મસ્જિદ બંદરમાં એક મહિના સુધી MTNLની લાઇનો બંધ રહી

25 October, 2012 07:49 AM IST  | 

મસ્જિદ બંદરમાં એક મહિના સુધી MTNLની લાઇનો બંધ રહી



મસ્જિદ બંદરના વડગાદી વિસ્તારમાં લગભગ એક મહિનાની વધુ સમયથી એમટીએનએલની ફોન લાઇનો બંધ રહેવાથી અહીંના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. આ વિસ્તારમાં ૧૪ સપ્ટેમ્બરે એમટીએનએલની લાઇનો ટેક્નિકલ રીતે ખરાબ થવાથી બંધ થઈ હતી, પણ એમટીએનએલ ડિપાર્ટમેન્ટને આ લાઇનો સુધારવા માટે લગભગ એક મહિનાથી વધુ સમય લાગ્યો હતો. હાલમાં ૧૯ ઑક્ટોબરે આ લાઇનો ફરી ચાલુ થતાં મસ્જિદ બંદરના વેપારીઓ ખુશ થઈ ગયા હતા.

મસ્જિદ બંદરના બારદાનના વેપારી વસંત મંગેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘૧૪ સપ્ટેમ્બરે મારા દુકાનની ફોન લાઇન બંધ થઈ હતી, એથી મેં આ વિસ્તારમાં આવેલા જૂની બારદાન ગલી, સેમ્યુઅલ સ્ટ્રીટ અને કાજી સૈયદ સ્ટ્રીટ આ ત્રણે માર્કેટમાં ચેક કર્યું તો માહિતી મળી કે આખા વિસ્તારમાં એમટીએનએલની ફોન લાઇનો બંધ થઈ છે એથી મેં બીજા જ દિવસે એમટીએનએલની કસ્ટમર કૅરમાં આ સંદર્ભે ફરિયાદ કરી હતી. આ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ, રેડીમેડ ગાર્મેન્ટ અને કેમિકલનાં ઘણાં કારખાનાંઓ અને દુકાનો છે. જોકે એમટીએનએલની ફોન લાઇનો બંધ થવાથી લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હતું. જોકે એમટીએનએલથી કોઈ પણ કાર્યવાહી ન થતાં મેં પાછું ગણેશ ચતુર્થીના દિવસે એમટીએનએલની કસ્ટમર કૅરમાં ફોન કર્યો હતો પણ તેમણે કહ્યું હતું કે ‘અમારો સ્ટાફ હાલમાં રજા પર છે એથી તમે ગણપતિ તહેવાર પૂરો થાય ત્યાર બાદ ફોન કરજો.’ ગણપતિ ફેસ્ટિવલ પૂરો થયા બાદ ફરી મેં ફોન કર્યો ત્યારે વરસાદનું કારણ આપી તેમણે કહ્યું હતું કે ‘હાલમાં વરસાદને કારણે રસ્તાઓ ખોદવામાં આવ્યા છે અને એને કારણે લાઇનો થોડા સમય માટે ખરાબ રહેશે.’ વેપારીઓનો ધંધો ફક્ત ફોન પર વધુ રહે છે અને દુકાન અને કંપનીનો નંબર એક મહિનાથી વધુ બંધ રહે તો અમારા ગ્રાહકોથી અમારો સંપર્ક તૂટી જાય છે જેને કારણે અમને લગભગ લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું હતું.’

હાલમાં ૧૯ ઑક્ટોબરે એમટીએનએલની ફોન લાઇનો ફરી શરૂ કરવામાં આવી હતી.