વાયએફસી સેન્ટર સામે વધુ ફરિયાદ નોંધાઈ

09 November, 2019 10:36 AM IST  |  Mumbai | Jaydeep Ganatra

વાયએફસી સેન્ટર સામે વધુ ફરિયાદ નોંધાઈ

વાયએફસી ક્લબ

ચર્ની રોડમાં આવેલા વાયએફસી ફિટનેસ સેન્ટરે મેમ્બરો સાથે છેતરપિંડી કરવાના પ્રકરણમાં માલિક રીઝવાન મોઇનુદ્દીન સૈયદના કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. આરોપીએ અઠવાડિયામાં મેમ્બરોને રીફન્ડ આપવાની બાંયધરી આપતાં કોર્ટે તેને જામીન આપ્યા હતા. વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યા અનુસાર છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા રીઝવાને અત્યાર સુધી આઠેક જણની મેમ્બરશિપ-ફી રીફન્ડ કરી છે. જોકે આ સેન્ટરના અન્ય વિસ્તારના મેમ્બરો ફરિયાદ કરવા આગળ આવી રહ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.


ચર્ની રોડમાં ત્રણ વર્ષથી સેન્ટ્રલ પ્લાઝા નજીક ધમધમતું વાયએફસી સેન્ટર અચાનક બંધ કરીને થોડા અંતરે નવું ખોલવામાં આવ્યું હોવા છતાં શરૂ ન થઈ શકતાં મેમ્બરશિપ-ફી ભરનારા મેમ્બરોને શંકા જઈ હતી અને તેમણે વી. પી. રોડ પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. અંદાજે પંચાવન મેમ્બરોએ ફરિયાદ નોંધાવતાં છેતરપિંડીનો આંકડો ૬.૮૧ લાખ રૂપિયા પર પહોંચ્યો હતો. સેન્ટરના માલિકોએ આર્થિક ભીંસ હોવાની કબૂલાત કોર્ટમાં કરી હતી એવું વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.


વાયએફસી સેન્ટરના માલિક મેમ્બરોને પૈસા પાછા આપી રહ્યા હોવા વિશેની સચ્ચાઈ ચકાસવા ‘મિડ-ડે’એ પ્રયાસ કર્યો ત્યારે હિતેશ વસાણી નામના એક મેમ્બરે કહ્યું હતું કે ‘રીઝવાન અત્યારે માત્ર જેમના ચેક બાઉન્સ થયા હતા એ મેમ્બરોને જ રીફન્ડ આપી રહ્યો છે. મારા સહિત અનેક મેમ્બરોને પૈસા રીફન્ડ માટેની ઈ-મેઇલ આવી છે, પણ હજી સુધી અમને પૈસા મળ્યા નથી. કોર્ટમાં એક અઠવાડિયામાં મેમ્બરોને પૈસા પાછા આપવાની બાંયધરી પાઈ હોવાથી હવે અમે રાહ જોઈ રહ્યા છીએ.’


પંચાવન મેમ્બરો સાથે છેતરપિંડી કરવાના પ્રકરણમાં જામીન મળવાની સામે અન્ય મેમ્બરો પણ ફરિયાદ કરવા આગળ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ વિશે વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ પ્રકરણમાં અમારી પાસે અમુક લોકો ફરિયાદ લઈને આવ્યા છે. તેમની પાસેના પુરાવા ભેગા કર્યા બાદ અમે આગળની કાર્યવાહી કરીશું.’ છેતરપિંડીના કેસમાં વાયએફસી સેન્ટરના માલિકો રીઝવાન સૈયદ અને મનીષા સૈયદ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રીઝવાનની ધરપકડ કરવામાં આવી હતી, પણ મનીષા આ કેસમાં હજી ફરાર છે

mumbai news