અસલી ડૉક્ટર જેવાં જ નામ-સરનેમવાળો નકલી ડૉક્ટર બન્યો ને ૩૫-૪૦ ડેથ સર્ટિફિકેટ ઇશ્યુ કર્યાં

01 June, 2023 08:15 AM IST  |  Mumbai | Mehul Jethva

મુલુંડની બીએમસી સંચાલિત અગ્રવાલ હૉસ્પિટલમાં ઑર એક સ્કૅમ ઃ લગભગ દોઢ વર્ષ સુધી ડૉક્ટર તરીકે કામ કરનાર બોગસની આખરે અરેસ્ટ કરાઈ

આરોપી ચંદ્રશેખર ભુલારામ યાદવને ગઈ કાલે મુલુંડ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો

મુલુંડમાં પાલિકા સંચાલિત એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલમાં આઇસીયુ વૉર્ડના ૧૦ બેડ માટે પાલિકા દ્વારા આઉટસોર્સિંગ કરીને ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી હતી. એ માટે ડૉક્ટર ઉપલબ્ધ કરવાનો કૉન્ટ્રૅક્ટ એક સંસ્થાને આપવામાં આવ્યો હતો. એ સંસ્થા સામે બોગસ ડૉક્ટર ઉપલબ્ધ કરાવવાનો આરોપ મૂકીને સંસ્થાના પદાધિકારીઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. એની સામે મુલુંડ પોલીસે તપાસ કરીને ગઈ કાલે એક બોગસ ડૉક્ટરની ધરપકડ કરી છે, જેણે ૩૫થી ૪૦ લોકોનાં ડેથ-સર્ટિફિકેટ પણ બનાવ્યાં હોવાનું સામે આવ્યું છે.

મુલુંડ-વેસ્ટના કૉલોની વિસ્તારમાં રહેતા ગોલ્ડી શર્માના ભાઈનું મૃત્યુ મુલુંડ પાલિકા સંચાલિત એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલમાં થયું હતું. પ્રાથમિક માહિતીમાં તેને હાર્ટ-અટૅક આવ્યો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનો રિપોર્ટ તેને આપવામાં આવ્યો હતો. જોકે તેના મૃત્યુ પાછળ કંઈક શંકાજનક લાગતાં ગોલ્ડીએ આઇસીયુમાં ઇલાજ કરતા ડૉક્ટરો વિશેની વધુ માહિતી મેળવવા કેટલીક આરટીઆઇ કરી હતી. દરમ્યાન અહીં ઇલાજ કરતા ડૉક્ટરો બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ બોગસ ડૉક્ટરો દ્વારા આઇસીયુ વૉર્ડમાં ૧૪૯ દરદીઓનાં ડેથ-સર્ટિફિકેટ બનાવવામાં આવ્યાં હતાં. આ તમામનાં મૃત્યુ આ બોગસ ડૉક્ટરોને કારણે થયાં હોવાનો આરોપ મૂકીને તેણે ૧૧ મેએ મુલુંડ કોર્ટના આદેશ બાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં જીવન જ્યોત ચૅરિટેબલ ટ્રસ્ટના પદાધિકારીઓ સામે હત્યા સહિતની બીજી કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. એના આધારે પોલીસે તપાસ કરીને એમ. ટી. અગ્રવાલ હૉસ્પિટલમાં ડેથ-સર્ટિફિકેટ ઇશ્યુ કરનાર ડૉ. ચંદ્રશેખર રામદુર યાદવ વિશેની માહિતીઓ કાઢી હતી. એ સાથે ડૉ. ચંદ્રશેખર રામદુર યાદવને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યારે ચંદ્રશેખર ભુલારામ યાદવ નામનો યુવક પોલીસ સામે આવ્યો હતો. તેની વધુ તપાસ કરતાં તે બોગસ રીતે ડૉ. ચંદ્રશેખર રામદુર યાદવની ડિગ્રી પર કામ કરતો હોવાનું તેણે કબૂલ્યું હતું. એટલું જ નહીં, તેણે આશરે ૩૫થી ૪૦ ડેથ-સર્ટિફિકેટ પણ ઇશ્યુ કર્યાં હોવાનું કબૂલ કર્યું હતું. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જે ડૉક્ટરના નામે આરોપી કામ કરતો હતો તેની અંધેરીમાં મોટી હૉસ્પિટલ છે અને સારું નામ ધરાવે છે.

મુલુંડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી ચંદ્રશેખર ભુલારામ યાદવ પાસે ચાઇનાની એમબીબીએસની ડિગ્રી હોવાની માહિતી તેણે અમને આપી હતી. જોકે મુંબઈની હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ કરવા માટે મુંબઈની એમબીબીએસની ડિગ્રી જોઈતી હોય છે. તેણે દેખાડેલી ડિગ્રી પણ બોગસ હોવાની શંકા અમને છે. આરોપીએ હૉસ્પિટલમાં જે લોકોના ઇલાજ કર્યા છે અને જે લોકોનાં ડેથ-સર્ટિફિકેટ ઇશ્યુ કર્યાં છે એની માહિતી અમે કાઢીશું. એ સાથે જે લોકોનાં મૃત્યુ થયાં તેઓ કઈ બીમારીને કારણે મરણ પામ્યા અને તેમના પર શું ઇલાજ આ બોગસ ડૉક્ટરે કર્યો હતો એની પણ વિગતવાર માહિતી અમે હૉસ્પિટલ પાસેથી કઢાવી રહ્યા છીએ.’

મુલુંડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) ભૂષણ ડાયમાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં બીજા ડૉક્ટરના નામે કામ કર્યું હોવાની કબૂલાત કરી છે. જે મૂળ ડૉક્ટર છે તેને આ કેસ વિશેની માહિતી હતી કે નહીં એની અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપી ડૉક્ટરે અત્યાર સુધીમાં ૩૫થી ૪૦ લોકોનાં ડેથ-સર્ટિફિકેટ ઇશ્યુ કર્યાં છે જેની અમે તપાસ કરીશું. હાલમાં ડૉક્ટરને ગઈ કાલે મુલુંડ કોર્ટમાં હાજર કરતાં પાંચમી જૂન સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

ગોલ્ડી શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ડૉક્ટર હૉસ્પિટલમાં આવ્યો ત્યારે તેનું વર્તન કંઈક અલગ લાગતું હોવાની માહિતી ત્યાંના સ્થાનિક ડૉક્ટરોને મળી હતી. ત્યાર બાદ હું તપાસ કરતો હોવાથી એ માહિતી મને પણ મળી હતી જેની જાણ મેં પાલિકા સાથે સ્થાનિક પોલીસને કરી હતી. જોકે એ સમયે તેના પર કોઈ તપાસ કરવામાં આવી નહોતી. જો એ વખતે તપાસ કરવામાં આવી હોત તો કેટલાક લોકોના જીવ બચી શક્યા હોત.’

અસલી ડૉક્ટરનું નામ - ડૉ. ચંદ્રશેખર રામદુર યાદવ

નકલી ડૉક્ટરનું નામ - ચંદ્રશેખર ભુલારામ યાદવ

mumbai mumbai news brihanmumbai municipal corporation mulund mehul jethva