બે બાળકોને મૂકીને માતા બે દિવસથી ગાયબ

10 December, 2020 11:32 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

બે બાળકોને મૂકીને માતા બે દિવસથી ગાયબ

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલી-વેસ્ટના ૯૦ ફુટ રોડ પર આવેલા ગાંવદેવી મંદિર પાસેની ખાડીમાં એક ટેકરા પર સોમવારે સાંજે બે માસૂમ ભૂલકાઓને છોડીને તેમની માતા જતી રહી છે. સ્થાનિકોએ બે ભૂલકાઓને બચાવી પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરી તેમના પિતાને શોધી કાઢ્યા છે. પિતાનું કહેવું છે કે હાલ લૉકડાઉનને કારણે થોડીઘણી આર્થિક તંગી હતી, પણ એવું નહોતું કે ખાવા-પીવાના વાંધા હોય. પત્નીએ આ પગલું શા માટે લીધું એ સમજાતું નથી. હાલ પતિ અને વિષ્ણુનગર પોલીસ બન્ને એ બાળકોની માતાને શોધી રહ્યા છે.   

વિષ્ણુનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સોનાવણેએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે  ડોમ્બિવલીના ૬૦ ફુટ રોડ પર સુબ્રત સાહુ તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે. એ દૂધની ડિલિવરી પહોંચાડવાનું કામ કરે છે. સોમવારે સાંજે તેની પત્ની તેના છ મહિનાના અને બે વર્ષના બન્ને દીકરાઓને ગાંવદેવી મંદિર પાસેની ખાડીમાં આવેલા નાના એવા ટેકરા પર મૂકીને નીકળી ગઈ હતી. બન્ને બાળકો રડતાં હોવાથી સ્થાનિકોનું એ તરફ ધ્યાન ખેંચાતા તેમણે બાળકોને બચાવી અમને જાણ કરી હતી. અમે તપાસ કરી તેમના પિતા સુબ્રત સાહુને ખોળી કાઢ્યો હતો. તેની પત્નીએ કદાચ ખાડીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોઈ શકે એવી ધારણાને આધારે અમે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનોએ એની બહુ જ શોધ ચલાવી હતી, પણ તે મળી આવી નહોતી કે તેનો મૃતદેહ પણ મળી આવ્યો નથી. એથી હવે ખાડીમાં તેની શોધ પડતી મુકાઈ છે, પણ અન્ય જગ્યાએ તેની શોધ ચાલુ રખાઈ છે. 

બીજી બાજુ સુબ્રત સાહુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હાલ લૉકડાઉન છે એટલે આવક ઓછી થઈ જવાથી થોડીઘણી આર્થિક તંગી હતી એ હકીકત છે અને અમને નહીં બધા જ હાલ આર્થિંક સંકડામણ ભોગવી રહ્યા છે, પણ એવું નહોતું કે અમને ખાવાના પણ ફાંફાં હતા. વળી અમારું તો પોતાનું ઘર પણ છે. પત્નીએ આવું શા માટે કર્યું એ જ સમજાતું નથી. એ મળી આવે પછી જ બાબતનો ખુલાસો થઈ શકે એમ છે.

mumbai mumbai news thane dombivli mumbai police