મમ્મી-પપ્પાને જોખમ હોવાનું કહી, દીકરા પાસે ઘરમાં ચોરી કરાવનારાઓની ધરપકડ

12 February, 2021 09:19 AM IST  |  Mumbai | Samiullah Kha

મમ્મી-પપ્પાને જોખમ હોવાનું કહી, દીકરા પાસે ઘરમાં ચોરી કરાવનારાઓની ધરપકડ

આસિફ મેનન (જમણે) અને મકસૂદ અન્સારીને કોર્ટમાં હાજર કરાતાં પહેલાં (તસવીર: હનીફ પટેલ)

તારાં મમ્મી-પપ્પા પર જોખમ હોવાનું કહીને માત્ર બ્લૅક મૅજિકથી જ તેમને બચાવી શકાય છે એમ જણાવી ૧૨ વર્ષના છોકરાને તેના જ ઘરમાં ચોરી કરવાની ફરજ પાડનાર બન્ને આરોપીઓની વસઈ પોલીસે બુધવારે ધરપકડ કરી હતી. માતાપિતા પર જોખમ હોવાનું જાણીને ડરી ગયેલા છોકરાએ પોતાના ઘરમાંથી ૧૫ લાખ રૂપિયાની કિંમતનું ઝવેરાત ચોરીને આરોપીઓને આપ્યું હતું. ૪૫ વર્ષનો મકસૂદ અન્સારી અને ૧૮ વર્ષનો આસિફ મેનન બન્ને વસઈ-વેસ્ટમાં રહે છે.

પોલીસે જણાવ્યા મુજબ ચોરી પાંચમી જાન્યુઆરીથી ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન કરી હતી. આસિફ મેનને ૧૨ વર્ષના છોકરાના મિત્ર બનીને તેની પાસે પૈસાની માગણી કરી હતી. જોકે છોકરાએ પૈસા ન હોવાનું જણાવ્યા બાદ આસિફે મકસૂદ અન્સારી સાથે તેની ઓળખાણ કરાવીને તે ભવિષ્ય ભાખી શકતો હોવાનું કહ્યું હતું.

મકસૂદ અન્સારીએ છોકરાને તેનાં મમ્મી-પપ્પા પર જોખમ હોવાનું કહીને તેમને બચાવવા માટે ઘરમાં ઘરેણાંના સ્થાને લીંબુ મૂકીને બધાં ઘરેણાં બન્નેને સોંપવાનું કહ્યું હતું. ઘરેણાં મળ્યા બાદ જ તે કાળો જાદુ કરશે જેથી છોકરાનાં મમ્મી-પપ્પા પરનું જોખમ દૂર થશે એમ જણાવાયું હતું. વળી છોકરાને કોઈને આ વાત ન જણાવવાની તાકીદ પણ કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં છોકરાની મમ્મીએ કબાટ ખોલતાં એમાં ઝવેરાતના સ્થાને લીંબુ જોતાં પોલીસ-ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં ઝવેરાત છોકરાએ જ ચોર્યું હોવાનું સામે આવ્યું હતું.

છોકરાના નિવેદનના આધારે વસઈ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ આઇપીસીની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

mumbai mumbai news Crime News mumbai crime news samiullah kha