પ્રૉપર્ટી માર્કેટમાં વીસેક ટકા કરેક્શનની ધારણા

29 November, 2014 05:59 AM IST  | 

પ્રૉપર્ટી માર્કેટમાં વીસેક ટકા કરેક્શનની ધારણા


પોતાનું ઘર ખરીદવા માગતા મુંબઈગરાઓ માટે આખરે સારા સમાચાર છે. ASK ગ્રુપના મુંબઈ મેટ્રોપૉલિટન રીજન રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટના રિપોર્ટ પ્રમાણે આગામી મહિનાઓમાં શહેરમાં પ્રૉપર્ટી (જમીન, મકાન)ની કિંમતોમાં ૨૦ ટકા જેટલો સુધારો થશે અને સપ્લાય-ડિમાન્ડનો સિનારિયો બૅલૅન્સ્ડ રહેશે એટલે કે કિંમતો સ્થિર રહેશે. ઊંચી કિંમતો સામે પગાર છેલ્લાં છ વર્ષથી મુંબઈમાં રિયલ એસ્ટેટ રેટ્સ સતત વધતા જ રહ્યા છે, પરંતુ હાઉસિંગની કિંમતોની સાથે મુંબઈગરાઓની આવક નથી વધી.

ASK પ્રૉપર્ટી ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝર્સના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અમિત ભગતે કહ્યું હતું કે ‘હાલના માર્કેટ રેટ્સ પરવડી શકે એવા નથી. અમારા અભ્યાસ પ્રમાણે બિલ્ડરોએ જાહેર કરેલી કેટલીક સ્કીમોને કારણે પ્રૉપર્ટીની કિંમતોમાં દસ ટકાનો ઘટાડો થયો છે. જોકે હજી કેટલાક સ્તરે લાંબા સમયથી માર્કેટ થંભી ગયેલું હોવાથી હજી પણ પ્રૉપર્ટીની પ્રાઇસિસમાં દસેક ટકાનો ઘટાડો થવાની ધારણા છે.’
૨૦૦૮-૨૦૧૪ દરમ્યાન મુંબઈના રિયલ્ટી માઇક્રો માર્કેટ્સના એક વિગતવાર સર્વે બાદ ASK ગ્રુપે આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ‘પ્રૉપર્ટીની કિંમતોમાં દર વર્ષે ૨૦-૩૦ ટકાનો વધારો થયો છે એની સામે હોમ-બાયર્સનો વિચાર કરીએ તો કૉર્પોરેટ ફીલ્ડના સ્ટાફની સૅલેરીમાં પણ માંડ દસ ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષ કરતાંય વધુ સમયથી થાણે, કાંદિવલી, લોઅર પરેલ, પ્રભાદેવી અને સેન્ટ્રલ મુંબઈ જેવા વિસ્તારોમાં પ્રૉપર્ટી માર્કેટ સાવ થંભી ગયું છે. ચેમ્બુર અને નવી મુંબઈમાં એના કરતાં ઘણી સારી સ્થિતિ છે.’


કન્સ્ટ્રક્શન કૉસ્ટ


પ્રાઇસ કરેક્શનમાં હંમેશાં કન્સ્ટ્રક્શન કૉસ્ટમાં વધારાનો મુદ્દો કેન્દ્રસ્થાને હોય છે. રવિ ગ્રુપના માર્કેટિંગ ડિરેક્ટર ગૌરવ કે. શાહનું માનવું છે કે ૨૦ ટકા કરેક્શન થોડું મુશ્કેલ જણાઈ રહ્યું છે. આ માટેનાં કારણોમાં ગૌરવ શાહે કહ્યું હતું કે ‘દાખલા તરીકે પ્રૉપર્ટીની કિંમત સ્ક્વેર ફૂટદીઠ ૨૦,૦૦૦ રૂપિયા હોય અને ૨૦ ટકા કરેક્શન એટલે સ્ક્વેર ફૂટદીઠ ૪૦૦૦ રૂપિયાનો ઘટાડો, આટલી આશા રાખવી વધુપડતું ગણાય. મને નથી લાગતું કે આટલું કરેક્શન શક્ય છે, કેમ કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ક્લિયરન્સમાં રોકાણ વધી ગયું છે અને આના કારણે નફાનો ગાળો હાલમાં સાવ ઓછો રહ્યો છે એમાં વધુ ઘટાડો થઈ શકે એવી શક્યતા ખૂબ ઓછી છે. આમ તમામ સ્તરે કરેક્શન આવે તોય કિંમતોમાં ૫-૧૦ ટકાની વચ્ચે ઘટાડો થાય એનાથી વધારે કરેક્શન શક્ય જ નથી.’ મુંબઈમાં હાલમાં મિડલ રેન્જના અપાર્ટમેન્ટની કિંમતો પણ સ્ક્વેર ફૂટદીઠ ૧૦,૦૦૦ રૂપિયા છે જે અન્ય મેટ્રો શહેરોમાં લક્ઝરી અપાર્ટમેન્ટના રેટ્સ છે. મુંબઈમાં કન્સ્ટ્રક્શન કૉસ્ટ સ્ક્વેર ફૂટદીઠ ૩૦૦૦-૪૦૦૦ રૂપિયા છે જે અન્ય શહેરોમાં ૨૨૦૦-૨૭૦૦ રૂપિયા વચ્ચે છે.


લેવાલ નથી


મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં જાન્યુઆરી-જૂન વચ્ચે ૨.૧૩ લાખ ફ્લૅટ્સ વેચાયા વગરના હોવાનો રિપોર્ટ નાઇટ ફ્રૅન્ક કંપનીનો હતો. આવી અનસોલ્ડ પ્રૉપર્ટીના મુદ્દે ન્યુમેક ગ્રુપના પાર્ટનર અભિષેક કપૂરે કહ્યું હતું કે ‘હાઉસિંગની ડિમાન્ડ તો વધી છે એ ચોક્કસ, કેમ કે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં પરવડે એવી કિંમતનાં તૈયાર ઘરોની તપાસ કે પૂછપરછમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ રેડી પઝેશનનાં પરવડી શકે એવાં ઘરોની સંખ્યા જૂજ છે. અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગોના ફ્લૅટ્સને સપ્લાય કે ખાલી પડેલાં ઘરોમાં ન ગણી શકાય. જે તૈયાર ફ્લેટ્સ હોય એ ખાલી હોય તો આ આંકડામાં સમાવી શકાય. કોઈ પણ પ્રોજેક્ટને પૂરો કરતાં ત્રણથી પાંચ વર્ષ તો લાગે જ એથી ડિમાન્ડ અને સપ્લાયની આ સાઇકલ ફરતી જ રહે છે. એથી ખરેખર ગ્રાહકો રેડી ફ્લૅટ માગે તો મોટો જથ્થો ખરેખર નથી. એથી એમ કહી શકાય કે વાજબી કિંમતો અને ક્વૉલિટી કન્સ્ટ્રક્શનની અસર આગામી મહિનાઓમાં પ્રાઇસ કરેક્શનમાં જોવા મળી શકે છે.’


ASK ગ્રુપના રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં વાર્ષિક ૨.૨ ટકાના દરે વસ્તીમાં વધારો થાય તો દર વર્ષે ૧,૨૦,૦૦૦-૧,૨૫,૦૦૦ માણસોનો વધારો થઈ શકે. એથી વસ્તીના આટલા વાર્ષિક વધારા સામે પરવડી શકે એવી કિંમતે ઘરો પૂરાં પાડવાં એ પણ એક પડકારરૂપ કામ છે. અમિત ભગતે કહ્યું હતું કે આને કારણે ગ્રોથ કૉરિડોસમાં પરવડી શકે એવાં ઘરોની ડિમાન્ડમાં વધારો થઈ શકે છે.