એમએસડીસીએલના અધિકારીઓ આવ્યા થૅલેસેમિયા અને કિડનીના દરદીઓની વહારે

08 April, 2021 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોહીની કમીને કારણે પીડાતા આવા દરદીઓને મદદ કરવા માટે તેમણે યોજ્યો બ્લડ ડોનેશન કૅમ્પ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોનાનો પ્રકોપ દિવસ-દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે થૅલેસેમિયા અને કિડનીની બીમારી જેવા દરદીઓ લોહીની કમીને કારણે પીડાતા જોવા મળી રહ્યા છે. આ લોકોને મદદ કરવા માટે એમએસડીસીએલ કંપનીના અધિકારીઓઅે એમએસડીસીએલની ભાંડુપની ઑફિસમાં શુક્રવારે બ્લડ ડોનેશન કૅમ્પ કરવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીએ કહ્યું હતું કે અમે બ્લડની ૩૦૦ બૉટલો ભેગી કરી બીમારીમાં પીડાતા લોકોને આપીને તેમને મદદ કરીશું.

મુંબઈમાં કોરોનાના રોજના ૧૦,૦૦૦ કરતાં વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યારે રોજ આશરે ૮ ટકા લોકોને શરીરમાં બ્લડની કમી સર્જાતાં તેમના ઉપચાર માટે બ્લડની જરૂર પડે છે. હાલમાં મુંબઈની બ્લડ બૅન્કો પાસે થોડા દિવસ ચાલે એટલું જ લોહી છે. એનું એકમાત્ર કારણ એ છે કે છેલ્લા દોઢ વર્ષમાં મુંબઈમાં મોટા બ્લડ ડૉનેશન કૅમ્પોનું આયોજન કોરોના મહામારીને લીધે કરવામાં આવ્યું નથી. તેથી તેમની પાસેથી ભેગું થતું રક્ત આ વર્ષે આવી નથી શક્યું. ઉપરાંત આ વર્ષે લોહીના વપરાશનો લાભ પણ મોટા પ્રમાણમાં લોકોએ લીધો હોવાનો બ્લડ બૅન્કોનો દાવો છે. હાલની પરિસ્થિતિમાં અનેક દરદીઓને બ્લડ માટે રાહ જોવી પડતી હોય છે. એમ છતાં ઘણી વાર તેમને બ્લડ મળતું નથી એ જોતાં એમએસડીસીએલના ભાંડુપ અને થાણે રીજનના અધિકારીઓઅે શુક્રવારે અને સોમવારે બ્લડ કૅમ્પ યોજવાનો નિર્ણય લીધો છે. તમામ બૉટલ તેઓ મુંબઈ પાલિકાની હૉસ્પિટલોમાં દરદીઓના ઇલાજ માટે આપશે.

મુલુંડ વિભાગના એમએસડીસીએલના અધિકારી શકીલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલની બીમારીમાં લોકોને બ્લડની મોટા પ્રમાણમાં જરૂર પડી રહી છે. એ જોતાં અમારા ભાંડુપ વિભાગ, થાણે વિભાગ અને વાશી વિભાગે મુંબઈની ચાર મોટી સરકારી હૉસ્પિટલો સાથે ટાઇ-અપ કરીને બ્લડ કૅમ્પનું આયોજન કર્યું છે. એમાં એમએસડીસીએલના અધિકારીઓ સાથે એમની સાથે જોડાયેલા કૉન્ટ્રૅક્ટરો અને સામાન્ય નાગરિકો પણ ભાગ લેશે.’

mumbai mumbai news