બે દિવસથી ગાયબ માતા અને પુત્રના મૃતદેહ નાળામાંથી મળ્યા

16 January, 2022 11:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેહરુનગરના આ રહેવાસીઓ બે દિવસથી ગાયબ હતા : સીસીટીવી કૅમેરાનાં ફુટેજ પરથી જાણ થઈ : સસરા અને દિયરની કરવામાં આવી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

કુર્લાના નેહરુનગરમાં રહેતી ૩૬ વર્ષની મહિલા અને તેનો ત્રણ વર્ષનો પુત્ર અચાનક ગાયબ થઈ ગયાં હતાં. તેમના પરિવારજનો તથા પોલીસ તેમને શોધી રહી હતી ત્યારે શુક્રવારે ચેમ્બુરના નાળામાંથી બન્નેના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં ચુનાભઠ્ઠી પોલીસે મહિલાના સસરા અને દિયરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે ‘૩૬ વર્ષની શ્રુતિ પતિ, સસરા, દિયર અને ત્રણ વર્ષના પુત્ર રાજવીર સાથે કુર્લાના નેહરુનગરમાં રહેતી હતી. બુધવારે શ્રુતિ કોઈને કહ્યા વિના પુત્ર રાજવીર સાથે ઘરેથી નીકળી ગઈ હતી. સાંજ સુધી તે પાછી ન આવતાં તેના પરિવારજનોએ તેની મિસિંગની ફરિયાદ નેહરુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.’ 
ફરિયાદ નોંધ્યા બાદ નેહરુનગર પોલીસની ટીમ ચેમ્બુરના લાલ ડુંગર પહોંચી હતી અને સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસતાં શ્રુતિ તેના પુત્ર સાથે અલ્ટા વિસ્ટા નામના બિલ્ડિંગ પાસે જોવા મળી હતી, જ્યાં તેનું પિયર છે. કૅમેરામાં શ્રુતિ પુત્ર સાથે સોસાયટીમાં જતી દેખાય છે, પરંતુ તે માતા-પિતાના ઘરે નહોતી ગઈ અને બહાર આવતી પણ નહોતી દેખાઈ. આથી પોલીસે આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસ્યાં હતાં, જેમાં બિલ્ડિંગની પાછળના ભાગમાં આવેલા નાળામાં કોઈક વજનદાર વસ્તુ પડતાં પાણી ઊછળતું જોવા મળ્યું હતું. આથી પોલીસે નાળામાં તપાસ કરતાં એમાંથી શ્રુતિ અને પુત્ર રાજવીરના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસના અંદાજ મુજબ શ્રુતિ પિયરમાં જવાને બદલે અગાસી પર પહોંચી હશે અને ત્યાંથી તેણે નાળામાં ઝંપલાવ્યું હશે. પોલીસે બન્નેના મૃતદેહ તાબામાં લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા હતા. ચુનાભઠ્ઠી પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને આગળની તપાસ કરી હતી. 

mumbai mumbai news Crime News mumbai crime news kurla