05 October, 2025 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુલુંડ પોલીસે જપ્ત કરેલી મર્સિડીઝ કાર
મુલુંડના રસ્તા પર બેફામ કાર ચલાવીને રાહદારીઓના જીવ જોખમમાં મૂકવા બદલ મુલુંડ પોલીસે ૧૬ વર્ષના ટીનેજર અને તેની ૪૫ વર્ષની મમ્મી સામે બે જુદી-જુદી ફરિયાદ નોંધીને તેમની મર્સિડીઝ કાર જપ્ત કરી હતી. મુલુંડ-વેસ્ટના કૉલોની વિસ્તારમાં સાંઈધામ નજીકના એક બંગલામાં રહેતો ૧૬ વર્ષનો ટીનેજર ૨૭ સપ્ટેમ્બર રાત્રે બે વાગ્યાની આસપાસ તેના પપ્પાની મર્સિડીઝ કાર લઈને નીકળ્યો હતો. મુલુંડના એલ.બી.એસ.રોડ, એમ. જી. રોડ અને એન. એસ. રોડ પર આ મર્સિડીઝ બેફામ દોડતી જોવા મળી ત્યારે પોલીસ દ્વારા એને રોકવાની કોશિશ કરવામાં આવી હતી. પોલીસને ન ગણકારીને ટીનેજરે ફાસ્ટ ડ્રાઇવિંગ ચાલુ રાખ્યું હતું અને પોલીસને પણ દોઢથી બે કિલોમીટર સુધી પાછળ દોડાવી હતી. અંતે ટીનેજરને માંડ-માંડ અટકાવવામાં આવ્યો હતો. ત્યાં જ પોલીસે તેને પકડી લીધો હતો અને મર્સિડીઝ જપ્ત કરી હતી.
શું કહે છે પોલીસ?
૨૭ સપ્ટેમ્બરે રાત્રે નવરાત્રિ સમયે એક યુવાન બેફામ કાર દોડાવતો જોવા મળ્યો હતો એમ જણાવીને મુલુંડ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર અશોક શેલારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાર ડ્રાઇવ કરી રહેલા યુવાનને તાબામાં લઈ પૂછપરછ કરતાં તેણે પોતાની ઉંમર ૧૮ વર્ષ હોવાનો દાવો કર્યો હતો. જોકે તેના દસ્તાવેજોની માગણી કરતાં તેની ઉંમર ૧૬ વર્ષની હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ અમે તેની મેડિકલ ટેસ્ટ કરીને તેની સામે અને તેની મમ્મી સામે બે જુદી-જુદી ફરિયાદ નોંધી છે. આ મામલે કાર પણ જપ્ત કરી લીધી છે.’
ટીનેજરની મમ્મી સામે પણ ફરિયાદ
પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક શેલારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટીનેજરના પિતા મોટા બિઝનેસમૅન છે. આ ઘટના સમયે તેઓ દિલ્હીમાં હતા. ટીનેજરે તેના પિતાની કારની ચાવી તેની મમ્મી પાસેથી મેળવી હતી. નવા કાયદા પ્રમાણે જો બાળકની ઉંમર ૧૮ વર્ષની અંદર છે અને તેને વાહન ચલાવવા આપવામાં આવે છે તો એ માટે તેના વાલી પણ જવાબદાર ગણાય છે. એ પ્રમાણે ટીનેજરની મમ્મી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમને નોટિસ આપીને છોડી મૂકવામાં આવ્યાં છે.’