ભિવંડીની ભીષણ આગમાં ૪૦ કરતાં વધુ ગોડાઉન બળીને ખાખ

17 October, 2021 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સદ્ભાગ્યે શુક્રવારે દશેરા હોવાથી રજા હતી અને કામગારો ડ્યુટી પર નહોતા

ભિવંડીના કશેળી ટોલ નાકા પાસે ફર્નિચર માર્કેટમાં શુક્રવારે રાતે લાગેલી આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. (તસવીર : પીટીઆઇ)

ભિવંડીના કશેળી ટોલ નાકા પાસે આવેલી મહાલક્ષ્મી ફર્નિચર માર્કેટ (ફર્નિચર શોરૂમ અને કારખાનું)માં શુક્રવારે રાતે ૧૧ વાગ્યે આગ ફાટી નીકળી હતી. એ આગ જોતજોતામાં ફેલાઈ ગઈ હતી અને આજુબાજુનાં અન્ય ગોડાઉનો પણ એની ઝપટમાં આવી ગયાં હતાં. અંદાજે ૪૦ કરતાં વધુ ગોડાઉન આ આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. અહીં આ ફર્નિચરનાં ગોડાઉનની લાઇન હતી એથી લાકડું, હાઈ ફ્લેમેબલ વાર્નિશ, સ્પન્જ અને અન્ય મટીરિયલનો મોટો સ્ટૉક હતો જે આગ લાગતાં જ ભભૂકી ઊઠ્યો હતો અને કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. સદ્ભાગ્યે શુક્રવારે દશેરા હોવાથી રજા હતી અને કામગારો ડ્યુટી પર નહોતા. એથી આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈના જખમી થવાના પણ અહેવાલ નથી.

આગ લાગ્યાની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગની જાણ ફાયર બ્રિગેડ અને થાણે સુધરાઈના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલને કરાઈ હતી. ભિવંડી ફાયર બ્રિગેડનું એક ફાયર એન્જિન અને એક જમ્બો ટૅન્કર તરત જ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં, પણ આગનો વ્યાપ વધી જતાં બાળકુમ અને કલ્યાણ-ડોમ્બિવલીથી પણ ફાયર એન્જિન મગાવવામાં આવ્યાં હતાં. શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા સેવાઈ રહી છે. શુક્રવારે રાતે ૧૧ વાગ્યે લાગેલી આગ પર ભારે જહેમત બાદ શનિવારે પરોઢિયે ૪.૪૭ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. જોકે એ દરમિયાન કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. ભિવંડીના નોરપોલીસ પોલીસ સ્ટેશનની હદમાં આ ગોડાઉનનો બેલ્ટ-વે છે અને અવારનવાર અહીં આગ લાગતી હોય છે. એમ છતાં સરકારી તંત્ર એ ટાળવા કોઈ નક્કર પગલાં ન લઈ રહી હોવાનું હાલ ભિંવડીમાં ચર્ચાઈ રહ્યું છે. 

mumbai mumbai news bhiwandi