મુલુંડ-ઐરોલી બ્રિજ રોડ બન્યો ડમ્પિંગ ગ્રાઉન્ડ

04 December, 2013 06:54 AM IST  | 

મુલુંડ-ઐરોલી બ્રિજ રોડ બન્યો ડમ્પિંગ ગ્રાઉન્ડ



રણજિત જાધવ

મુલુંડ-ઐરોલી બ્રિજથી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફ ટ્રાવેલ કરતી વખતે ટોલ પ્લાઝા ક્રૉસ કર્યા પછીના રસ્તાની બાજુમાં પેવર બ્લૉક્સ, કચરો અને કન્સ્ટ્રક્શનના મટીરિયલના ઢગલા જોવા મળશે. આ રોડ પર ગેરકાયદે પેવર બ્લૉક્સ, કચરો અને કન્સ્ટ્રક્શનનું મટીરિયલ ડમ્પ કરવામાં આવતું હોવાથી ગેરકાયદે કચરો ડમ્પ કરવાનું આ નવું યાર્ડ બની ગયું છે. ઐરોલી બ્રિજના પ્રોજેક્ટ સહિત આવા મુખ્ય રોડ MSRDC (મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)ની હકૂમતમાં આવે છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય અને રોડ મેઇન્ટેઇન રહે એનું ધ્યાન રાખવાની MSRDCની ફરજ છે, પરંતુ આ બાબતે એ અજાણ છે.

મુંબઈથી નવી મુંબઈ ડાયરેક્ટ પહોંચી શકાય એ માટે મુલુંડ-ઐરોલી બ્રિજ રોડનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ રોડને કારણે ટ્રાફિકમાં રાહત રહે છે. આ ઉપરાંત સમય અને પેટ્રોલની પણ બચત થાય છે. આ બધું જ્યાં ડમ્પ કરવામાં આવે છે એ સ્થળથી ૫૦ મીટર દૂર મૅન્ગ્રોવ્ઝ આવેલાં છે. આવી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવામાં ન આવતું હોવાને કારણે આવાં મુખ્ય મૅન્ગ્રોવ્ઝની નજીક કચરાનું પ્રમાણ ધીરે-ધીરે વધતું જાય છે.

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક ટી-સ્ટૉલ ધરાવતી એક વ્યક્તિએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હાઇવે તરફના વિસ્તારમાં કોઈ રેસિડેન્શિયલ વિસ્તાર ન આવેલા હોવાથી આવા રસ્તા પર કચરો ડમ્પ કરવો ખૂબ જ સરળ છે. અહીં મોટા ભાગે રાતના સમયે ટ્રકમાં કચરો અથવા પેવર બ્લૉક્સ લાવીને ડમ્પ કરવામાં આવે છે.’

અધિકારીઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે આ પ્રવૃત્તિઓ વિશે તેમને કોઈ જાણ જ નથી. મૅન્ગ્રોવ્ઝ સેલના ચીફ કન્ઝર્વેટર એન. વાસુદેવને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મને આ વાતની જાણ નથી. હું આ સંબંધી અમારા સેલના અધિકારીઓને સ્થળની મુલાકાત લેવા અને તપાસ કરવા કહીશ.’

MSRDC સાથે વાત કરતાં એણે આ બાબતે કંઈ પણ જવાબ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.