કોંકણમાં ચોમાસાનું આગમન, મુંબઈએ હજી 8થી 10 દિવસ રાહ જોવી પડશે

12 June, 2020 08:20 AM IST  |  Mumbai | Agencies

કોંકણમાં ચોમાસાનું આગમન, મુંબઈએ હજી 8થી 10 દિવસ રાહ જોવી પડશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ મૉન્સૂન પહોંચી ગયું હતું. સિંધુદુર્ગ સહિત અંબોલી, વેન્ગુર્લા અને અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે કોલબા વેધશાળાના જણાવ્યા અનુસાર મુંબઈમાં હજી પ્રી-મૉન્સૂન ઝાંપટાં જ પડી રહ્યાં છે. મુંબઈમાં સત્તાવાર ચોમાસું બેસતા હજી ૮થી ૧૦ દિવસ લાગશે. ‘નિસર્ગ’ વાવાઝોડાના કારણે સાઇકલ થોડી ખોરવાઈ હતી એથી મુંબઈમાં મૉન્સૂન થોડું મોડું બેસશે.

વેધશાળાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે. એસ. હોસલીકરે કહ્યું છે કે ‘મહારાષ્ટ્રમાં મૉન્સૂનનું આગમન થઈ ગયું છે. એથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં આવનારા ૪૮ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. મૉન્સૂનની હાલની ચાલ મુજબ એ હરની, સોલાપુર, રામગુંડમ (તેલંગણ) અને છત્તીસગઢના જગદલપુર પરથી પસાર થશે. આવતા ૪૮ કલાકમાં ભારે વરસાદનાં ઝાંપટાં પડી શકે છે. એ જ રીતે અન્ય વિસ્તારોમાં પણ હળવાં ઝાંપટાં ચાલુ થઈ શકે છે. ગુરુવાર સવારના ૧૧ વાગ્યાથી સિંધુદુર્ગ, આંબોલી અને વેન્ગુર્લામાં વરસાદ તૂટી પડ્યો હતો.’

મુંબઈ અને મુંબઈ આસપાસના વિસ્તારોમાં પ્રી-મૉન્સૂન શાવર (ઝાંપટાં) પડી રહ્યાં છે જેને લઈને મુંબઈ મહાનગરપાલિકાએ લોકો માટે ચોમાસાને લગતી બીમારીઓથી સાવચેત રહેવા ગાઇડલાઇન પણ બહાર પાડી હતી. પાલિકાએ લોકોને સૂચન કરતાં કહ્યું છે કે જો કોઈને ઠંડી લાગી તાવ આવતો હોય, સાંધા દુખતા હોય, શરદી-કફ, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તેમણે તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને તપાસ કરાવી યોગ્ય સારવાર લેવી.

maharashtra konkan mumbai rains mumbai news mumbai mumbai weather