ટ્રેનના ગેટ પર ઊભા રહીને મિત્રો સાથે મજાક-મસ્તી કરવા જતાં ગુમાવ્યો જીવ

29 August, 2012 05:47 AM IST  | 

ટ્રેનના ગેટ પર ઊભા રહીને મિત્રો સાથે મજાક-મસ્તી કરવા જતાં ગુમાવ્યો જીવ

કડવા પટેલ સમાજના ૧૭ વર્ષના મોહિત પટેલનું સોમવારે સાંજે દહિસર-મીરા રોડ વચ્ચે ટ્રેનમાંથી પડી જવાથી થયેલા મૃત્યુથી પટેલ પરિવારે તેમનો એકનો એક દીકરો ગુમાવ્યો છે. અચાનક આવું કરુણ મોત થતાં તેના પરિવારજનો અને ખાસ કરીને મમ્મી-પપ્પા આઘાતમાં આવી ગયાં છે. પટેલ પરિવાર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મૂળ ગોજારિયા ગામનો વતની છે.

ભાઈંદર (વેસ્ટ)ની શિવસેના ગલીના ભાવેશ બિલ્ડિંગમાં રહેતો મોહિત બોરીવલીની એમ. કે. કૉમર્સ કૉલેજમાં અગિયારમા ધોરણમાં ભણતો હતો. સોમવારે સાંજે કૉલેજથી છૂટ્યાં પછી તેણે ઘરે આવવા ટ્રેન પકડી હતી. પીક-અવર્સ હોવાથી તે મિત્રો સાથે ગેટ પર ઊભો હતો. મિત્રો વચ્ચે થોડી મસ્તી થતાં તેનો પગ ગેટ પરથી સ્લિપ થતાં તે બૅલેન્સ ગુમાવી બેઠો અને ટ્રેનમાંથી નીચે પડતાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો.

મોહિતના માસા શૈલેશ પટેલે આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોહિતને બે બહેનો હતી અને તે એકનો એક દીકરો હતો. તે ઘરમાં સૌથી નાનો હતો એટલે બહેનો અને મમ્મી-પપ્પા તથા ખાસ કરીને દાદાનો ખૂબ જ લાડકો હતો. મોહિત એક-બે મહિનાથી જ કૉલેજ જતો હતો. દરરોજની જેમ તેણે તેના મિત્રો સાથે બોરીવલીથી સાંજે ૫.૪૬ વાગ્યાની વસઈ લોકલ ટ્રેન પકડી હતી. મોહિત ગેટ પર ઊભો હતો અને મિત્રો વચ્ચે મજાક-મસ્તી ચાલી રહી હતી. મજાક-મસ્તીમાં મોહિતનો પગ ગેટ પરથી સ્લિપ થઈ ગયો અને તે દહિસર-મીરા રોડ વચ્ચે સીધો નીચે પડ્યો હતો. તેને માથાથી લઈને આખા શરીર પર ભારે માર વાગ્યો હતો. રેલવે-પોલીસ તેને પાસે આવેલી ભગવતી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. મોહિતના મિત્રોએ તેના ઘરે તરત ફોન કરીને જાણ કરી હતી. મોહિત પહેલેથી એક જ વાત કરતો હતો કે મારે આગળ જઈને કંઈક બનવું છે અને મમ્મી-પપ્પાનું નામ આગળ વધારવું છે.’

મોહિતના પપ્પા રમેશ પટેલનું ગોરેગામમાં ઍલ્યુમિનિયમની વસ્તુઓ બનાવવાનું કારખાનું છે, જ્યારે મોટી બહેન વનિતા અને તેનાથી નાની ફાલ્ગુની ભણી રહી છે. મોહિતનાં મમ્મી શકુંતલાબહેન હાઉસ-વાઇફ છે. નટખટ સ્વભાવનો મોહિતે દસમા ધોરણ સુધી ભાઈંદરની પોદાર હાઈ સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં ભણ્યો હતો. ગઈ કાલે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.