મોટરમેનોના વર્ક ટુ રૂલ આંદોલનથી પ્રવાસીઓ થયા પરેશાન

25 November, 2011 08:59 AM IST  | 

મોટરમેનોના વર્ક ટુ રૂલ આંદોલનથી પ્રવાસીઓ થયા પરેશાન



આગામી દિવસોમાં વેસ્ટર્ન રેલવેની ટ્રેનસર્વિસ અનિયમિત રહે એવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે મોટરમેનોએ હવે ‘વર્ક ટુ રૂલ’ પ્રમાણે ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. આ પ્રકારના વિરોધપ્રદર્શનમાં મોટરમેનો હવે પ્લૅટફૉર્મ પર પ્રવેશતી વખતે ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધારે અને ૬૦ કિલોમીટરના રૂટમાં ૧૦થી ૧૫ કિલોમીટરની ઝડપ કરતાં વધારે ઝડપથી ટ્રેન નહીં ચલાવે. ટ્રેનની ઝડપ પણ ટ્રૅક પરના પ્રત્યેક સિગ્નલ પ્રમાણે બદલાતી રહેશે.

આ મુદ્દે વાત કરતાં નામ ન આપવાની શરતે એક મોટરમૅને કહ્યું હતું કે જ્યાં સુધી ઍડ્મિનિસ્ટ્રેશન અમારી સમસ્યાનો ઉકેલ નહીં લાવે ત્યાં સુધી અમે આ રીતે જ ટ્રેનો દોડાવવાનું ચાલુ રાખીશું. ગઈ કાલે સવારથી મુસાફરો મોટરમેનોની આ અવળચંડાઈને કારણે પરેશાન થયા હતા. ગઈ કાલ સવારથી ટ્રેનો પીક-અવર્સ દરમ્યાન પંદર મિનિટ અને એ સિવાયના સમય દરમ્યાન વીસેક મિનિટ મોડી દોડી રહી હતી, જેના કારણે પ્લૅટફૉર્મ પર ટ્રેનની રાહ જોતા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો હતો. આના કારણે દાદર, ચર્ચગેટ, અંધેરી, બોરીવલી અને બીજાં સ્ટેશનો પૅસેન્જરોથી ગીચ બની ગયાં હતાં.