અમારા જ મત મેળવીને તમે સંસદસભ્ય બન્યા છો, રાજ્યસભામાંથી રાજીનામું આપો અને પછી બોલો

27 June, 2022 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બળવો કરનારાઓના ૧૦૦ બાપ હોવાની સંજય રાઉતે કરેલી અભદ્ર ટિપ્પણીનો કોંકણના વિધાનસભ્ય દીપક કેસરકરે આપ્યો સણસણતો જવાબ

બાંદરાના કલાનગરમાં મતલબ માટે લોકો પોતાનો બાપ બદલે છે એવું લગાવવામાં આવેલું પોસ્ટર. સતેજ શિંદે


મુંબઈ ઃ શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત દરરોજ દિવસમાં અનેક વખત બળવો કરનારાઓ પર પ્રહાર કરી રહ્યા છે. તેમણે શનિવારે ગુવાહાટી ગયેલા વિધાનસભ્યોના અનેક બાપ હોવાનું કહ્યું હતું. તેમની આ વાત પર એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં હાજર કોંકણના વિધાનસભ્ય દીપક કેસરકર જોરદાર ભડક્યા છે. તેમણે એક મરાઠી ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે ‘રાજ્યસભાની ચૂંટણીમાં અમારા મત મેળવીને જ તમે સંસદસભ્ય બન્યા છો. પહેલાં રાજીનામું આપો અને બાદમાં બોલો. અમારા સંયમની પરીક્ષા ન લો. અમારા હિંમત હતી એટલે જ અહીં પહોંચ્યા છીએ અને શિવસેનાને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. છત્રપતિ શિવાજી મહારાજના નામે રાજનીતિ કરો છો, પણ કોઈ વ્યક્તિના એકથી વધુ બાપ હોવાની વાહિયાત વાત કરીને તમે મહિલાના સન્માનને ઠેસ પહોંચાડી રહ્યા છો.’
સંજય રાઉતને જવાબ આપતાં દીપક કેસરકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘અમે એક જ બાપના છીએ અને ગુવાહાટી ગયેલાઓને અનેક બાપ છે આવું સંજય રાઉતનું વાક્ય હતું. આવું વાક્ય ફરી ઉચ્ચારતા નહીં. આ બહુ જ અપમાનજનક વાક્ય છે. જ્યારે તમે કહો છો કે કોઈ વ્યક્તિના અનેક બાપ છે તો એનો અર્થ શું થાય? આ મહારાષ્ટ્રે કાયમ મહિલાનું સન્માન કર્યું છે. છત્રપતિ શિવાજી મહારાજે જ્યારે કલ્યાણના સૂબેદારને હરાવ્યા હતા ત્યારે તેમના પત્નીને મહારાજે માતાની ઉપમા આપી હતી. એ જ શિવાજી મહારાજના નામે ચાલતી શિવસેનામાં આવા પ્રવક્તા પક્ષપ્રમુખને કેવી રીતે ચાલે?’
કોંકણના વિધાનસભ્યે આગળ કહ્યું હતું કે ‘હું અત્યાર સુધી શાંત છું, પણ સંજય રાઉત દ્વારા આવું કહેવાનો શું અર્થ થાય છે? જેમણે તેમને રાજ્યસભામાં મોકલ્યા છે એમાં અમે જ મત આપ્યા હતા. તેમણે પહેલાં રાજ્યસભામાંથી રાજીનામું આપવું જોઈએ અને પછી આવું હલકું વાક્ય બોલવું જોઈએ. આવું વાક્ય કોણ સહન કરે? કોઈના કુટુંબ પર આવું બોલવાનો અધિકાર સંજય રાઉતને કોણે આપ્યો?’

સુપ્રીમમાં આજે સુનાવણી

મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાળે શિવસેનાના ૧૬ વિધાનસભ્યોને ૪૮ કલાકમાં જવાબ નહીં આપો તો સસ્પેન્ડ કરવાની નોટિસ મોકલી છે. આ નોટિસ તથા ડેપ્યુટી સ્પીકર સામે અવિશ્વાસની ફરિયાદ બે અપક્ષ વિધાનસભ્યોએ કરી છે એ બાબતે એકનાથ શિંદે જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરવામાં આવી છે. આ અરજીની તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની વિનંતી કરવામાં આવી હોવાથી એ આજે સવારે ૧૦.૩૦ વાગ્યે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાશે. એક અરજી એકનાથ શિંદે અને બીજી અરજી આ જૂથના પ્રતિનિધિ ભરત ગોગવલે તથા અન્યોએ કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પરથી જ રાજ્યની રાજકીય સ્થિતિનો આગળનો રસ્તો સ્પષ્ટ થશે.

mumbai news sanjay raut