ટચ ઍન્ડ ગો

26 January, 2021 10:31 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

ટચ ઍન્ડ ગો

મોટરમૅન સંતોષ ચૌથેએ કેવી રીતે પ્રવાસીનો જીવ બચાવ્યો એ તસવીર પરથી અંદાજો લગાડી શકાય છે

રેલવેમાં પ્રવાસીઓના જીવ બચાવવાની અનેક ઘટનાઓ સામે આવી છે પરંતુ હાર્બર રેલવેના કૉટન ગ્રીન રેલવે સ્ટેશન પર બનેલો બનાવ બધાથી અલગ છે. સેન્ટ્રલ રેલવેના કલ્યાણમાં રહેતા મોટરમૅન સંતોષ ચૌથેએ સાયન-કોલીવાડામાં રહેતા ૫૪ વર્ષના શારીરિક અક્ષમ ગણેશ શિંદેનો ટ્રેનની અણીએ આવીને જીવ બચાવ્યો છે. અંધારામાં હેડ-લાઈટના સહારે ઇમર્જન્સી બ્રેક મારીને પ્રવાસીને બચાવી લેવાયો હતો.

આ વિશે માહિતી આપતાં ૨૪ વર્ષથી રેલવેમાં ફરજ બજાવી રહેલા મોટરમૅન સંતોષ ચૌથેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રાતના અંધારામાં મોટરમૅન ટ્રેનની હેડ-લાઈટના સહારે ટ્રેન ચલાવતાં હોય છે. એ વખતે મોટરમૅને વધુ સતર્ક થઈને ટ્રેન ચલાવવી પડતી હોય છે. ૨૨ જાન્યુઆરીના રાતના ૧૨.૦૮ વાગ્યે હું અંધેરીથી સીએસએમટી સ્લો ટ્રેન ચલાવી રહ્યો હતો. એ વખતે કૉટન ગ્રીન રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેકથી પ્લૅટફૉર્મ નંબર-૨ ઉપર ૫૪ વર્ષનો પ્રવાસી ઉપર ચડી રહ્યો હતો. પ્રવાસીને એમ કે તે ટ્રેક પરથી પ્લૅટફૉર્મ પર ચઢી જશે પરંતુ અનેક પ્રયત્ન છતાં તે એમ કરવામાં અસફળ રહ્યો હતો. એ દરમ્યાન હું જે ટ્રેન ચલાવતો હતો એ તેની તરફ આગળ વધી રહી હતી. ટ્રેનની હેડ-લાઈટ ચાલુ હતી અને મને પ્રવાસી હોવાનું ઝાંખું-ઝાંખું થોડે દૂરથી દેખાઈ આવ્યું હતું, એથી સતર્ક થઈને મેં જોયું અને તરત જ ઇમર્જન્સી બ્રેક લગાવી. બ્રેક લગાડવાની સાથે ટ્રેન સીધી પ્રવાસીને અડીને ઊભી રહી ગઈ હતી. ત્યાં ઊભેલા અન્ય લોકો સાથે મારા હદૃયના ધબકારા પણ ડબલ થઈ ગયા હતા. મહિલા કૉચમાં રહેલો રેલવે પોલીસ દોડતો આવ્યો અને તે પ્રવાસીને ખેંચીને ઉપર લાવ્યો હતો. એ બાદ પ્રવાસીના પરિવારજનો આવીને તેને લઈ ગયા હતા. અંધારામાં ધ્યાન ગયું ન હોત તો પ્રવાસી ટ્રેન નીચે આવીને જીવ ગુમાવી બેઠો હોત.’

mumbai mumbai news mumbai local train preeti khuman-thakur