ઍડ્મિશનના પાંચમા રાઉન્ડ બાદ ૨૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ FYJCમાં બેઠક મેળવી

06 January, 2021 08:34 AM IST  |  Mumbai | Pallavi Smart

ઍડ્મિશનના પાંચમા રાઉન્ડ બાદ ૨૦૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ FYJCમાં બેઠક મેળવી

પ્રતીકાત્મક તસવીર

ફર્સ્ટ યર જુનિયર કૉલેજ (એફવાયજેસી)ના ઍડ્મિશનનો સ્પેશ્યલ રાઉન્ડ મંગળવારે સંપન્ન થયો હતો અને ૨૧,૦૦૦ કરતાં વધુ ઉમેદવારોને સીટ મળી હતી. જોકે ઍડ્મિશનના પાંચ રાઉન્ડ બાદ પણ ૧૦,૫૩૩ વિદ્યાર્થીઓ હજી બેઠકોથી વંચિત છે.

છેલ્લા રાઉન્ડમાં જેમને બેઠકો મળી તેમણે ૮ જાન્યુઆરી સુધીમાં તેમનું ઍડ્મિશન કન્ફર્મ કરવાનું રહેશે. ત્યાર બાદ આગળની ઍડ્મિશન પ્રક્રિયા અને એટીકેટી વિશેની જાહેરાત થશે.

મંગળવારે ૩૨,૩૬૮ અરજીકર્તાઓમાંથી ૨૧,૮૩૫ને બેઠકો ફાળવાઈ હતી. સ્પેશ્યલ રાઉન્ડમાં કુલ પ્રાપ્ય બેઠકો ૧,૦૭,૩૧૨ હતી. રાહતની બાબત એ છે કે ૮૦,૦૦૦ કરતાં વધુ બેઠકો ઉપલબ્ધ રહી છે.

એફવાયજેસીની ઍડ્મિશન પ્રક્રિયા આ વર્ષે સૌથી વિલંબમાં મુકાયેલી પ્રવેશપ્રક્રિયાઓ પૈકીની એક રહી હતી, જે માટે પ્રથમ કોરોના મહામારીનું કારણ જવાબદાર હતું અને ત્યાર બાદ મરાઠા અનામત મામલે ગૂંચવણને કારણે વિલંબ થયો હતો.

આ સ્પેશ્યલ રાઉન્ડમાં ૧૦,૦૫૮ ઉમેદવારોને તેમની પ્રથમ પ્રાથમિક પસંદગી પર બેઠકો ફાળવવામાં આવી હતી અને ૨૦૭ ઇચ્છુકોને તેમની દસમી પ્રાથમિકતા મળી હતી. બેઠકો ફાળવાઈ હોય એમાંથી કેટલા ઉમેદવારોએ તેમનું ઍડ્મિશન કન્ફર્મ કર્યું છે તે જોવાનું મહત્ત્વપૂર્ણ છે. ત્યાર બાદ અમે એ મુજબ આગામી કાર્યવાહી કરીશું એમ ઑફિસ ઑફ ડેપ્યુટી ડિરેક્ટર ઑફ એજ્યુકેશન, મુંબઈના એક અધિકારીએ જણાવ્યું હતું.

ઍડ્મિશન પ્રક્રિયા યથાવત્ છે ત્યારે શહેરની ઘણી કૉલેજોએ ઑનલાઇન વર્ગો શરૂ કર્યા છે અને ૮૦ ટકા કરતાં વધુ કન્ફર્મ્ડ ઍડ્મિશનોને તેમનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓ નવતર પહેલનો લાભ ઉઠાવી રહ્યા છે.

mumbai mumbai news pallavi smart