મુંબઈ : દ​ક્ષિણ મુંબઈ 6 ઇંચ વરસાદમાં પાણી પાણી, આજે પણ આગાહી

04 July, 2020 10:09 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈ : દ​ક્ષિણ મુંબઈ 6 ઇંચ વરસાદમાં પાણી પાણી, આજે પણ આગાહી

કિંગ્સ સર્કલ પાસે ભરાયેલાં પાણી.

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ ગઈ કાલે સવારે મુંબઈમાં ભારે વરસાદ શરૂ થયો હતો. તળ મુંબઈમાં સવારે ત્રણ કલાકમાં ૬ ઇંચ વરસાદ થવાથી ચર્ચગેટ, મસ્જિદ બંદર, સાયન, ચીરાબજાર, દાદર, કિંગ્સ સર્કલ, વરલી તેમ જ પરાંમાં બોરીવલી, દહિસર અને મુલુંડમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડતાં અનેક જગ્યાએ પાણી ભરાયાં હતાં. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દર ચોમાસામાં પાણી ન ભરાવાના કરાતા દાવા ગઈ કાલે પણ પોકળ નીવડ્યા હતા. સમુદ્રમાં મોટી ભરતી હોવાથી પાણી ભરાયા હોવાનો લૂલો બચાવ પાલિકાએ કર્યો હતો. કોરોનાને લીધે આ વર્ષે ગટર-નાળાંની સફાઈ પણ ન થઈ હોવાથી ચોમાસામાં મુંબઈગરાઓએ આવી સ્થિતિનો સામનો કરવો રહ્યો.

હવામાન ખાતાએ ૩ અને ૪ જુલાઈએ મુંબઈ અને આસપાસના વિસ્તારની સાથે પશ્ચિમી દરિયાકિનારે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવાની સાથે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું હતું. આગાહી મુજબ ગઈ કાલે સવારથી જ મુંબઈમાં હળવાથી ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. સામાન્ય રીતે પરા વિસ્તારમાં વધારે વરસાદ થાય છે, પરંતુ ગઈ કાલે દક્ષિણ મુંબઈમાં માત્ર ત્રણ કલાકમાં ૧૬૦ મિમી એટલે કે ૬ ઇંચથી વધારે પાણી પડતાં અહીંના અનેક વિસ્તાર જળબંબાકાર થયા હતા.

દક્ષિણ મુંબઈમાં મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું હોવાથી અનેક જગ્યાએ ખોદકામ કરાયું છે. આને લીધે વરસાદનાં પાણી ગટરમાં ઊતરી ન શક્યાં હોવાથી અહીં અનેક જગ્યાએ પાણી ભરાયાં હોવાનું જોવા મળ્યું હતું. ચર્ચગેટ, ચીરાબજાર કે ફોફળવાડી વગેરે વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડે તો પાણી ભરાય છે. ગઈ કાલે અહીં સવારના આઠથી અગિયાર વાગ્યા સુધીમાં ૬ ઇંચ વરસાદ થવાથી વૉર્ડન રોડ જેવા ઊંચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયાં હતાં.

દાદર, માટુંગા, સાયન, કિંગ્સ સર્કલ, હિન્દમાતા વગેરે નીચાણવાળા વિસ્તાર હોવાથી અહીં પાલિકા દ્વારા અનેક ઉપાયો કરાતા હોવા છતાં દર વર્ષે ચોમાસામાં અનેક વખત પાણી ભરાય છે. ચોમાસામાં પાલિકા અહીં પાણી ઉલેચવા માટે પમ્પની વ્યવસ્થા કરે છે. ગઈ કાલે પણ પમ્પથી સોસાયટી, ગલીઓમાં ભરાયેલા વરસાદના પાણીનો નિકાલ કરાયો હતો.

વેધશાળાના ડેપ્યુટી ડિરેક્ટર કે. એમ. હોસલીકરના જણાવ્યા મુજબ ભારતના પશ્ચિમ કિનારામાં મુંબઈ સહિતના વિસ્તારમાં ચોમાસું સક્રિય થયું હોવાનું રડાર અને સૅટેલાઇટ ઇમેજમાં દેખાતું હોવાથી અહીં આગામી ૨૪થી ૪૮ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

કોરોનાની સાથે ભારે વરસાદની આફત મુંબઈ પર આવી હોવાથી પોલીસે લોકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરમાંથી બહાર ન નીકળવાની ચેતવણી આપી છે. મુંબઈ, થાણે અને પાલઘરમાં વરસાદની આગાહીથી લોકોએ સાવધ રહેવાની અપીલ કરાઈ છે.

હવામાન ખાતાની આગાહી મુજબ મુંબઈ ઉપરાંત ગઈ કાલે રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પણ સારો વરસાદ નોંધાયો હતો અને આગામી ૨૪થી ૪૮ કલાકમાં પણ નોંધપાત્ર વરસાદ પડી શકે છે.

મુંબઈ માટે ૫૦ મિલ્યન ક્યુબિક લિટર પાણી છોડાયું

ચોમાસું ખેંચાતાં મુંબઈમાં પાણીની અછતની શક્યતા જોવાઈ રહી છે ત્યારે અપર વૈતરણા ડૅમમાંથી મુંબઈ માટે ૫૦ મિલ્યન ક્યુબિક લિટર પાણી છોડવામાં આવ્યું હોવાનું જળ સંસાધન પ્રધાન જયંત પાટીલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અપર વૈતરણા અને ભાત્સા ડૅમમાં પૂરતું પાણી ઉપલબ્ધ હોવાથી મુંબઈમાં પાણીની મુશ્કેલી નહીં થાય.

mumbai mumbai news mumbai rains mumbai monsoon south mumbai