સ્લમ્સ કરતાં સોસાયટીઓ અને ટાવરોમાં ડેન્ગીના મચ્છરો વધારે

06 November, 2014 03:50 AM IST  | 

સ્લમ્સ કરતાં સોસાયટીઓ અને ટાવરોમાં ડેન્ગીના મચ્છરો વધારે




સુધરાઈએ દાવો કર્યો છે કે ડેન્ગીના મોટા ભાગના કેસ હાઉસિંગ સોસાયટીઓમાં મળી આવ્યા છે અને ઝૂંપડપટ્ટીઓમાં ડેન્ગીનાં ઉદ્ભવસ્થાનો સરખામણીએ ઘણાં ઓછાં છે. સુધરાઈના દાવા મુજબ ડેન્ગીના ૫૦ ટકા મચ્છરો સોસાયટીઓમાં, ૪૦ ટકા જૂની ચાલો અને જૂનાં બિલ્ડિંગોમાં અને બાકીના ૧૦ ટકા ઝૂંપડપટ્ટીઓમાં મળ્યા છે. સુધરાઈએ ૩૪૪ કિસ્સાઓમાં કોઈ પણ જાતની આગોતરી નોટિસ આપ્યા વિના કાર્યવાહી શરૂ કરી છે, કારણ કે આ કિસ્સાઓમાં ડેન્ગીના મચ્છરોનો ઉદ્ભવ ગંભીર હતો.

સુધરાઈના વધારાના કમિશનર સંજય દેશમુખે કાર્યવાહીની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘કેટલાક મહિનાથી ડેન્ગીએ માથું ઊંચક્યું છે ત્યાર બાદ સુધરાઈના ૯૦૦ કર્મચારીઓએ સાત લાખ જગ્યાનું નિરીક્ષણ કર્યું છે. આવી સઘન તપાસ પછી અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે ડેન્ગીના ૮૫ ટકા કેસ દરદીના ઘરમાં જ શરૂ થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ૮૬૪ કિસ્સાઓમાં કાર્યવાહીની નોટિસ આપવામાં આવી છે, જ્યારે ૩૪૪ કેસમાં સીધી કાર્યવાહી કરવામાં આવી છે. ડેન્ગી વિશે જાગૃતિ-ઝુંબેશની કોઈ ખાસ અસર થઈ નથી, કારણ કે હાઉસિંગ સોસાયટીઓ પાણી ન સાફ કરવાની ભૂલ વારંવાર કરે છે.’

જોકે જે લોકોના ઘરમાં ડેન્ગીના મચ્છરોનું ઉદ્ભવસ્થાન મળે તેમની ધરપકડ કરવાના મામલે સુધરાઈએ ફેરવી તોળ્યું છે. દેશમુખે આ બાબતે કહ્યું હતું કે ‘મચ્છરોના ઉદ્ભવ માટે કોઈની ધરપકડ કરવાનો અધિકાર અમારી પાસે નથી. અમે માત્ર કાર્યવાહી જ કરી શકીએ છીએ. હવામાનમાં બદલાવને કારણે ડેન્ગીના વધુ મચ્છરો પેદા થાય છે. હમણાં તાપમાનમાં ઘટાડો થવો જોઈએ, પરંતુ તાપમાન સામાન્યથી ઊંચું છે.’

સ્થાનિક વૉર્ડના કાનૂની અધિકારી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ડેન્ગી બાબતે કાર્યવાહી કરશે. કાનૂની અધિકારીઓ આ કેસો શિક્ષા જાહેર ન થાય ત્યાં સુધી ચલાવશે.

નોટિસ અને દંડ

અત્યાર સુધીમાં સુધરાઈ દ્વારા ડેન્ગીના મચ્છરોનાં ઉદ્ભવસ્થાનો ધરાવતા લોકોને ૧૩,૨૧૫ નોટિસ આપવામાં આવી છે અને દંડરૂપે ૨૩.૨૨ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે ૧૯,૬૭૭ નોટિસ આપવામાં આવી હતી અને દંડરૂપે ૩૫.૨૫ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

આમિર ખાનને લાવો

શહેરમાં સારા ઉદ્દેશને મદદ કરનારા બૉલીવુડ પાસે સ્વચ્છ ભારત મિશન હેઠળ શિવસેનાના નેતાઓને આશા છે કે ડેન્ગી વિશે જાગૃતિ ફેલાવતી એક ફિલ્મ બનાવવી અને એમાં આમિર ખાન ભૂમિકા ભજવે. આ વિશે શિવસેનાના સભાગૃહના નેતા ત્રિષ્ના વિશ્વાસરાવે આ અપીલ કરી છે.

શહેરમાં ડેન્ગીથી પ્રભાવિત સૌથી વધુ સ્થળો

સુધરાઈએ ૨૪માંથી ૧૨ વૉર્ડને ડેન્ગીનું વધુ જોખમ ધરાવતા વૉર્ડ તરીકે અલગ તારવ્યા છે.

B વૉર્ડ (ડોંગરી, પ્રિન્સેસ ડૉક)

E વૉર્ડ (ભાયખલા, માઝગાંવ)

F ઉત્તર વૉર્ડ (સાયન-માટુંગા)

F દક્ષિણ વૉર્ડ (પરેલ-શિવડી)

P ઉત્તર વૉર્ડ (મલાડ)

H પૂર્વ વૉર્ડ (સાંતાક્રુઝ અને બાંદરા-ઈસ્ટ)

H વેસ્ટ વૉર્ડ (બાંદરા-વેસ્ટ અને ખાર રોડ)

G સાઉથ વૉર્ડ (વરલી, પ્રભાદેવી) G ઉત્તર વૉર્ડ (દાદર, શિવાજી પાર્ક)

S વૉર્ડ (ભાંડુપ)

N વૉર્ડ (ઘાટકોપર)

L વૉર્ડ (કુર્લા)

B વૉર્ડમાં સપ્ટેમ્બરની સરખામણીએ ડેન્ગીના કેસમાં ૭૩ ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત વાલકેશ્વર, મદનપુરા, ગોલીબાર નગર અને જુહુમાં ડેન્ગીના ઘણા કેસો થયા છે.

નવજાત બાળકીની ૨૬ વર્ષની મમ્મી શહેરમાં ડેન્ગીનો ૧૦મો ભોગ બની

શહેરની દળવી હૉસ્પિટલમાં નવજાત બાળકીની એક માતા મૃત્યુ  પામી ત્યારે તે એક અઠવાડિયામાં ડેન્ગીનો ભોગ બનનારી ચોથી વ્યક્તિ બની છે. પેડર રોડની દળવી હૉસ્પિટલમાં મૃત્યુ પામનારી ૨૬ વર્ષની નિશા ચવાણે છ અઠવાડિયાં પહેલાં KEM હૉસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.

આ વર્ષે ડેન્ગીના ભોગ બનેલા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં ૧૦ની થઈ છે, પરંતુ સુધરાઈ મૃત્યુનો આંકડો માત્ર સાત જણાવે છે.

રવિવારે સવારે જ્યારે નિશા KEM હૉસ્પિટલમાં ડેન્ગીની તપાસ માટે ગઈ હતી ત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ એના ૧૨ કલાક બાદ દળવી હૉસ્પિટલમાં આ જ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. નિશાને પાછળથી હૃદયની તકલીફ થઈ હતી જેને લીધે તેનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ વર્ષે સામાન્યથી ઓછા મલેરિયાના કેસો નોંધાયા છે, પરંતુ નવેમ્બરમાં સામાન્યથી વધારે તાપમાન અને સુધરાઈની  ખરાબ સાફસફાઈને લીધે તેમ જ ખોટા આયોજનને લીધે ડેન્ગીના પ્રકોપે શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે.