દિંડોશી ફ્લાયઓવરનું રિપેરિંગ થવાથી ટ્રાફિક માટે મે મહિનો માથાનો ભારે દુખાવો સાબિત થશે

15 April, 2014 05:40 AM IST  | 

દિંડોશી ફ્લાયઓવરનું રિપેરિંગ થવાથી ટ્રાફિક માટે મે મહિનો માથાનો ભારે દુખાવો સાબિત થશે



વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર રોજ નીકળતા મુંબઈગરાઓની ટ્રાફિક બાબતની મુશ્કેલી મે મહિનામાં વધી જવાની છે. દિંડોશી ફ્લાયઓવરના નુકસાનગ્રસ્ત સાઉથબાઉન્ડ છેડાનું રિપેરિંગ પખવાડિયાની અંદર શરૂ થવાનું હોવાથી આ ફ્લાયઓવર સદંતર બંધ થવાની શક્યતા છે. આ ફ્લાયઓવરના સાઉથબાઉન્ડ છેડે નવ સ્લૅબમાં પડેલી મોટી તિરાડો નીચેથી સ્પષ્ટ દેખાય છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી-બૉમ્બેની ટીમે કરેલી ભલામણ પ્રમાણે એનું તત્કાળ રિપેરિંગ જરૂરી છે એવા સમાચારો સતત મળતા રહ્યા છે.

જોકે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) અને મુંબઈ ટ્રાફિક-પોલીસ દ્વારા લાંબા વિલંબ બાદ આખરે શુક્રવારે ટ્રાફિક-પોલીસ, MSRDC અને પબ્લિક વક્ર્સ ડિપાર્ટમેન્ટ (PWD)ની મીટિંગ બાદ આ ફ્લાયઓવર બ્રિજનું રિપેરિંગ કરવાનું નક્કી થયું હતું.

જોકે ટ્રાફિક-પોલીસનો આગ્રહ હતો કે રિપેરિંગ દરમ્યાન પણ બ્રિજની એક લેન ચાલુ રાખવામાં આવે જ્યારે MSRDC ઇચ્છે છે કે સમગ્ર સાઉથબાઉન્ડ છેડો બંધ રાખવામાં આવે. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં MSRDCના સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર બી. એન. ઓહોલે કહ્યું હતું કે ‘અમે તો રિપેરિંગ દરમ્યાન દિંડોશી ફ્લાયઓવરની સાઉથબાઉન્ડ તમામ ત્રણ લેનો બંધ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટની મર્યાદાઓ હોવાથી આ રિપેરિંગ દરમ્યાન અમે એ વિશે વિચારીશું.’

MSRDCના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ડૅમેજ થયેલા સ્લૅબનું રિપેરિંગ નાનું-મોટું કામ નથી.

આ માટે અમારે ત્રણે લેન બંધ રાખવી પડશે. જો ટ્રાફિક-ડિપાર્ટમેન્ટ આ માટે મંજૂરી નહીં આપે તો અમને કામ કરવામાં અડચણ આવશે.’

ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે નાનાં વાહનો માટે એક લેન ખુલ્લી રાખવાનો આગ્રહ રાખ્યો છે. આ ઉપરાંત મોટાં વાહનોને ફ્લાયઓવર નીચેના સર્વિસ રોડ પર ડાઇવર્ટ કરવાની વિચારણા છે. જોકે આ સર્વિસ રોડ પણ PWD રિપેર કરવાનો છે. મીટિંગમાં એવું નક્કી થયું હતું કે પહેલાં PWD સર્વિસ રોડ રિપેર કરી લે ત્યાર બાદ જ આ ફ્લાયઓવરનું રિપેરિંગ શરૂ થશે અને PWD આ કામ એક અઠવાડિયામાં કરવા માટે સંમત થયો હતો.

PWDના એક્ઝિક્યુટિવ એન્જિનિયર બી. બી. લોહારે કહ્યું હતું કે ‘ટ્રાફિક-ડિપાર્ટમેન્ટનો આગ્રહ હતો કે રિપેરિંગ શરૂ થાય ત્યારે નાનાં વાહનો માટે ફ્લાયઓવરની એક લેન તો ખુલ્લી જ રાખવી, પરંતુ એ પહેલાં સાઉથબાઉન્ડ સર્વિસ રોડનું રિપેરિંગ અમે એક અઠવાડિયામાં કરી આપીએ જેથી ફ્લાયઓવરના રિપેરિંગ દરમ્યાન મોટાં વાહનોને આ સર્વિસ રોડ પર ડાઇવર્ટ કરી શકાય.’

હાલમાં આ ફ્લાયઓવરની નીચેનો સાઉથબાઉન્ડ સર્વિસ રોડ જનરલ એ. કે. વૈદ્ય માર્ગ જંક્શન સુધી ખરાબ હાલતમાં છે એના કારણે ટ્રાફિકની ગતિ ધીમી રહે છે અને પીક-અવર્સમાં ટ્રાફિક જૅમથી હાલાકી થાય છે.

હાલમાં આ ફ્લાયઓવર પર ભારે અને મોટાં વાહનો પર પ્રવેશબંધી હોવાનાં ર્બોડ મૂકેલાં હોવા છતાં શુક્રવારે ‘મિડ-ડે’ની ટીમે મુલાકાત લીધી ત્યારે ત્યાં કોઈ પણ રોકટોક વગર ફ્લાયઓવરના નુકસાનગ્રસ્ત સાઉથબાઉન્ડ રોડ પર આવાં વાહનો દોડતાં જોવા મળ્યાં હતાં એમને રોકવા માટે ત્યાં કોઈ જ નહોતું.           

MSRDCએ આ નબળા પડી ગયેલા ફ્લાયઓવરના સાઉથબાઉન્ડ રોડ પર ભારે વાહનોને પસાર થવા દેવા સામે કડક ચેતવણી ઉચ્ચારેલી હોવા છતાં એનું કહેવું છે કે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે આ ચેતવણીને ગંભીરતાથી નથી લીધી. જોકે ૨૦૧૩ના ઑક્ટોબરમાં દિંડોશી ફ્લાયઓવરના સાઉથબાઉન્ડ સ્ટ્રેચનું રિપેરિંગ કરવામાં આવ્યું ત્યારે માત્ર એક લેન જ બંધ કરવામાં આવી હતી છતાં ત્યાં હદની બહાર ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાતી હતી.