મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક મટીરિયલ મૂકવાનો મોટિવ પૉલિટિકલ ફન્ડિંગ?

27 February, 2021 07:50 AM IST  |  Mumbai | Viral Shah, Mehul Jethva

મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટક મટીરિયલ મૂકવાનો મોટિવ પૉલિટિકલ ફન્ડિંગ?

દક્ષિણ મુંબઈમાં આવેલા મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયા પાસે સ્કૉર્પિયો જીપમાંથી ૨૦ જિલેટિન સ્ટિક્સ અને ધમકીભર્યો પત્ર મળી આવતાં કામે લાગેલી મુંબઈ પોલીસ આ હરકત પાછળનો ઇરાદો શું હશે એ શોધી રહી છે ત્યારે વિશ્વસનીય સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ આતંકવાદી ઍન્ગલની સાથે આ કૃત્ય પૉલિટિકલ ફન્ડિંગ માટે ડરાવવાના ઇરાદાથી તો નથી કરવામાં આવ્યુંને એ ઍન્ગલથી પણ તપાસ કરી રહી છે.

ગુરુવારે બપોરે ૩ વાગ્યે પોલીસને છેલ્લા ૧૨ કલાકથી વધુ સમયથી એક સ્કૉર્પિયો જીપ મુકેશ અંબાણીના ઘર પાસે પાર્ક કરેલી હાલતમાં પડી છે એની ખબર પડતાં તેમણે તરત જ તપાસ શરૂ કરીને બૉમ્બ-સ્ક્વૉડના અધિકારીઓને ઘટનાસ્થળે મોકલી આપ્યા હતા, જેમાં જિલેટિન સ્ટિક્સ મળી આવતાં આ મામલાની ગંભીરતાથી તપાસ મુંબઈ પોલીસે શરૂ કરી છે.

અત્યાર સુધીની તપાસમાં પોલીસને આ આતંકવાદી કૃત્ય હોવાની શક્યતા બહુ ઓછી લાગે છે. એ બાબતે મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘જો આતંકવાદીઓએ કંઈ કરવું જ હોત તો તેમણે કારમાં જિલેટિન સ્ટિક્સ સાથે એને બ્લાસ્ટ કરવા માટે ડિટોનેટર પણ રાખ્યાં હોત, પણ આમાં તો ફક્ત જિલેટિન સ્ટિક્સ જ હતી. રહી વાત વૉર્નિંગ આપવાની, તો આ લોકો મુકેશ અંબાણીના ઘરની સામે જીપ મૂકીને શું કામ કોઈ ચેતવણી આપે. આવી ચેતવણી તો તેઓ ભીડભાડવાળી જગ્યાએ કાર મૂકીને પણ આપી શક્યા હોત. આમ છતાં આતંકવાદી ઍન્ગલથી પણ અમે તપાસ કરી જ રહ્યા છીએ.’

પૉલિટિકલ ફન્ડિંગના આશયથી અંબાણી-પરિવારને ડરાવવા માટે આ કારનામું કરવામાં આવ્યું હોઈ શકે એ બાબતે સૂત્રોએ કહ્યું હતું કે ‘આ કામ કોઈ મહારાષ્ટ્રની કે નૅશનલ પાર્ટી કરે એવું પોલીસને નથી લાગતું. તેઓ પ્રાદેશિક પક્ષો પર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસ કરી રહ્યા છે. આમ પણ આપણા દેશમાં અમુક વર્ગ મુકેશ અંબાણીને એક પાર્ટી સાથે જોડીને જોઈ જ રહ્યો છે અને એને માટે અંબાણી-પરિવારે પૉલિટિકલ પાર્ટીના વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે.’

દરમ્યાન મુંબઈ પોલીસે ગઈ કાલે સ્કૉર્પિયો કાર અત્યારે જેની પાસે છે એ થાણેમાં કારના સ્પેરપાર્ટ્સ વેચવાનું કામ કરતા મુકેશ હીરેનને શોધીને તેની પૂછપરછ કરી હતી અને તેની પાસેથી જીપને લગતી તમામ વિગતો ભેગી કરી હતી. ‘મિડ-ડે’એ પણ મુકેશ હીરેનનો સંપર્ક કર્યો હતો અને આ બાબતે પૂછતાં તેણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૭ ફેબ્રુઆરીએ મારી જીપ ચોરાઈ હતી, જેની ફરિયાદ મેં વિક્રોલી પોલીસ-સ્ટેશનમાં કરી હતી. હું થાણેમાં રહું છું. એ દિવસે અમુક કામસર હું મુંબઈ ગયો હતો અને રિટર્નમાં જીપનું સ્ટિયરિંગ જૅમ થઈ જતાં એને ત્યાં જ છોડીને ઘરે ગયો હતો. જોકે બીજા દિવસે મેકૅનિક સાથે ત્યાં પહોંચ્યો તો મારી જીપ ગાયબ હતી. ત્યાર બાદ મેં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’

જોકે નવાઈની વાત એ છે કે મુકેશ હીરેને બે વર્ષ પહેલાં આ જીપ ખરીદી હતી, પણ એના ડૉક્યુમેન્ટ્સ પોતાના નામે હજી નથી કરાવ્યા. એવું કહેવાય છે કે પોલીસે જીપના પહેલાંના માલિકની પણ પૂછપરછ કરી હતી.

બુધવારે મધરાત બાદ એક વાગ્યે સ્કૉર્પિયો મુકેશ અંબાણીના ઘર પાસે મૂકવામાં આવી હતી. જે વ્યક્તિએ આ જીપ ત્યાં મૂકી હતી તે ત્યાં પહોંચતાં પહેલાં ૧૦ મિનિટ જીપ સાથે હાજીઅલી પાસે રોકાયો હતો. ત્યાર બાદ જીપ ત્યાં પાર્ક કરીને બે કલાક એમાં બેઠો રહ્યો હતો, એટલું જ નહીં, જીપમાંથી ઊતરવા માટે તે ડ્રાઇવરની સીટ પરથી પાછળ ગયા બાદ પાછળનો દરવાજો ખોલીને સફેદ ઇનોવા કારમાં ભાગી ગયો હતો. એવું કહેવાય છે કે પોલીસે આ ઇનોવા પણ ટ્રેસ કરી લીધી છે. જે રીતે આરોપી ત્યાંથી જતો રહ્યો હતો એ જોતાં પોલીસને એવું લાગે છે કે તેણે આ વિસ્તારનો રૅકી કરી હશે. આ સિવાય સ્કૉર્પિયોમાંથી મુકેશ અંબાણીના કાફલાની ગાડીઓની નંબર-પ્લેટ્સ તેમ જ લેટર મળી આવ્યાં હતાં, જેમાં લખ્યું હતું કે ‘યે તો સિર્ફ એેક ટ્રેલર હૈ. નીતાભાભી, મુકેશભૈયા, ફૅમિલી. યે તો સિર્ફ એક ઝલક હૈ. અગલી બાર યે સામાન પૂરા હોકર તુમ્હારે પાસ આયેગા ઔર પૂરા ઇન્તઝામ હો ગયા હૈ.’

રિલાયન્સે માન્યો મુંબઈ પોલીસનો આભાર

ગઈ કાલે રિલાયન્સ દ્વારા એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તેમના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ઝડપી અને ત્વરિત ઍક્શન લેવા બદલ અમે મુંબઈ પોલીસના આભારી છીએ. અમને વિશ્વાસ છે કે મુંબઈ પોલીસ તેમનું સઘન ઇન્વેસ્ટિગેશન જલદી પૂરું કરશે.

પોલીસ શું કહે છે?

મુકેશ અંબાણીના ઘર પાસે સ્કૉર્પિયોમાં જે જિલેટિન સ્ટિક્સ મળી છે એ કારસ્તાન પૉલિટિકલ ફન્ડિંગ માટે કરવામાં આવ્યું છે? તમે એ દિશામાં તપાસ કરી રહ્યા છો? એવો પ્રશ્ન મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઑપરેશન્સ) ચૈતન્ય એસ.ને પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમે અત્યારે કંઈ ન કહી શકીએ.’

એનો મતલબ એવો છે કે તમે આ શક્યતા નકારતા નથી, બરાબરને? એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે ‘મિડ-ડે’ને ‘નો કમેન્ટ્સ’ કહ્યું હતું.

mumbai mumbai news mukesh ambani reliance mumbai police mehul jethva