સબર્બ્સમાં ઉંદરોના ત્રાસે માઝા મૂકી

30 November, 2012 06:00 AM IST  | 

સબર્બ્સમાં ઉંદરોના ત્રાસે માઝા મૂકી



સબર્બન એરિયામાં ૯૦ જેટલા નાઇટ રેટકિલરોની ભરતીપ્રક્રિયામાં સુધરાઈ ઢીલ કરી રહી છે, કારણ કે મુંબઈ મહાનગરપાલિકાને આ અગાઉ નવી દિલ્હીના ઍનિમલ વેલ્ફેર ર્બોડ ઑફ ઇન્ડિયા દ્વારા ક્રૂરતાપૂર્વક ઉંદરને મારવાની પ્રક્રિયા ન કરવા પત્ર લખીને જણાવ્યું હતું. પરિણામે રેટકિલરની ભરતીપ્રક્રિયા પણ ખોરંભે ચઢી છે. ઉંદરોના ત્રાસને કારણે પરેશાન થયેલા તમામ પક્ષના કૉર્પોરેટરોએ આ વિશે રજૂઆત કરી છે. સાઉથ મુંબઈમાં ૪૪ નાઇટ રેટકિલર્સ છે, જ્યારે વેસ્ટર્ન તથા ઈસ્ટર્ન સબર્બ્સમાં એક પણ નથી.

મે ૨૦૧૨માં બાંદરાથી દહિસર તથા કુર્લાથી મુલુંડ સુધીના વિસ્તારોમાં ૯૦ જેટલા રેટકિલરોની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે ઍનિમલ ર્બોડના હસ્તક્ષેપને કારણે એમાં વિલંબ થયો હતો. અત્યારે સુધરાઈની ભરતીપ્રક્રિયાને ઍનિમલ ર્બોડે પરવાનગી આપી છે, પરંતુ ઉંદરને મારવાની પ્રક્રિયાને બદલવા માગે છે. ઉંદરને પકડીને એને સારી રીતે મારવા માગે છે. એકસાથે મારવાની વિરુદ્ધમાં છે.

હેલ્થ કમિટીનાં ભૂતપૂર્વ ચૅરપર્સન તથા સ્ટૅન્ડિંગ કમિટીનાં સભ્ય અનુરાધા પેડનેકરે કહ્યું હતું કે તાત્કાલિક રેટકિલરની નિમણૂક થાય એ માટે તેઓ માગ કરશે. એનસપીના નેતા ધનંજય પીસલે કહ્યું હતું કે જો સુધરાઈ રેટકિલરોની ભરતી નહિ કરે તો તેઓ આંદોલન કરશે. ભૂતપૂર્વ કૉર્પોરેટર રવીન્દ્ર પવારે કહ્યું હતું કે સુધરાઈ કોઈ રોગ ફેલાય એની રાહ જોઈ રહી છે. ત્યાર પછી જ એ જાગશે, એવું લાગી રહ્યું છે.