અગિયારમાના ઍડ્મિશન માટેની સીઈટી માટે ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓએ કર્યું રજિસ્ટ્રેશન

04 August, 2021 10:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે વિદ્યાર્થીઓને ઍડ્મિઈટ કાર્ડ અપાશે અને ૨૧ ઑગસ્ટે યોજાનારી ઑફલાઇન પ્રવેશ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો ફાળવાશે

પ્રતીકાત્મક તસવીર

સોમવાર સુધીમાં ધોરણ-૧૧માં ઍડ‍્‌મિશન માટેની વૈકલ્પિક કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) માટે ૧૧,૭૭,૦૦૦થી વધુ ઑનલાઇન અરજીઓ સુપરત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સોમવારે રાતે ૧૧.૫૯ વાગ્યા સુધીમાં અરજી જમા કરાવવાની હતી.

હવે વિદ્યાર્થીઓને ઍડ‍્મિટ કાર્ડ અપાશે અને ૨૧ ઑગસ્ટે યોજાનારી ઑફલાઇન પ્રવેશ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો ફાળવાશે. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (એમએસબીએસએચએસઈ)ના ચૅરમૅન દિનકર પાટીલે જણાવ્યું હતું કે ‘અમને સોમવાર સાંજ સુધીમાં વૈકલ્પિક સીઈટી માટે ૧૧,૭૭,૦૦૦થી વધુ અરજીઓ મળી હતી.’

અગાઉ ઑનલાઇન અરજી ૨૦ જુલાઈએ સવારે ૧૧.૩૦થી શરૂ થવાની હતી અને ૨૬ જુલાઈ સુધી પ્રક્રિયા ચાલુ રહેવાની હતી, પણ કોઈ ટેક્નિકલ ખામી સરજાતાં એ સપ્તાહે પોર્ટલ ઠપ થઈ ગયું હતું. ૨૬ જુલાઈએ રાજ્ય શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે સાઇટ બીજી ઑગસ્ટના રાતે ૧૧.૫૯ વાગ્યા સુધી અરજી માટે ઓપન રહેશે.

એમએસબીએસએચએસઈના જણાવ્યા અનુસાર ઑનલાઇન અરજીઓ મેળવવાની કામગીરી પૂરી થઈ ગયા બાદ અરજીઓ પર કામગીરી કરવામાં આવશે. એમએસબીએસએચએસઈના મુંબઈ ડિવિઝનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઑનલાઇન અરજીઓ મેળવવાનું કાર્ય પૂરું થઈ ગયા બાદ અમે વિદ્યાર્થીઓને ઍડ‍્મિટ કાર્ડ અને પરીક્ષા કેન્દ્રો

વિશે જાણ કરીશું. કોરોના કાળમાં સલામતી માટેની માર્ગદર્શિકાને અનુસરીને અમે વૈકલ્પિક સીઈટી હાથ ધરવા માટે તકેદારીનાં પગલાં લઈ રહ્યા છીએ.’

mumbai mumbai news 10th result