મૉન્સૂનમાં વેસ્ટર્ન રેલવેના પ્લૅટફૉર્મ પર પ્રવાસીઔને છત્રી લઈ જવી પડશે?

05 June, 2019 08:48 AM IST  |  | પ્રીતિ ખુમાણ-ઠાકુર

મૉન્સૂનમાં વેસ્ટર્ન રેલવેના પ્લૅટફૉર્મ પર પ્રવાસીઔને છત્રી લઈ જવી પડશે?

વેસ્ટર્ન રેલવેનાં અનેક સ્ટેશનોએ આ રીતે પ્લૅટફૉર્મ કવરિંગ જોવા મળે છે

મોન્સૂન શરૂ થાય ત્યારે મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં હોય છે, એવી જ હાલત રેલવે ટ્રૅક પર પણ જોવા મળતી હોય છે. જોકે આવી હાલત હવે વેસ્ટર્ન રેલવેના પ્લૅટફૉર્મ પર પણ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. કારણ કે વેસ્ટર્ન રેલવેના ચર્ચગેટથી લઈને વિરાર સુધીના ૨૯ રેલવે  પ્લૅટફૉર્મ પૈકી ૧૮ પ્લૅટફૉર્મ પર ચાર વિવિધ એજન્સીઓનું કામ ચાલી રહ્યું હોવાથી પ્લૅટફૉર્મ પરના કવરિંગ ભાગ એટલે કે રૂફને અમુક ભાગથી કાપવામાં આવ્યા છે. ૧૦ જૂન સુધી એટલે કે મોન્સૂનની શરૂઆત થાય પહેલાં કવર અવર  પ્લૅટફૉર્મનું કામ પૂરું થશે એવું રેલવેના વિભાગીય અધિકારીઓ દ્વારા આશ્વાસન અપાયું છે, પરંતુ મોન્સૂનની શરૂઆત પહેલાં આ કામ પૂરું થશે કે નહીં એ ચિંતામાં રેલવે પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે.

વેસ્ટર્ન રેલવેના અનેક પ્લૅટફૉર્મ પર નજર કરશો તો અનેક ભાગના રૂફ કાપવામાં આવ્યા છે, જેના કારણે હાલમાં રેલવે પ્રવાસીઓ તડકામાં હેરાન થઈ રહ્યા છે. જોકે તડકાને તો એક વખત પ્રવાસીઓ સહન કરી શકે છે પરંતુ મોન્સૂનમાં વરસાદ વખતે પ્રવાસીઓ  પ્લૅટફૉર્મ પર પડી શકતાં પાણીને કારણે ભીંજાઈ શકે છે. એ ઉપરાંત ટ્રેન પકડવાની ઉતાવળમાં પ્લૅટફૉર્મ પર ભાગતા પ્રવાસીઓ સ્લીપ થવાની અથવા તો ટ્રેનમાં ચઢતી વખતે અકસ્માત થવાની પણ શક્યતા ખરી.  પ્લૅટફૉર્મ પર પાણી ભરાતાં પ્રવાસીઓને ગંદાં પાણીમાંથી પસાર થવાની સમસ્યા તો આડે આવે છે અને એના કારણે કપડાં ગંદા થવાની પણ ફરિયાદ પ્રવાસીઓ કરતા હોય છે, એવામાં  પ્લૅટફૉર્મના રૂફનું કામ સમયસર નહીં થયું તો કેવી હાલત થઈ શકે એ સમજી શકાય એમ છે.

આ પણ વાંચો: અદાણીનાં લાઇટ બિલની મોટી મોકાણ

વેસ્ટર્ન રેલવેના સાઉથ વિભાગના (ચર્ચગેટથી ખાર રોડ) ડીએમ અરુણ કુમારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સાઉથ વિભાગમાં સાત સ્ટેશનોએ ફુટઓવર બ્રિજ, એસ્ક્લેટર વગેરેનું ચાર રેલવે એજન્સીનું કામ ચાલી રહ્યું છે. આ કામ કરવા માટે કવરિંગ  પ્લૅટફૉર્મ એટલે કે રૂફનો ભાગ કાપવામાં આવે છે. એથી સાત સ્ટેશનોએ કાપેલા ભાગને મોન્સૂન પહેલાં રિપેર કરી લેવામાં આવશે.’

gujarati mid-day mumbai news mumbai monsoon