અમદાવાદની મા-દીકરીએ કરેલી કાંદિવલીના શૅરબ્રોકરની હત્યા

22 December, 2012 08:50 AM IST  | 

અમદાવાદની મા-દીકરીએ કરેલી કાંદિવલીના શૅરબ્રોકરની હત્યા





(બકુલેશ ત્રિવેદી)


મુંબઈ, તા. ૨૨

કાંદિવલી (વેસ્ટ)ની શંકર ગલીમાં રહેતા ૫૮ વર્ષના શૅરબ્રોકર મુક્તિકુમાર શાહની ડેડબૉડી ગુજરાતના આણંદ નજીકના વાસણા ગામ પાસે બુધવારે ૧૨ ડિસેમ્બરે મળી હતી. આ કેસમાં કોઈ પણ પ્રથમદર્શી પુરાવા ન હોવા છતાં બોરસદ પોલીસે તપાસ કરીને એક જ અઠવાડિયામાં આ કેસમાં તેમની હત્યા કરનારી અમદાવાદની ૪૮ વર્ષની અમિતા ભટ્ટ અને તેની યુવાન દીકરી ધ્વનિની બુધવારે ધરપકડ કરી હતી. માતા-દીકરી બન્ને સાથે અનૈતિક સંબંધ ધરાવતા મુક્તિકુમારે મુંબઈ નજીકની તેમની એક પ્રૉપર્ટીના પાવર ઑફ ઍટર્ની મા-દીકરીના નામે બનાવ્યા હતા. આ પ્રૉપર્ટીના મુદ્દે જ તેમની હત્યા કરવામાં આવી હતી. અમદાવાદ-મુંબઈ હાઇવે પરના ટોલનાકાના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ, કારમાં મળી આવેલો દુપટ્ટો અને મુક્તિકુમારના ફોન-રેકૉડ્ર્‍સ પરથી બોરસદ પોલીસે આરોપીઓ સુધી પહોંચીને પ્રશંસનીય કામગીરી બજાવી હતી.   

જડબેસલાક પ્લાન બનાવીને મા-દીકરીએ મુક્તિકુમારની કરપીણ હત્યા કરી હતી એની માહિતી આપતાં બોરસદ પોલીસ-સ્ટેશનના આ કેસના તપાસઅધિકારી પોલીસ-ઇન્સ્પેક્ટર આર. ડી. ડાભીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પહેલેથી જ શક હતો કે આ મર્ડરમાં કોઈક જાણીતી વ્યક્તિ જ સંકળાયેલી હશે. કારમાંથી એક દુપટ્ટો મળતાં આ કેસમાં કોઈક મહિલા સંડોવાયેલી હશે એવી અમને શંકા હતી. એ પછી અમે હાઇવે પર આવેલા ટોલનાકા પર લગાડવામાં આવેલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયાં હતાં. એ ફુટેજ બહુ ઝાંખાં હતાં, પણ એમાં અમને એટલું જાણવા મળ્યું હતું કે મુક્તિકુમાર ડ્રાઇવ કરતા નહોતા. એક મહિલા ડ્રાઇવિંગ સીટ પર હોવાનું અમને દેખાયું હતું, પણ એ કોણ હતું એ સ્પષ્ટ નહોતું થતું. મુક્તિકુમાર મુંબઈમાં રહેતા હતા. બીજું એ કે અમદાવાદમાં કેસની તપાસ કરવાની હતી અને અમે બોરસદના હતા એને કારણે અમદાવાદમાં અમારુ એટલું નેટવર્ક નહોતું. જોકે એમ છતાં ફોન-રેકૉડ્ર્‍સ અને ઇન્ફૉર્મરને કામે લગાડીને કરેલી તપાસને અંતે જાણવા મળ્યું હતું કે કાંકરિયામાં રહેતી અમિતા ભટ્ટ અને તેની દીકરી ધ્વનિના ઘરે મુક્તિકુમાર અવારનવાર આવીને રહેતા હતા. એ માહિતીના આધારે અમે ધ્વનિને પોલીસ-સ્ટેશને બોલાવી હતી. તેની સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી. તેણે અને તેની મમ્મીએ સાથે મળીને મુક્તિકુમારની હત્યા કરી હતી એવું તેણે કબૂલી લીધું. અમે બન્નેની ૧૯ ડિસેમ્બરે ધરપકડ કરીને તેમને ગુરુવારે ર્કોટમાં હાજર કયાર઼્ હતાં. ર્કોટે‍ તેમને ૪ દિવસના પોલીસ-રિમાન્ડ મંજૂર કર્યા છે.’

હત્યા પાછળનું કારણ


મુંબઈના મુક્તિકુમારની કરપીણ હત્યા કરવા પાછળ કયું પરિબળ કામ કરી ગયું અને મા-દીકરીએ આટલો ઘાતકી નર્ણિય લેવાની શી જરૂર પડી એ વિશે માહિતી આપતાં આર. ડી. ડાભીએ કહ્યું હતું કે ‘બે-ત્રણ વર્ષ પહેલાં મુંબઈમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલી મધ્યમવર્ગની અમિતાનો એ વખતે મુક્તિકુમાર સાથે પરિચય થયો હતો. અમિતાએ ત્યાર બાદ શૅરબ્રોકરનું કામકાજ કરતા અને પૈસેટકે સુખી મુક્તિકુમાર સાથે  સંપર્ક વધાર્યો હતો. તેઓ બન્ને એ સંબંધમાં આગળ વધી ગયાં હતાં અને તેમની વચ્ચે ફિઝિકલ રિલેશનશિપ બંધાઈ ગઈ હતી. એ પછી મુક્તિકુમાર અવારનવાર અમદાવાદની મુલાકાત લેતા ત્યારે અમિતાના ઘરે જ રહેતા હતા. થોડા સમય બાદ મુક્તિકુમાર અને અમિતાની દીકરી ધ્વનિ વચ્ચે પણ શારીરિક સંબંધ બંધાયા હતા. જોકે એની સામે તેઓ તેમની બધી આર્થિક જરૂરિયાતો પૂરી કરતા હતા. મુક્તિકુમારે મુંબઈ નજીકની એક પ્રૉપર્ટીના પાવર ઑફ ઍટર્ની આ મા-દીકરીના નામે કર્યા હતા. એવું જાણવા મળે છે કે એ પ્રૉપર્ટીનો ૭/૧૨નો ઉતારો મા-દીકરીએ મુક્તિકુમારની જાણ બહાર મગાવ્યો હતો. આ બાબતની જાણ મુક્તિકુમારને થતાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. જો મુક્તિકુમાર આ બાબતે કોઈ બીજું પગલું લે તો તેમના હાથમાંથી એ પ્રૉપર્ટી જતી રહેશે એવું લાગતાં અમિતા અને ધ્વનિએ મળીને તેમનું કાસળ કાઢવાનો નર્ણિય લીધો હતો.’

કઈ રીતે મર્ડર કર્યું?


એક્ઝૅક્ટલી હત્યા કઈ રીતે થઈ એ વિશે માહિતી આપતાં ઇન્સ્પેક્ટર ડાભીએ કહ્યું હતું કે ‘બુધવારે જ્યારે મુક્તિકુમાર તેમની સ્વિફ્ટ કારમાં મુંબઈ આવવા નીકળ્યા ત્યારે અમિતા અને ધ્વનિએ તેમને કહ્યું કે અમારે આણંદ જવું છે, તમે અમને આણંદ ડ્રૉપ કરી દો. એ માટે મુક્તિકુમાર તૈયાર થઈ ગયા હતા. એ દિવસે ધ્વનિએ કાર ડ્રાઇવ કરી હતી. અમિતા તેની સાથે આગળ બેઠી હતી અને મુક્તિકુમાર પાછળની સીટ પર હતા. કાર જ્યારે આણંદ નજીક પહોંચવા આવી ત્યારે અમિતાએ તેને ચા આપી હતી, જેમાં તેણે અગાઉથી જ ઘેન ચડી જાય એવો ઝેરી પદાર્થ ભેળવી દીધો હતો. થોડી ચા પીધા પછી કડવી લાગે છે એમ કહી મુક્તિકુમારે ફેંકી દીધી હતી, પરંતુ જે ચા તેમણે પીધી હતી એની તેમના શરીર પર અસર થતાં તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ અમિતા અને ધ્વનિએ મુક્તિકુમારના હાથના કાંડાની નસ કાપી નાખી હતી અને ગળા પર ચાકુનો ઘા માર્યો હતો. જોકે એમ છતાં મુક્તિકુમારનો શ્વાસ ચાલી રહ્યો હતો અને રસ્તા પર થોભવામાં જોખમ હતું એટલે ધ્વનિ બીજો અડધો કલાક કાર ડ્રાઇવ કરતી રહી અને ટાઇમ પસાર કરતી રહી. ત્યાર બાદ પણ મુક્તિકુમારનો શ્વાસ ચાલી રહ્યો હતો એટલે તેમણે બીજા હાથની નસ પણ કાપી નાખી હતી અને એ પછી થોડી વારમાં મુક્તિકુમારે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ તેમણે મુક્તિકુમારના મૃતદેહને કારમાંથી બહાર ફેંકી દીધો હતો. આમ હત્યા કરીને કારની બાજુમાં જ મૃતદેહને રઝળતો મૂકી દઈ બન્ને મા-દીકરી નાસી ગઈ હતી.’ 

મુક્તિકુમારના પરિવારને આવા સંબંધની જાણ નહોતી 


મુક્તિકુમાર શાહના ભાઈ સુરેશ શાહે કહ્યું હતું કે ‘તેમના આ સંબંધ વિશે અમારા પરિવારમાં કોઈને જાણ નહોતી. જે પ્રૉપર્ટીની વાત કરવામાં આવી રહી છે એ વિશે પણ અમને કશી ખબર નથી. એટલે આ બાબતે અમે વધુ કશું કહેવા નથી માગતા.’ 

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન