અનિલ દેશમુખ મની લૉન્ડરિંગ કેસના માસ્ટરમાઇન્ડ, સત્તાનો કર્યો દુરુપયોગ : ઈડીએ કોર્ટને જણાવ્યું

08 April, 2022 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈડીએ ભૂતપૂર્વ ગૃહપ્રધાનની જામીનઅરજી સામે હાઈ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કરી હતી

અનિલ દેશમુખ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ મની લૉન્ડરિંગના માસ્ટરમાઇન્ડ હતા, સમગ્ર કાવતરું તેમના દિમાગની ઊપજ છે તથા તેમણે સંપત્તિ એકઠી કરવા માટે તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.

આ સાથે જ તપાસકર્તા સંસ્થાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અનિલ દેશમુખે પોલીસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ કરવા માટે પોતાની વગનો અનુચિત ઉપયોગ કર્યો હતો. ઈડીએ ભૂતપૂર્વ ગૃહપ્રધાનની જામીનઅરજી સામે હાઈ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કરી હતી.

ઈડીના અસિસ્ટન્ટ ડિરેક્ટર તેસ્સિન સુલતાને અનિલ દેશમુખની જામીનઅરજી નામંજૂર કરવાની માગણી કરતાં અરજીને યોગ્યતા વિનાની ગણાવી હતી અને જણાવ્યું હતું કે તેઓ વગદાર વ્યક્તિ હોવાથી તપાસને પ્રભાવિત કરી શકે છે.

ઈડીએ વધુમાં જણાવ્યું હતું કે ‘અરજીકર્તા (અનિલ દેશમુખ) તેમના પુત્ર હૃષીકેષ દેશમુખ, સચિન વઝે (બરતરફ પોલીસ અધિકારી), સંજીવ પાલાંડે અને કુંદન શિંદે (અનિલ દેશમુખના ભૂતપૂર્વ સાથી) સાથે રચવામાં આવેલા કાવતરા પાછળના માસ્ટરમાઇન્ડ છે. અરજીકર્તા બાર અને રેસ્ટોરાંના માલિકો પાસેથી નાણાં ખંખેરવાનું કાવતરું રચનાર મુખ્ય વ્યક્તિ છે.’

mumbai mumbai news anil deshmukh