મર્ડર એક, પણ સવાલ અનેક

14 December, 2012 03:21 AM IST  | 

મર્ડર એક, પણ સવાલ અનેક



શિરીષ વક્તાણિયા

મુંબઈ, તા. ૧૪

કાંદિવલી (વેસ્ટ)માં શંકર લેનમાં કોશલ બિલ્ડિંગના પહેલા માળે રહેતા ૫૮ વર્ષના મુક્તિકુમાર શાહની ડેડ-બૉડી બુધવારે રાત્રે સાડાનવ વાગ્યે ગુજરાતમાં આણંદ જિલ્લામાં બોરસદ નજીક આવેલા વાસણ રોડ પરથી મળી આવી હતી. આ ડેડ-બૉડી તેમની સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કારથી ૨૦૦ મીટર દૂર પડી હતી. કારની પાછળની સીટ પર લોહીનાં નિશાન મળી આવ્યાં છે. આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું બોરસદ પોલીસે કહ્યું હતું. મુક્તિકુમાર શાહના શરીર પરના દાગીના કે તેમની પાસે રહેલી રોકડ રકમ એમની એમ હોવાથી આ હત્યા પાછળ રૉબરીનો ઇરાદો ન હોવાનું પણ પોલીસનું માનવું છે. ગઈ કાલે બોરસદની સરકારી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કર્યા બાદ ડેડ-બૉડી મુક્તિકુમાર શાહના પરિવારને સોંપવામાં આવી હતી, જે મોડી રાત્રે કાંદિવલી લાવવામાં આવી હતી.

બોરસદ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર. ડી. ડાભીએ ‘મિડ-ડે’ને ફોન પર માહિતી આપતાં કહ્યું હતું કે ‘બોરસદમાં અંદરના રોડ પર એક માણસ ઘાયલ અવસ્થામાં પડ્યો હોવાથી બુધવારે રાત્રે કોઈકે ૧૦૮ ઇર્મજન્સી સર્વિસને ફોન કરતાં ઍમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી. જોકે આ માણસ ડેડ હોવાથી પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે સાડાનવ વાગ્યે ડેડ-બૉડીનો કબજો લઈને તપાસ શરૂ કરી હતી. તે માણસના શરીર પરના દાગીના અકબંધ હતા. ઉપરાંત રોકડા ૨૦૦૦ રૂપિયા અને એટીએમ કાર્ડ પણ સલામત હોવાથી રૉબરીનો ઇરાદો ન હોવાનું જણાય છે. ડેડ-બૉડી જ્યાંથી મળી એના ૨૦૦ મીટર દૂર એક કાર મળી હતી જેની ફ્રન્ટ સાઇડ પર કોઈક કાર સાથે ટક્કરનાં નિશાન હતાં. કારની પાછળની સીટ પર લોહીના ડાઘ પણ મળ્યાં છે. તેમની હત્યા ખૂબ જ ઘાતકી રીતે કરવામાં આવી હતી, કારણ કે શરીર પર પણ ઘણા ઘા જોવા મળે છે. તેના બન્ને હાથનાં કાંડાંની નસો કાપી નાખવામાં આવી હતી અને માથામાં ધારદાર શસ્ત્રથી હુમલો થયો હોવાનું દેખાય છે. ગળામાં કાપો છે. આમ તેમની હત્યા કરીને જાણે તેમણે આત્મહત્યા કરી હોવાનો દેખાવ કરવા માટે ડેડબૉડીને ફેંકી દેવામાં આવી હતી.’

કારમાંથી મળેલી માહિતીના આધારે મુક્તિકુમાર શાહના પરિવારને જાણ કરવામાં આવતાં તેમનો ભાઈ અને બીજાં સગાં બોરસદ પહોંચ્યાં હતાં અને પોસ્ટમૉર્ટમ બાદ ડેડ-બૉડીનો કબજો લીધો હતો. ઇન્સ્પેક્ટર આર. ડી. ડાભીએ જણાવ્યું હતું કે ‘મુક્તિકુમારના પરિવારજનોના કહેવા મુજબ તેઓ એક અઠવાડિયા પહેલાં મુંબઈથી અમદાવાદ ગયા હતા અને બુધવારે રાત્રે પાછા મુંબઈ ફરી રહ્યા હતા. તેઓ એકલા જ હતા. પોલીસ એમ વિચારી રહી છે કે જો તેઓ મુંબઈ પાછા જતા હતા તો તેમણે હાઇવેનો રસ્તો પસંદ કરવાને બદલે આવો ઇન્ટીરિયર રોડ શા માટે પસંદ કર્યો? આ સવાલનો જવાબ મેળવવા માટે અમે આ હાઇવે પર રહેલા ટોલનાકાના સીસીટીવી કૅમેરાનું ફુટેજ તપાસી રહ્યા છીએ. હાલમાં અમે મર્ડરનો ગુનો નોંધીને તપાસ શરૂ ધરી છે. તેમની કોઈની સાથે દુશ્મની હતી કે નહીં એ પણ તપાસ કરીએ છીએ. તેઓ એકલા જતા હોવાથી અને પરિવારમાં કોઈને કંઈ કહેતા નહીં હોવાથી તપાસમાં અમને થોડી મુશ્કેલી પડી રહી છે.’

મુક્તિકુમારના પરિવારજનો આ ઘટનાથી આઘાતમાં મુકાઈ ગયા છે. આ પરિવાર મૂળ પાલનપુર નજીક બાપલા ગામનો વતની છે. મુક્તિકુમારના પરિવારમાં પત્ની અને બે પુત્રોનો સમાવેશ છે. પરિવારના નજીકની એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘મુક્તિકુમાર સફળ શૅરબ્રોકર હતા અને ડેરિંગવાળા હતા. તેઓ પોતાને હંમેશાં ટાઇગર તરીકે ગણાવતા અને એકલા જ પ્રવાસ કરતા હતા. તેઓ કહેતા કે ઘેટાં ટોળામાં પ્રવાસ કરે, ટાઇગર એકલો જ રહે. તેઓ વારંવાર ગુજરાત જતા અને સ્વભાવે આધ્યાત્મિક પણ હતા.’

એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન