ૧૬૯ ડૅમેજ્ડ છે. ડૅમેજ થવાનું કારણ એ છે કે અમુક ચોરી થઈ જાય છે, થોડાઘણા રોડ નીચે દબાઈ જાય છે અને ઘણા તો પબ્લિક ચોરી નાખે છે.’

મુલુંડના ફાયર-હાઇડ્રન્ટ્સની ખરાબ હાલત વિશે એમએલએ સરદાર તારા સિંહને પૂછતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મુલુંડમાં ફક્ત ૨૦થી ૩૦ ટકા જેટલા જ ફાયર-હાઇડ્રન્ટ્સ કામ કરે છે એ ખૂબ જ ખરાબ વાત કહેવાય. આગ જેવી અચાનક બનતી ઘટનાઓ માટેનાં સાવચેતીનાં સાધનો પર સુધરાઈએ પહેલાં ધ્યાન આપવું જોઈએ. પોલીસ અને સુધરાઈએ ફાયર-હાઇડ્રન્ટ્સની તપાસ કરવી જોઈએ. નાજુક સમયમાં કામ આવતી વસ્તુઓ પર સુધરાઈ ધ્યાન આપે એવું મારું સુધરાઈને નિવેદન છે.’

એમએલએ = મેમ્બર ઑફ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી