બીએમસીની પોલ તો પહેલા વરસાદમાં જ ખૂલી ગઈ : આશિષ શેલારનો આક્ષેપ

10 June, 2021 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલા જ વરસાદમાં રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાતાં બીએમસીએ પ્રી-મૉન્સૂન નાળાં, ગટર અને સિવરેજ લાઇનની સાફસફાઈ થઈ ગઈ છે એવા જે દાવા કર્યા હતા એ પોકળ ઠર્યા છે અને એ કામમાં થયેલી ગેરરીતિઓ ઉઘાડી પડી ગઈ છે એમ બીજેપીના નેતા આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

પહેલા જ વરસાદમાં રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાતાં બીએમસીએ પ્રી-મૉન્સૂન નાળાં, ગટર અને સિવરેજ લાઇનની સાફસફાઈ થઈ ગઈ છે એવા જે દાવા કર્યા હતા એ પોકળ ઠર્યા છે અને એ કામમાં થયેલી ગેરરીતિઓ ઉઘાડી પડી ગઈ છે એમ બીજેપીના નેતા આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું. 

આશિષ શેલારે કહ્યું હતું કે ‘શિવસેનાની સત્તા ધરાવતી મુંબઈ મહાનગરપાલિકાએ એવો દાવો કર્યો હતો કે મૉન્સૂન પહેલાં જ અમે નાળાં, સિવરેજ અને ખુલ્લી ગટરોને સાફ કરવાની કામગીરી ૧૦૪ ટકા પતાવી દીધી છે, જ્યારે આજે પહેલા જ વરસાદમાં શહેરમાં અને રેલવે-ટ્રૅક પર અનેક જગ્યાએ પાણી ભરાતાં તેમની પોલ ખૂલી ગઈ છે. દર વર્ષે પાલિકા દ્વારા નાળાં, સિવરેજ અને ગટરની સફાઈ માટે ૧૫૦ કરોડ રૂપિયા કરતાં વધુના કૉન્ટ્રૅક્ટ અપાય છે. જોકે કૉન્ટ્રૅક્ટરો, પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને સત્તાધારી પક્ષની સાઠગાંઠને કારણે એમાં લૂંટ ચલાવાય છે.’ 

પાણી નહીં ભરાય એવો દાવો કર્યો જ નથી : મેયર

મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘વિરોધ પક્ષો દ્વારા એવો દાવો કરાય છે કે નાળાં સાફ થતાં નથી એટલે પાણી ભરાય છે, પણ એવું નથી. બીજું, અમે ક્યારેય એવો દાવો કર્યો નથી કે મુંબઈમાં પાણી નહીં ભરાય. અમારું કહેવું છે કે એક વાર પાણી ભરાયા બાદ વરસાદ અટકી જાય એના ચાર કલાકમાં પાણી ઊતરી જાય એવો અમે પ્રયાસ કરીએ છીએ.’

mumbai mumbai news mumbai rains maharashtra mumbai monsoon mumbai weather ashish shelar brihanmumbai municipal corporation