મુંબઈના રોડ-કામમાં મસમોટા કૌભાંડની બૂ

04 August, 2022 09:25 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈના ૧૦૦૦ કિ.મી. કે ૫૦ ટકા રસ્તા ફરી બનાવવાની બીએમસીની જાહેરાત સ્કૅમ તો છે જ, પણ આટલા રસ્તા ફરી બનાવાશે તો લોકોએ અસહ્ય ટ્રાફિક જૅમનો સામનો કરવો પડશે

મુંબઈમાં સતત રોડ બનાવવાનું કામ ચાલતું જ હોય છે (તસવીર : નિમેશ દવે)

મુંબઈ સુધરાઈએ ગઈ કાલે ૧૦૦૦ કિલોમીટરના ડામરના રોડને સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવાની યોજનાની ઘોષણા કરી હતી. એનો અર્થ એવો છે કે શહેરના ૫૦ ટકા રસ્તાઓમાં આગામી ત્રણ વર્ષ સુધી નિર્માણકાર્ય ચાલશે. ભૂતપૂર્વ કૉર્પોરેટર અને કાર્યકર્તાના મતે આ લક્ષ્ય મેળવવું અશક્ય છે. અત્યાર સુધી કામની નબળી પ્રગતિને જોતાં એ વધુ એક કૌભાંડમાં પરિવર્તિત થશે, જેમાં સુધરાઈના અધિકારીઓના ખિસ્સામાં કરોડો રૂપિયા આવશે.  

સુધરાઈએ આ વર્ષે ૫૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૪૦૦ કિલોમીટરના ડામરના રોડને સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવાની ઘોષણા કરી હતી. વળી ૨૩૬ કિલોમીટર રોડ પર હાલ કામ ચાલી રહ્યું છે. ૪૦૦ કિલોમીટરની આ પ્રસ્તાવિત યોજનામાં આઇલૅન્ડ સિટીમાં ૫૦ કિલોમીટર, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૭૫ કિલોમીટર અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૨૭૫ કિલોમીટરનો સમાવેશ થાય છે. બાકીના ૪૨૩ કિલોમીટરના રોડનું કામકાજ આવતા વર્ષે હાથ ધરવામાં આવશે.

સુધરાઈ છેલ્લાં કેટલાંક વર્ષોથી શહેરના ૨૦૫૦ કિલોમીટર રોડ નેટવર્કને સિમેન્ટ-કૉન્ક્રીટમાં પરિવર્તિત કરવાનું કામ કરી રહી છે. એમ છતાં દર વર્ષે ૨૦૦ કિલોમીટરના રોડનું કામકાજ જ પૂરું થાય છે. હજી ૯૯૦ કિલોમીટર રોડનું કામકાજ બાકી છે. ગટરનું નિર્માણ, ૧૬ જેટલી યુટિલિટી લાઇનોનું સ્થળાંતર, સુધરાઈના વિવિધ વિભાગો સાથે સંકલન, વૉર્ડ ઑફિસો અને એમટીએનએલ, બીએસએનએલ, ગૅસ, ઇન્ટરનેટ જેવી કામગીરીને લીધે પણ ધીમી ગતિએ કામ ચાલે છે.

સુધરાઈના એક ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું હતું કે ‘આ કામમાં ઘણો સમય લાગે છે. ટ્રાફિક પોલીસ ખાતું પણ તમામ રોડનું કામકાજ એકસાથે કરવા માટે પરવાનગી આપતું નથી. સુધરાઈના અધિકારીઓ, કૉર્પોરેટરો અને સામાન્ય માણસોને પણ આ વાતની ખબર છે. તેમ છતાં સુધરાઈ બે વર્ષમાં ૧૦૬૦ કિલોમીટર રોડને સિમેન્ટ-કૉન્ક્રીટના બનાવવાની યોજના ઘડે છે.’

૩૨ મહિના બહુ ઓછા
સુધરાઈએ બહાર પાડેલા ટેન્ડર મુજબ ચોમાસાના ચાર મહિનાને બાદ કરતાં ૨૪ મહિનામાં કામ પૂરું કરવાનું રહેશે. જો સુધરાઈ અને કૉન્ટ્રૅક્ટ સમયસર કામ પૂરું કરે એમ છતાં કામ ૩૨ મહિના ચાલશે. સુધરાઈના અધિકારીના જણાવ્યા પ્રમાણે જો બધું જ સમયસર પાર પડે તો એક કિલોમીટરના રોડના કામને ચાર મહિનાનો સમય લાગશે.

ભ્રષ્ટાચાર માટે અવકાશ
કાર્યકર્તા અનિલ ગલગલીએ કહ્યું હતું કે ‘વર્તમાન અધિકારીઓએ કરોડો રૂપિયાનાં ટેન્ડરો બહાર પાડ્યાં છે, પરંતુ અગાઉ જે રોડ બન્યા છે એની પરિસ્થિતિ વિશેની વિગતો પણ બહાર પાડવી જોઈએ.’

સુધરાઈના ભૂતપૂર્વ કૉર્પોરેટર અને વિપક્ષના નેતા રવિ રાજાએ કહ્યું હતું કે ‘નવાં ટેન્ડરો બહાર પડવાથી અધિકારીઓ ખુશ છે. તેમનાં પણ હિતો સંકળાયેલાં છે. સુધરાઈએ ૨૦૦૦ કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં. એમ છતાં ૧૦થી વધુ રોડ બન્યા નથી અને હવે ૫૮૦૦ કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પાડ્યાં છે.’

રોડ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉલ્હાસ મહાળેએ કહ્યું હતું કે ‘કામ ઝડપથી પૂરું કરવા અમે વધારે મશીનરી મગાવી છે. વિશાળ પ્રોજેક્ટ પૂરો કરવા માટે યોગ્ય સિસ્ટમ અમલમાં મૂકીશું. ટ્રાફિક પોલીસને પણ તમામ યોજનાઓની માહિતી આપીશું તેથી ટ્રાફિકમાં અડચણ ન થાય.’ 

mumbai mumbai news brihanmumbai municipal corporation prajakta kasale