મુલુંડ-ઐરોલીનો રસ્તો રડાવે છે

01 May, 2012 08:12 AM IST  | 

મુલુંડ-ઐરોલીનો રસ્તો રડાવે છે

વિપુલ વૈદ્ય

મુલુંડ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી ઐરોલી ટોલનાકા તરફ જનારા મોટરિસ્ટો અને બાઇકસવારોને માત્ર ભયંકર ટ્રાફિક જૅમનો જ નહીં, આંખમાં પાણી લાવી દેનારી ધૂળની ડમરીઓનો પણ સામનો કરવો પડે છે. આ આખો રસ્તો અત્યંત ખરાબ થઈ ગયો છે. આ રસ્તા પરથી વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળે છે. અધૂરામાં પૂરું, ઉનાળાના દિવસોમાં તો રોડની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.

મુલુંડની આઇ હૉસ્પિટલોમાં સારવાર આપતા ડૉક્ટરો પણ કબૂલ કરે છે કે છેલ્લા થોડા સમયથી રોડ પરથી અવરજવર કરનારા મોટરિસ્ટો, બાઇકસવારો અને રિક્ષામાં મુસાફરી કરનારાઓ આંખની વિવિધ તકલીફોને લઈને હૉસ્પિટલમાં આવતા હોવાની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. આવી તકલીફો માટે ધૂળની ડમરીઓ જવાબદાર હોવાનું ડૉક્ટરોનું માનવું છે.

રસ્તાની આવી હાલતને કારણે વાહનચાલકોની હાલત પણ અત્યંત ખરાબ છે. વિક્રોલીની ગોદરેજ હૉસ્પિટલમાં કામ કરતા વી. રમેશે કહ્યું હતું કે ‘જો હું ચશ્માં કે હેલ્મેટ ન પહેરું તો મારા માટે મોટરસાઇકલ ચલાવવાનું મુશ્કેલ બની જાય છે. એવું લાગે છે કે જાણે ધૂળની આંધીમાંથી વાહન ચલાવી રહ્યા હોઈએ. આંખમાં ખૂબ જ બળતરા થવા માંડે છે. ઉનાળામાં તો હાલત વધુ ખરાબ થઈ ગઈ છે.’

એક બાઇકસવારે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘એક વાહન પસાર થાય ત્યારે પાછળ આવી રહેલા વાહનને ધૂળની ડમરીમાંથી માર્ગ કાઢવાનું અત્યંત મુશ્કેલ બની જાય છે. એમાંય તમે કારમાં બેઠા હો તો તમારા શ્વસનતંત્રને થોડું ઓછું નુકસાન થશે, પરંતુ તમે બાઇક પર અવરજવર કરતા હો તો તમારાં ફેફસાંનું રક્ષણ માત્ર અને માત્ર ભગવાનના ભરોસે જ છે. શ્વસનતંત્રને લગતી અનેક બીમારીઓ આ રોડ પર છેલ્લા છ મહિનાથી અવરજવર કરતા લોકોને થઈ ચૂકી છે.’

હાલાકી માત્ર બાઇકસવારો, મોટરિસ્ટો અને રિક્ષામાં પ્રવાસ કરનારાને જ નથી, બસ જેવા જાહેર પરિવહનના માધ્યમમાં પ્રવાસ કરતા લોકોને પણ આ તકલીફોનો સામનો કરવો પડે છે. ઐરોલીથી રોજ મુલુંડની મુસાફરી કરતા મોહિતકુમારે કહ્યું હતું કે ‘રોડ એટલો ખરાબ થઈ ગયો છે કે ધૂળ અમારી આંખો અને શ્વાસમાં પણ જાય છે. છેલ્લા ઘણા મહિનાથી રસ્તાની આવી જ હાલત હોવા છતાં હજી સુધરાઈ રસ્તાની હાલત પ્રત્યે કોઈ ધ્યાન આપતી નથી.’

બીજી તરફ ઐરોલી ઑક્ટ્રૉય કલેક્શન સેન્ટરના સુપરિન્ટેન્ડન્ટ ઉત્તમરાવ યાદવે કહ્યું હતું કે ‘રસ્તાની હાલત બાબતે સુધરાઈને અને ઑક્ટ્રૉય ડિપાર્ટમેન્ટને અનેક પત્રો લખવામાં આવ્યા છે, પણ હજી સુધી સુધરાઈએ જવાબ આપ્યો નથી. રસ્તાની હાલત અત્યારે એવી છે કે એક સફેદ રૂમાલ મોં પર બાંધ્યો હોય તો થોડા જ કલાકોમાં એ બ્રાઉન રંગનો થઈ જાય. અધૂરામાં પૂરું, લો વિઝિબિલિટી અને રસ્તાની ખરાબ હાલતને કારણે આ રસ્તો અકસ્માત માટે અતિ જાણીતો બની ગયો છે. આમ છતાં કોઈ પણ સત્તાવાળાને અમારી ફરિયાદ પર ધ્યાન આપવાનો સમય મળતો નથી.’

આટલી સમસ્યા ઓછી હોય એમ આ રોડ પર ફરજ બજાવતા પોલીસના જવાનોની હાલત સૌથી ખરાબ છે. મોટરિસ્ટો કાચના દરવાજા બંધ કરીને કે બાઇકસવારો હેલ્મેટ પહેરીને બચી શકે છે, પરંતુ ટ્રાફિક-પોલીસના જવાનોની સ્થિતિ અત્યંત કફોડી છે. તેમણે રસ્તાની વચ્ચોવચ ઊભા રહીને ધૂળની ડમરીનો સામનો કરવો પડે છે. આ જવાનોને માસ્ક કેમ આપવામાં આવતા નથી એવો પ્રશ્ન થઈ રહ્યો છે.

રસ્તાની ખરાબ હાલત ક્યારે સુધરશે એવો પ્રશ્ન કરવામાં આવતાં સુધરાઈના અધિકારીઓને છેલ્લા કેટલાય મહિનાથી આ રસ્તાની હાલત આટલી ખરાબ હોવાની જાણ જ ન હોવાનું જાણવા મળ્યું હતું. નામ ન આપવાની શરતે એક અધિકારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે રસ્તાની હાલતનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યાર બાદ તેનું સમારકામ કરવામાં આવશે.