થાણેના વિજય સેલ્સમાંથી ચોરી કરનારો મૂકબધીર ઝડપાયો

17 July, 2020 11:57 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

થાણેના વિજય સેલ્સમાંથી ચોરી કરનારો મૂકબધીર ઝડપાયો

થાણે વિજય સેલ્સ

થાણેમાં ટીપટૉપ હોટેલની બાજુમાં બીજા માળે આવેલા વિજય સેલ્સમાંથી ૨.૨૮ લાખ રૂપિયાની કિંમતના મોબાઇલ ચોરી કરવાના આરોપસર થાણેના વાગળે એસ્ટેટ પોલીસે એક મૂકબધીર આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી ગોવાનો રહેવાસી છે.
થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં આવેલા વિજય સેલ્સના શો-રૂમમાંથી ૨૦૨૦ની ૩૦ જૂનની રાત્રિએ ૨,૨૮,૦૦૦ રૂપિયાની કિંમતના વિવિધ કંપનીના ૮ મોબાઇલ શો-રૂમનો કાચ તોડીને ચોરી થવાની ઘટના બની હતી. વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રય ઢોલેએ તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાના ફુટેજને આધારે એક શંકાસ્પદને શોધી કઢાયો હતો. આ શંકાસ્પદને ઝડપી લેવાયો હતો, પરંતુ પૂછપરછમાં જણાયું હતું કે તે બોલી-સાંભળી નથી શકતો. આથી મૂકબધીરની ભાષા સમજનારાની મદદથી આરોપીની ઓળખ કરાઈ હતી. તે ગોવામાં રહેતો ૩૦ વર્ષનો તુષાર હોવાનું જણાયું હતું.
આરોપી તુષારે ચોરીનો ગુનો કબૂલ કરતાં પોલીસે તેની પાસેથી ૧,૨૨,૦૦૦ રૂપિયાની કિંમતના ૪ મોબાઇલ જપ્ત કર્યા હતા. તેણે શા માટે ચોરી કરી અને તેના કોઈ સાથી છે કે નહીં એની વાગળે એસ્ટેટ પોલીસ તપાસ કરી રહી છે.

mumbai thane mumbai news Crime News