માતાઓ બની રાયગઢના પૂરગ્રસ્ત ગામની પાલનહાર; UNIMOએ દત્તક લીધું આ ગામ

06 October, 2021 03:23 PM IST  |  Mumbai | Karan Negandhi

પ્રથમ તબક્કાની સફળતા બાદ હવે આ ગ્રુપ બીજા તબક્કામાં ત્યાં તબીબી સેવાઓ પહોંચાડવા માંગે છે

UNIMO સાથે જોડાયેલી માતાઓ જાતે આ ગામમાં ગઈ હતી અને ત્યાં આ કીટની વહેંચણી કરી હતી.

મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે જુલાઈ મહિનાના અંતમાં પડેલા અતિશય વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિથી રાયગઢ સહિત અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું હતું. ખાસ તો અંતરિયાળ વિસ્તારોના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા હતા અને તેમની સાથે સંપર્ક પણ તૂટયો હતો. હવે આ ગામના લોકોની મદદ કરવા ફેસબુક ગ્રુપ UNIMO આવ્યું હતું અને રાયગઢ જિલ્લાના મ્હાડના હિરકણી ગામને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો.

ભારે વરસાદને પગલે આ ગામ ભૂસ્ખલનનો પણ ભોગ બન્યું હતું અને તેને કારણે ઘણો વિનાશ થયો હતો. સ્થાનિક 183 પરિવારોએ ખોરાક, મકાન અને વીજળી વગર જીવવાનો વારો આવ્યો હતો. વિશ્વની માતાઓ સાથે જોડાયલા યુનિવર્સ ઓફ મોમ (Universe of Moms - UNIMO) ગ્રુપે હિરકણી ગામ સહિત પાસે આવેલા વધુ એક ગામને મદદ કરવા માટે ઑગસ્ટ મહિનામાં મિશનના પ્રથમ તબક્કામાં 250 રાશનની કીટ આપી હતી. UNIMO સાથે જોડાયેલી માતાઓ જાતે આ ગામમાં ગઈ હતી અને ત્યાં આ કીટની વહેંચણી કરી હતી.

આ સંદર્ભે વાત કરતાં UNIMOના ફાઉન્ડર નેહા કરે કાનાબારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “અમને એક વ્યક્તિ મારફતે આ ગામ વિશે માહિતી મળી હતી અને અમે બાદમાં આ પૂરગ્રસ્ત ગામની મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. ૫ ઓગસ્ટે અમે અમારા ગ્રુપમાં પ્રોજેક્ટ મૂક્યો હતો અને ઘણી માતાઓએ આગળ આવી બનતી મદદ કરી હતી. માત્ર ૪ દિવસમાં અમને જરૂરી સામાન ઉપલબ્ધ થઈ ગયો હતો. ૧૩ ઓગસ્ટના રોજ અમે જાતે આ ગામમાં જઈ વસ્તુઓનું વિતરણ કર્યું હતું.” તેમણે ઉમેર્યું હતું કે “પૂર બાદ અહીંના લોકોની સ્થિતિ દયનીય હતી અને તેમના મકાનોને ભારે નુકસાન થયું હતું. અમારી સાથે આવેલી માતાઓ ત્યાંના લોકો માટે સાથે સ્ટેશનરી અને બીજી જરૂરી વસ્તુઓ પણ લાવી હતી.”

પ્રથમ તબક્કાની સફળતા બાદ હવે આ ગ્રુપ બીજા તબક્કામાં ત્યાં તબીબી સેવાઓ પહોંચાડવા માંગે છે અને તે અંગેનું પ્લાનિંગ કરી રહી છે. ઉપરાંત ઉપક્રમના ત્રીજા અને ચોથા તબક્કામાં ગ્રામજનોને પગભર કરવા માટે આજીવિકા અને કૌશલ્ય નિર્માણ માટે પણ કાર્ય કરવાનું છે.

ઉલ્લેખનીય છે કે UNIMO વિશ્વનું સૌથી મોટું અને ઝડપથી વિકસતી માતાઓનું ફેસબુક છે, જેની સાથે 5 લાખથી વધુ માતાઓ જોડાયેલી છે. એકંદરે એવું જોવા મળે છે કે એક મહિલા જ્યારે માતા બને છે ત્યાર બાદ તે પોતાની ખુશીઓનું બલિદાન આપી પરિવાર માટે જ પોતાનું જીવન સમર્પિત કરે છે. તેથી જ આ ગ્રુપ શરૂ કરાયું હતું કે માતાઓ પણ પોતાના અને પોતાની ખુશીઓ માટે થોડો સમય આપે. આ ગ્રુપ ‘એક બ્રેક તો બનતા હૈ’ની ટેગ લાઇન સાથે કામ કરી રહ્યું છે અને મોજમસ્તી ભર્યા કાર્યક્રમ સાથે આ પ્રકારનું સમાજ સેવાનું કામ પણ કરે છે. UNIMO વિશ્વના વિવિધ ૨૧ શહેરોમાં પ્રસરેલું છે. મુંબઈનું ગ્રુપ MUMO તરીકે જાણીતું છે, જેની સાથે ૨.૨૫ લાખ માતાઓ જોડાયેલી છે.

mumbai mumbai news raigad social networking site facebook