મુંબઈ મૉનસૂન અપડેટ: પરાંમાં વરસાદ ધમધોકાર

18 August, 2020 07:49 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ મૉનસૂન અપડેટ: પરાંમાં વરસાદ ધમધોકાર

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ગઈ કાલે પણ વરસાદનું જોર જોવા મળ્યું હતું. મુંબઈ શહેર વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો હતો પણ પરાઓમાં ધમધોકાર વરસાદ પડ્યો હતો. પરાઓમાં આખો દિવસ ઝાપટાં પડતાં રહ્યાં હતાં.

કોલાબા વેધશાળાના જણાવ્યા અનુસાર કોલાબામાં સાંજે સાડા પાંચ સુધીમાં ૪.૦ એમએમ વરસાદ પડ્યો હતો એની સરખામણીએ સાંતાક્રુઝમાં ૨૩.૭ એમએમ વરસાદ પડ્યો હતો. આવતા ચોવીસ કલાક દરમ્યાન પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વાદળ છવાયેલાં રહેશે. શહેર અને પરાંના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ ઝાપટાં પડી શકે, જ્યારે કેટલેક ઠેકાણે ભારે વરસાદ પડે એવી આગાહી કોલાબા વેધશાળાએ કરી છે.

પરાઓમાં વરસાદની સતત ધાર જોવા મળી હતી. સાંજના સમયે વરસાદે જોર પકડ્યું હતું. એથી અઠવાડિયાના પહેલા જ દિવસે કામ પર ગયેલા સરકારી, બૅન્ક અને અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ અને પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓએ પણ ઘરે પાછા ફરતી વખતે હાડમારી ઉઠાવવી પડી હતી.

બાંદરામાં મકાનનો ભાગ તૂટી પડ્યો

બાંદરા વેસ્ટમાં શર્લી રોજન રોડ પર આવેલી રિઝવી કૉલેજ ઑફ આર્કિટેક્ચરની સામેની બાજુ આવેલી કલ્પના બિલ્ડિંગનો કેટલોક ભાગ ગઈ કાલે રાતે ૮.૩૮ વાગ્યે બાજુની બિલ્ડિંગની કમ્પાઉન્ડ વૉલ પર તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના ૮ ફાયર એન્જિન, એક રેસ્ક્યુ વૅન અને એમ્બ્યુલન્સ ધસી ગયાં હતાં. ફાયરબ્રિગેડે ૯.૧૮ વાગ્યે ઘટનાની ગંભીરતા જોઈ એલ -૩નો કૉલ આપ્યો હતો.

બાંદરા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક જાણકારી મુજબ એ અન્ડર કન્સ્ટ્રકશન મકાન ખાલી હતું, ૪-૫ માળ બનીને અધવચ્ચે જ કામ અટકી ગયું હતું. મોડી સાંજ સુધી ફાયરબ્રિગેડ દ્વારા ત્યાં કાર્યવાહી ચાલી રહી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ જખમી થયું કે નહીં તેની જાણકારી મળી શકી નહોતી.

mumbai mumbai rains mumbai news mumbai monsoon south mumbai colaba bandra